ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.

2

૨) તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી.

3

૩) અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે.

4

૪) અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો.

5

૫) બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે.

6

૬) કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે.

7

૭) નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે.

8

૮) બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો.

9

૯) તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય.

10

૧૦) અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો ,

11

૧૧) બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર,

12

૧૨) ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી,

13

૧૩) અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે.

14

૧૪) તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે.

15

૧૫) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે.

16

૧૬) અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું.

17

૧૭) નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું.

18

૧૮) અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા.

19

૧૯) બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા.

20

૨૦) બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક.

21

૨૧) હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા.

22

૨૨) કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો.

23

૨૩) ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા.

24

૨૪) કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે.

25

૨૫) અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે).

26

૨૬) જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા.

27

૨૭) ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ.

28

૨૮) તે લોકોમાં જે શ્રેષ્ઠ હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહ ની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા ?

29

૨૯) તો બધા જ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક અમે જ અત્યાચારી હતા.

30

૩૦) ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા.

31

૩૧) કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે વિદ્રોહી હતા.

32

૩૨) ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ.

33

૩૩) આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત.

34

૩૪) ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે.

35

૩૫) શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું .

36

૩૬) તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો ?

37

૩૭) શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય ?

38

૩૮) કે તેમાં તમારી મનચાહી વાતો હોય ?

39

૩૯) અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો.

40

૪૦) તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે.

41

૪૧) શું તેમના કોઇ ભાગીદાર છે ? તો પોત પોતાના ભાગીદારો લઇ આવે, અગર તેઓ સાચા છે.

42

૪૨) જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે.

43

૪૩) નજરો નીચી હશે અને તેમના પર કલંક છવાઇ રહ્યુ હશે. તેમ છંતા આ સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા.

44

૪૪) બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે.

45

૪૫) અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે.

46

૪૬) શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય.

47

૪૭) અથવા તો તેમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે, જેને તેઓ લખી રહ્યા હોય.

48

૪૮) બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી.

49

૪૯) અગર તેને તેના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવત.

50

૫૦) તેને તેના પાલનહારે ફરી પસંદ કરી લીધો અને તેને સદાચારી લોકોમાંસામેલ કરી દીધો.

51

૫૧) અને નજીક છે કે ઇન્કારીઓ પોતાની ધારદાર નજરથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે, આ તો પાગલ જ છે.

52

૫૨) ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ જ છે.