૧) ખુબ જ બરકતવાળો છે તે (અલ્લાહ) જેના હાથમાં સલ્તનત છે. અને જે દરેક વસ્તુઓ પર શક્તિમાન છે.
૨) જેણે મૃત્યુ અને જીવનને તે માટે પેદા કર્યુ કે તમારી કસોટી કરે, કે તમારા માંથી કોણ સારા કાર્યો કરે છે. અને તે સર્વોપરી (અને) ક્ષમા કરનાર છે.
૩) જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, (તો એ જોવાવાળા) અલ્લાહ કૃપાળુ ના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુએ, ફરીવાર (નજર થમાવીને) જોઇ લે શું કોઇ તિરાડ પણ દેખાઇ છે.
૪) ફરીવાર બે બે વખત જોઇ લે, તારી નજર તારી તરફ અપમાનિત (અને લાચાર) થઇને થાકીને પાછી ફરશે.
૫) નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેમને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ અને શૈતાનો માટે અમે (જહન્નમની સળગાવી દેનારી) યાતના તૈયાર કરી દીધી.
૬) અને પોતાના પાલનહારનો ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના છે અને તે કેટલી ખરાબ જગ્યા છે.
૭) જ્યારે તેમાં તેઓ નાખવામાં આવશે તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે.
૮) નજીક છે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તેનાથી જહન્નમના રખેવાળો સવાલ કરશે કે શું તમારી પાસે ખબરદાર કરનાર કોઇ નહતો આવ્યો ?
૯) તે જવાબ આપશે કે કેમ નહી, આવ્યો હતો, પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે ખુબ જ મોટા ગેરમાર્ગે છો.
૧૦) અને કહેશે કે અગર અમે સાંભળતા હોત અથવા તો સમજ્યા હોત તો જહન્નમીઓમાં ન હોત.
૧૧) બસ તેમણે પોતાનું પાપ સ્વીકારી લીધું, હવે આ જહન્નમીઓ દૂર થઇ જાવ.
૧૨) નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિનાદેખે ડરતા રહે છે તેમના માટે ક્ષમા છે અને ભવ્ય સવાબ છે.
૧૩) તમે પોતાની વાતોને છુપાવો અથવા તો જાહેર કરો, તે તો હૃદયોના ભેદોને પણ ખુબ જ સારી રીતે જાણે છે.
૧૪) શું તે જ ન જાણે, જેણે સર્જન કર્યુ ? ફરી તે ખૂબ જ જાણકાર છે.
૧૫) તે હસ્તી જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજીમાં થી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ ઉભુ થવાનું છે.
૧૬) શું તમે એ વાતથી પણ નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય.
૧૭) અથવા શું તમે આ વાતથી નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમારા પર પથ્થર વરસાવી દે, પછી તો તમને ખબર પડી જ જશે કે મારી ચેતવણી કેવી હતી.
૧૮) અને તેમનાથી પહેલાના લોકોએ પણ જુઠલાવ્યુ, તો તેમના પર નજર દોડાવો કે મારી પકડ કેવી સખત થઇ ?
૧૯) શું આ લોકો પોતાના ઉપર ફેલાયેલા અને (કયારેક) સમેટાયેલા (ઉડતા) પંખીઓ ને નથી જોતા, તેમને (અલ્લાહ) કૃપાળુ એ જ (હવા અને વાતાવરણમાં) ટકાવી રાખ્યા છે, નિ:શંક દરેક વસ્તુ તેની દેખરેખ હેઠળ છે.
૨૦) સિવાય અલ્લાહના તમારૂ તે કેવું લશ્કર છે, જે તમારી મદદ કરી શકે, ઇન્કારીઓ તો ખરેખર ધોકામાં જ છે.
૨૧) અગર અલ્લાહ તઆલા તમારી રોજી રોકી લે તો બતાઓ કોણ છે જે તમને ફરી રોજી આપશે ? પરંતુ (ઇન્કારીઓ) તો વિદ્રોહ અને વિમુખતા પર હઠે ચઢી ગયા છે.
૨૨) હાં, તે વ્યક્તિ વધુ સત્યના માર્ગ ઉપર છે જે ઊંધું ઘાલીને ચાલી રહ્યો છે, અથવા તો તે જે સત્યના માર્ગને પારખીને સીધો ચાલતો હોય ?
૨૩) કહી દો ! કે તે જ (અલ્લાહ) છે જેણે તમારૂ સર્જન કર્યુ અને તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા, તમે ખુબ જ ઓછો આભાર માનો છો.
૨૪) કહી દો ! કે તે જ છે જેણે તમને ધરતી પર ફેલાવી દીધા અને જેની તરફ તમને એકઠા કરવામાં આવશે.
૨૫) (ઇન્કારીઓ) સવાલ કરે છે કે તે વચન ક્યારે થશે, અગર તમે સાચા હોય (તો બતાવો) ?
૨૬) તમે કહી દો ! કે તેનું જ્ઞાન તો અલ્લાહને જ છે, હું તો ફકત સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું.
૨૭) જ્યારે આ લોકો તે વચનને નજીક જોઇ લેશે તે વખતે તે ઇન્કારીઓના મુખ બગડી જશે અને કહી દેવામાં આવશે કે આ જ છે જેની તમે ઇચ્છા કરતા હતા.
૨૮) તમે કહી દો! અગર મને અને મારા સાથીઓને અલ્લાહ તઆલા નષ્ટ કરી દે, અથવા અમારા પર દયા કરે, (બન્ને પરિસ્થિતીઓમાં એવું તો બતાવો) કે ઇન્કારીઓને દુ:ખદાયી યાતનાથી કોણ બચાવશે ?
૨૯) તમે કહી દો ! કે તે જ કૃપાળુ છે. અમે તો તેના પર ઇમાન લાવી ચુકયા અને તેના પર જ અમારો વિશ્ર્વાસ છે. તમને નજીકમાં જ ખબર પડી જશે કે નરી પથભ્રષ્ટતામાં કોણ છે ?
૩૦) તમે કહી દો ! હા એ તો બતાવો કે જો તમારૂ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે જે તમારા માટે વહેતું પાણી લાવે ?