All Islam Directory
1

૧) હે ઈમાનવાળાઓ ! વચનો પૂરા કરો, તમારા માટે ઢોરના પ્રકારના (કેટલાક) પશુઓ હલાલ કરવામાં આવ્યા છે, તે સિવાય જેના નામ વર્ણન કરી જણાવી દેવામાં આવશે, પરંતુ એહરામની સ્થિતિમાં શિકારને હલાલ સમજવાવાળા ન બનશો, નિ:શંક અલ્લાહ જે ઇચ્છે, આદેશ આપે છે.

2

૨) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાની પવિત્ર નિશાનીઓનો અનાદર ન કરો, ન પવિત્ર મહિનાઓનું, ન હરમમાં કુરબાન થનારા અને પટ્ટો પહેરાવેલ જાનવરોનો જે કાબા તરફ જઇ રહ્યા હોય અને ન તે લોકોનો જે અલ્લાહના ઘરના ઇરાદાથી પોતાના પાલનહારની કૃપા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના હેતુથી જઇ રહ્યા હોય, હાં જ્યારે તમે અહેરામ ઊતારી નાખો તો શિકાર કરી શકો છો, જે લોકોએ તમને મસ્જિદે હરામથી રોક્યા હતા તેઓની શત્રુતા તમને તે વાત પર ન ઉભારે કે તમે હદ વટાવી જનારા બની જાવ, સત્કાર્ય અને ડરવામાં એકબીજાની મદદ કરતા રહો અને પાપ અને અત્યાચાર કરવામાં મદદ ન કરો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે.

3

૩) તમારા માટે હરામ કરવામાં આવ્યું છે મૃતક અને લોહી અને ડુક્કરનું માંસ અને જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય અને જે ગળું ફસાઇ જવાથી મૃત્યુ પામ્યું હોય અને જે કોઇ મારના મૃત્યુ પામ્યું હોય અને જે ઊંચી જગ્યાએથી પડી જવાથી મૃત્યુ પામે અને જે કોઇના શિંગડા મારવાથી મૃત્યુ પામે અને જેને હિંસક પશુએ ફાડી ખાધું હોય, પરંતુ તેને તમે ઝબહ કરી દો તો હરામ નથી અને જે જાનવર વેદી ઉપર ઝબહ કરવામાં આવ્યું હોય અને આ જાનવર પણ જે પાસાના તીરો વડે ઝબહ થયું હોય, આ બધા ગુનાના કાર્ય છે, આજે ઇન્કાર કરનારાઓ તમારા દીનથી સંપૂર્ણ નિરાશ થઇ ગયા, ખબરદાર ! તમે તેઓથી ન ડરશો અને મારાથી ડરતા રહેજો, આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુષ્કળ કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો, બસ ! જે વ્યક્તિ સખત ભૂખથી આકુળવ્યાકુળ થઇ જાય, શરત એ છે કે કોઇ ગુના તરફ તેની ઇચ્છા ન હોય, તો ખરેખર અલ્લાહ તઆલા માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે.

4

૪) તમને સવાલ કરે છે કે તેઓ માટે શું-શું હલાલ કરવામાં આવ્યું છે ? તમે કહી દો કે દરેક શુદ્ધ વસ્તુઓ તમારા માટે હલાલ કરવામાં આવી છે અને જે શિકારી જાનવરોને તમે કેળવ્યા હોય એટલે કે જેને તમે થોડુંક એવું શિખવાડો છો જેવું અલ્લાહએ તમને શિખવાડ્યું છે, બસ ! જે શિકારને તે (જાનવર) તમારા માટે પકડી રાખે તો તમે તેને ખાઇ લો અને તેના પર અલ્લાહ તઆલાનું નામ લો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ત્વરિત હિસાબ લેનાર છે.

5

૫) બધી જ શુદ્ધ વસ્તુઓ આજે તમારા માટે હલાલ કરવામાં આવી છે અને કિતાબવાળાનું ઝબહ (કરેલ જાનવર) તમારા માટે હલાલ છે અને તમારું ઝબહ કરેલ તેઓ માટે હલાલ છે. પવિત્ર મુસલમાન સ્ત્રીઓ અને જે લોકોને તમારા પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓની પવિત્ર સ્ત્રીઓ પણ હલાલ છે, જ્યારે તમે તેણીઓને મહેર આપો એવી રીતે કે તમે તેણીઓ સાથે લગ્ન કરો, એવું નહીં કે ખુલ્લી રીતે વ્યાભિચાર કરો, અથવા તો છુપી રીતે વ્યાભિચાર કરો, ઈમાનનો ઇન્કાર કરવાવાળાના કાર્યો વ્યર્થ થઇ જશે અને આખેરતમાં (પરલોક) તેઓ હારી જનાર લોકો માંથી હશે,

6

૬) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે નમાઝ પઢવા લાગો તો પોતાના ચહેરાને અને પોતાના હાથોને કોણીઓ સુધી ધોઇ લો, પોતાના માથાઓ પર હાથ ફેરવી લો અને પોતાના પગને ઘુંટીઓ સુધી ધોઇ લો અને જો તમે નાપાકી ની અવસ્થામાં હોવ તો ગુસ્લ (પવિત્ર સ્નાન) કરી લો, હાં જો તમે બિમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારા માંથી કોઇ હાજત પૂરી કરીને આવ્યો હોય, અથવા તો તમે પત્ની સાથે ભેગા (સમાગમ) થયા હોય, અને તમને પાણી ન મળે તો તમે સાફ માટી વડે તયમ્મુમ કરી લો, તેને પોતાના ચહેરા અને હાથો પર ફેરવી લો, અલ્લાહ તઆલા તમારા પર કોઇ પણ પ્રકારની તંગી નાખવા નથી ઇચ્છતો, પરંતુ તેની ઇચ્છા તમને પવિત્ર કરવાની અને પોતાની પુષ્કળ નેઅમત (કૃપા) આપવાની છે, જેથી તમે આભાર વ્યકત કરતા રહો.

7

૭) તમને અલ્લાહ તઆલાએ જે નેઅમતો આપી છે તેને યાદ રાખો અને તેના તે વચનને પણ, જેનો કરાર તમારી સાથે થયો છે, જ્યારે કે તમે કહ્યું, અમે સાંભળ્યું અને માન્યું અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા હૃદયોની વાતોને જાણવાવાળો છે.

8

૮) હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ માટે સત્ય પર અડગ રહેનારા બની જાવ, સાચી અને ન્યાય સાથે સાક્ષી આપનારા બની જાવ, કોઇ કોમની શત્રુતા તમને ન્યાયના વિરોધ માટે ન ઉભારે, ન્યાય કરતા રહો જે ડરવાની વધારે નજીક છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, ખરેખર અલ્લાહ તઆલા તમારા કાર્યોને જાણે છે.

9

૯) અલ્લાહ તઆલાનું વચન છે કે જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરે તેઓ માટે વિશાળ માફી અને ઘણું જ મોટું ફળ છે.

10

૧૦) અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારા આદેશોને જૂઠલાવ્યા તેઓ જહન્નમી છે.

11

૧૧) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાએ જે ઉપકાર તમારા પર કર્યા છે તેને તમે યાદ કરો, જ્યારે કે એક જૂથે તમારા પર અત્યાચાર કરવાનો ઇરાદો કર્યો તો અલ્લાહ તઆલાએ તેમના હાથ તમારા સુધી પહોંચતા પહેલા રોકી લીધા અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.

12

૧૨) અને અલ્લાહ તઆલાએ ઇસ્રાઇલના સંતાનો પાસેથી વચન લીધું અને તેમના માંથી જ બાર સરદાર અમે નક્કી કર્યા અને અલ્લાહ તઆલાએ કહ્યું કે ખરેખર હું તમારી સાથે છું, જો તમે નમાઝ પઢતા રહેશો અને ઝકાત આપતા રહેશો અને મારા પયગંબરોની વાત માનશો અને તેમની મદદ કરતા રહેશો અને અલ્લાહ તઆલાને ઘણું જ ઉત્તમ ઉધાર આપતા રહેશો, તો ચોક્કસપણે હું તમારી બૂરાઈને તમારાથી દૂર રાખીશ અને તમને તે જન્નતોમાં પ્રવેશ આપીશ જેની નીચે ઝરણાં વહી રહ્યા છે. હવે તે વચન આપ્યા પછી પણ તમારા માંથી જે ઇન્કાર કરનારા બનશે, તો નિ:શંક તે સત્યમાર્ગથી ભટકી ગયો.

13

૧૩) પછી તેમના વચનભંગના કારણે અમે તેમના પર અમારી લઅનત (ફિટકાર) નાખી દીધી અને તેઓના હૃદયો સખત કરી દીધા કે તેઓ કલામ (દિવ્યવાણી) ને તેની જગ્યાએથી બદલી નાંખે છે અને જે કંઈ શિખામણ તેઓને આપવામાં આવી હતી તેનો મોટો ભાગ ભૂલી ગયા, તેમના દરેક દગાની જાણ તમને આપતા રહીશું, હાં થોડાંક લોકો આવા નથી. બસ ! તમે તેઓને માફ કરી દો અને દરગુજર કરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ઉપકાર કરવાવાળાઓને મુહબ્બત કરે છે.

14

૧૪) અને જે પોતે પોતાને નસ્રાની કહે છે અમે તેઓ પાસેથી પણ વચન લીધું, તેઓ પણ તેનો મોટો ભાગ ભૂલાવી બેઠા, જેની શિખામણ તેઓને આપવામાં આવી હતી, તો અમે પણ તેઓની અંદરો અંદર કપટ અને શત્રુતા નાખી દીધી, જે કયામત સુધી રહેશે અને જે કંઈ પણ આ લોકો કરતા હતા નજીક માંજ અલ્લાહ તઆલા તેઓને બધું જ બતાવી દેશે.

15

૧૫) હે કિતાબવાળાઓ ! નિ:શંક તમારી પાસે અમારો પયગંબર આવી પહોંચ્યો, જે તમારી સમક્ષ અલ્લાહની કિતાબની વધું પડતી એવી વાતો જાહેર કરી રહ્યો છે જેને તમે છૂપાવી રહ્યા હતા અને ઘણી જ વાતોથી દરગુજર કરે છે, તમારી પાસે અલ્લાહ તરફથી પ્રકાશ અને ખુલ્લી કિતાબ આવી પહોંચી છે.

16

૧૬) જેના કારણે અલ્લાહ તઆલા તેઓને-જે અલ્લાહની પ્રસન્નતા ઇચ્છતા હોય (તેમને) સલામતી માર્ગ બતાવે છે અને પોતાની તૌફીક વડે અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવે છે અને સત્યમાર્ગ તરફ તેઓને માર્ગદર્શન કરે છે.

17

૧૭) નિ:શંક તે લોકો ઇન્કાર કરનારા બની ગયા જેઓએ કહ્યું કે અલ્લાહ જ મરયમના દીકરા મસીહ છે, તમે તેઓને કહી દો કે જો અલ્લાહ તઆલા મરયમના દીકરા મસીહ અને તેમની માતા અને ધરતી પરના દરેક લોકોનો વિનાશ કરવા ઇચ્છે તો કોણ છે જે અલ્લાહ તઆલા પર કંઈક પણ અધિકાર રાખતો હોય ? આકાશો અને ધરતી અને બન્ને વચ્ચેનું દરેક સામ્રાજ્ય અલ્લાહ તઆલાનું જ છે, તે જે ઇચ્છે છે, સર્જન કરે છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

18

૧૮) યહૂદી અને નસ્રાની કહે છે કે અમે અલ્લાહના દીકરા અને તેના મિત્ર છે, તમે કહી દો કે પછી તમને તમારા અપરાધના કારણે અલ્લાહ કેમ સજા આપે છે ? નહીં, પરંતુ તમે પણ તેના સર્જન માંથી એક માનવી છો, તે જેને ઇચ્છે છે માફ કરે છે અને જેને ઇચ્છે છે યાતના આપે છે, ધરતી અને આકાશ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુ અલ્લાહ તઆલાની માલિકી હેઠળ જ છે અને તેની તરફ જ પાછા ફરવાનું છે.

19

૧૯) હે કિતાબવાળાઓ ! નિ:શંક અમારો પયગંબર તમારી પાસે પયગંબરોના અવતરણની એક મુદ્દત પછી આવી પહોંચ્યો છે, જે તમારા માટે સ્પષ્ટ વર્ણન કરી રહ્યો છે, જેથી તમારી એ વાત ન રહી જાય કે અમારી પાસે તો કોઇ ભલાઇ, બૂરાઈ સંભળાવનાર આવ્યો જ નથી, બસ ! હવે તો ખરેખર ખુશખબર સંભળાવનાર અને સચેત કરનાર આવી પહોંચ્યો અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

20

૨૦) અને યાદ કરો મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું હે મારી કોમના લોકો ! અલ્લાહ તઆલાના તે ઉપકારને યાદ કરો કે તેણે તમારા માંથી પયગંબરો બનાવ્યા અને તમને બાદશાહ બનાવી દીધા અને તમને તે આપ્યું જે સમગ્ર જગતમાં કોઇને આપવામાં આવ્યું નથી.

21

૨૧) હે મારી કોમના લોકો ! તે પવિત્ર ધરતીમાં દાખલ થઇ જાવ, જે અલ્લાહ તઆલાએ તમારા નામે લખી દીધી છે અને પોતાની પીઠ બતાવી અત્યાચાર ન કરો, કે પછી નુકસાન ઉઠાવનારા બની જાવ.

22

૨૨) તેઓએ જવાબ આપ્યો કે, હે મૂસા (અ.સ.) ત્યાં તો શક્તિશાળી, અતિરેક કરનાર લોકો છે અને જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળી નહીં જાય, અમે તો ક્યારેય ત્યાં નહીં જઇએ, હાં જો તેઓ ત્યાંથી નીકળી જશે પછી તો અમે (રાજી ખુશીથી) જતા રહીશું.

23

૨૩) બે વ્યક્તિઓએ, જે અલ્લાહથી ડરનારાઓ માંથી હતા, જેઓ પર અલ્લાહની કૃપા હતી, કહ્યું કે તમે તેઓ પાસે દરવાજા સુધી તો પહોંચી જાવ, દરવાજામાં પગ મૂકતા જ તમે વિજય પ્રાપ્ત કરી લેશો અને જો તમે ઈમાનવાળાઓ હોવ તો તમારે અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.

24

૨૪) કોમના લોકોએ જવાબ આપ્યો કે હે મૂસા (અ.સ.) ! જ્યાં સુધી તે લોકો ત્યાં છે ત્યાં સુધી અમે ક્યારેય ત્યાં નહીં જઇએ, એટલા માટે તમે અને તમારો પાલનહાર જઇ બન્ને લડાઇ કરો, અમે અહીંયા જ બેઠા છે.

25

૨૫) મૂસા (અ.સ.) કહેવા લાગ્યા મને તો મારા અને મારા ભાઇ સિવાય કોઇના પર અધિકાર નથી, બસ ! તમે અમારા અને ઇન્કાર કરનારાઓ વચ્ચે તફાવત કરી દો.

26

૨૬) કહ્યું કે હવે ધરતી તેઓ પર ચાલીસ વર્ષ સુધી હરામ કરવામાં આવી છે, આ લોકો પૃથ્વી પર આમ-તેમ ભટકતા રહેશે, એટલા માટે તમે તે વિદ્રોહીઓ વિશે નિરાશ ન થશો.

27

૨૭) આદમ (અ.સ.) ના બન્ને દીકરાઓની સાચી વાત પણ તેમને સંભળાવી દો, તે બન્નેએ એક કુરબાની આપી, તેમાંથી એકની કુરબાની કબૂલ થઇ ગઇ અને બીજાની કબૂલ ન થઇ, તો તે કહેવા લાગ્યો કે હું તો તને મારી નાખીશ, (જેની કબૂલ થઇ) તેણે કહ્યું કે અલ્લાહ તઆલા ડરવાવાળઓનું જ કાર્ય કબૂલ કરે છે.

28

૨૮) ભલેને તું મારા કતલ માટે અત્યાચાર કર પણ હું તારા કતલ માટે ક્યારેય હાથ લાંબો નહીં કરું, હું તો અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિના પાલનહારથી ડરું છું.

29

૨૯) હું તો ઇચ્છુ છું કે તું મારા પાપ અને પોતાના પાપોને પોતાના શિરે રાખી લે અને જહન્નમી બની જા, અત્યાચારીઓનો આ જ બદલો છે.

30

૩૦) બસ ! તેને તેની મનેચ્છાએ પોતાના ભાઇના કતલ માટે ઉભારી દીધો અને તેણે તેને કતલ કરી દીધો, જેથી નુકસાન ઉઠાવનારાઓ માંથી થઇ ગયો.

31

૩૧) પછી અલ્લાહ તઆલાએ એક કાગડાને મોકલ્યો, જે જમીન ખોદી રહ્યો હતો જેથી તેને બતાવે કે તે કેવી રીતે પોતાના ભાઇની લાશને છૂપાવી દે, તે કહેવા લાગ્યો કે અફસોસ ! શું હું આ કાગડા જેવો પણ ન થઇ શકયો કે પોતાના ભાઇની લાશ છુપાવવાનો ઉપાય શોધી કાઢતો ? પછી તો તે (ઘણો જ) પસ્તાયો.

32

૩૨) આ કારણે અમે ઇસ્રાઇલની સંતાન માટે આ લખી દીધું કે જે વ્યક્તિ કોઇને વગર કારણે કતલ કરે અથવા તો ધરતી પર અતિરેક કરનાર હોય તો જાણે કે તેણે સમગ્ર માનવજાતિની હત્યા કરી, અને જે વ્યક્તિ કોઇ એકના પ્રાણ બચાવી લે તો તેણે જાણે કે સમગ્ર માનવજાતિને જીવન પ્રદાન કર્યું, અને તેઓની પાસે અમારા ઘણા જ પયગંબરો જાહેર પુરાવા લઇને આવ્યા, પરંતુ ત્યાર પછી પણ તેઓ માંથી વધારે પડતા લોકો ધરતી પર અત્યાચાર અને અતિરેક કરનારાઓ જ રહ્યા.

33

૩૩) જે અલ્લાહ તઆલા અને તેના પયગંબર સાથે લડાઇ કરશે અને ધરતી પર અતિરેક કરતા ફરે, તેઓની યાતના એ જ છે કે તેમને કતલ કરી નાખવામાં આવે અથવા ફાંસીએ લટકાવી દેવામાં આવે, અથવા વિરુદ્ધ દિશાથી તેઓના હાથ-પગ કાપી નાંખવામાં આવે, અથવા તો તેમને ધરતી પરથી કાઢી દેવામાં આવે, આ તો તેઓ માટે દુનિયાના જીવનનું અપમાન અને આખેરતમાં તેઓ માટે સખત યાતના છે.

34

૩૪) હાં જે લોકો આ પહેલા તૌબા કરી લે તમે તેઓ પર નિયંત્રણ પામી લો તો જાણી લો કે અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર અને દયા કરનાર છે.

35

૩૫) મુસલમાનો, અલ્લાહ તઆલાથી ડરતા રહો અને તેની નિકટતા શોધો અને તેના માર્ગમાં જેહાદ કરો, જેથી તમે સફળ થાવ.

36

૩૬) નિ:શંક ઇન્કાર કરનારાઓ માટે, જો તેઓ ધરતીમાં જે કંઈ છે તે બધું જ, પરંતુ તેની જેમ જ વધારે અને તે આ બધું કયામતની યાતનાના બદલામાં મુક્તિદંડ આપવા માંગે તો પણ શક્ય નથી કે તેઓનો મુક્તિદંડ કબૂલ કરવામાં આવે, તેઓ માટે તો દુ:ખદાયી યાતના જ છે.

37

૩૭) આ લોકો ઇચ્છશે કે જહન્નમ માંથી નીકળી જાય, પરંતુ તેઓ ક્યારેય તેમાંથી નહીં નીકળી શકે, તેઓ માટે હંમેશાની યાતના છે.

38

૩૮) ચોરી કરવાવાળા પુરુષ અને સ્ત્રીના હાથ કાપી નાખો, આ બદલો છે તેનો જે તેમણે કર્યુ, સજા અલ્લાહ તરફથી છે અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે.

39

૩૯) જે વ્યક્તિ પોતાના ગુના પછી તૌબા કરી લે અને સુધારો કરી લે, તો અલ્લાહ તઆલા દયા સાથે તેની તરફ ફરે છે, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે.

40

૪૦) શું તમને ખબર નથી કે અલ્લાહ તઆલા માટે જ ધરતી અને આકાશનું સામ્રાજ્ય છે, જેને ઇચ્છે સજા આપે અને જેને ઇચ્છે તેને માફ કરી દે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

41

૪૧) હે પયગંબર ! તમે તે લોકોની પાછળ શોકમગ્ન ન બનો, જે ઇન્કાર કરવામાં આગળ વધી ગયા છે, ભલેને તેઓ તે (ઢોંગીઓ) માંથી હોય, જે જબાનથી ઈમાનનો દાવો કરે છે, પરંતુ ખરેખર તેઓના હૃદય ઈમાનવાળા નથી અને યહૂદીઓ માંથી કેટલાક લોકો એવા છે જે જુઠી વાતોને સાંભળવા ટેવાયેલા છે અને તે લોકોના જાસુસ છે જે હજુ સુધી તમારી પાસે નથી આવ્યા, તેઓ કલેમા (અલ્લાહની વાણી) ના નક્કી કરેલ અર્થને છોડી તેના અર્થને બદલી નાખે છે, કહે છે કે જો તમને આ જ આદેશ આપવામાં આવે તો કબૂલ કરી લેવું અને જો આ પ્રમાણે આદેશ ન આપે તો અળગા રહેજો અને જેનું ખરાબ અલ્લાહ તઆલા ઇચ્છતો હોય તમે તેમના માટે અલ્લાહની ઇચ્છા માંથી કોઇ વસ્તુનો અધિકાર રાખતા નથી, અલ્લાહ તઆલાની ઇચ્છા તેઓના હૃદયોને પવિત્ર કરવાની નથી, તેઓ માટે દુનિયામાં પણ મોટું અપમાન છે અને આખેરતમાં પણ તેઓ માટે ઘણી જ સખત યાતના છે.

42

૪૨) આ લોકો કાન લગાવી જુઠ સાંભળનાર અને પેટભરીને હરામ ખાવાવાળા છે, જો આ લોકો તમારી પાસે આવે તો તમને અધિકાર છે, ઇચ્છો તો તેઓ માટે ન્યાય કરો, નહીં તો તેઓને ટાળી દો, જો તેઓથી મોઢું ફેરવી લેશો તો પણ આ લોકો તમને ક્યારેય કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા અને જો તમે ન્યાય કરો તો તેઓ માં ન્યાય સાથે ફેંસલો કરો, નિ:શંક ન્યાય કરનારા સાથે અલ્લાહ મુહબ્બત રાખે છે.

43

૪૩) (આશ્ચર્યની વાત છે કે) તેઓ પાસે તૌરાત હોવા છતાં, જેમાં અલ્લાહના આદેશો છે, કેવી રીતે તમને ન્યાય કરનારા બનાવે છે, ત્યાર પછી પણ ફરી જાય છે, ખરેખર આ લોકો ઈમાનવાળા નથી.

44

૪૪) અમે તૌરાત અવતરિત કરી છે જેમાં સત્ય માર્ગદર્શન અને પ્રકાશ છે, યહૂદીઓમાં આ જ તૌરાત વડે અલ્લાહ તઆલાને માનવાવાળા પયગંબરો અને અલ્લાહવાળા લોકો અને જ્ઞાનીઓ ફેંસલો કરતા હતા, કારણ કે તેઓને અલ્લાહની તે કિતાબની સુરક્ષાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તે લોકો તેના માટે વચન આપી ચૂકયા હતા, હવે તમારા પર જરૂરી છે કે લોકોથી ન ડરો અને ફકત મારાથી જ ડરો, મારી આયતોને નજીવી કિંમતે ન વેચો, જે લોકો અલ્લાહએ અવતરિત કરેલી વહી દ્વારા ફેંસલો ન કરે તે ઇન્કાર કરનારાઓ છે.

45

૪૫) અને અમે યહૂદીઓના શિરે તૌરાતમાં આ વાત નક્કી કરી દીધી હતી કે પ્રાણના બદલામાં પ્રાણ અને આંખના બદલામાં આંખ અને નાકના બદલામાં નાક અને કાનના બદલામાં કાન અને દાંતના બદલામાં દાંત અને ખાસ ઇજાઓનો બદલો પણ છે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો, તે તેના માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) છે. અને જે લોકો અલ્લાહએ અવતરિત કરેલ મુજબ આદેશ ન કરે તે જ લોકો અત્યાચારી છે.

46

૪૬) અને અમે તેમની પાછળ મરયમના પુત્ર ઈસા (અ.સ.) ને મોકલ્યા, જે પોતાના પહેલાની કિતાબ એટલે કે તૌરાતની પુષ્ટિ કરનારા હતા અને અમે તેમને ઈંજીલ આપી, જેમાં પ્રકાશ અને સત્ય માર્ગદર્શન હતું અને તે (ઈંજીલ) પોતાના પહેલાની કિતાબ તૌરાતની પુષ્ટિ કરતી હતી અને તે સ્પષ્ટ શિખામણ અને સત્ય માર્ગદર્શન હતું, ડરવાવાળાઓ માટે.

47

૪૭) અને ઈંજીલ વાળાઓ માટે પણ જરૂરી છે કે અલ્લાહ તઆલાએ જે કંઈ ઈંજીલમાં અવતરિત કર્યુ છે, તે જ પ્રમાણે આદેશ આપે અને જે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ પ્રમાણે આદેશ ન કરે, તે વિદ્રોહી છે.

48

૪૮) અને અમે તમારી તરફ સત્ય સાથે આ કિતાબ (કુરઆન) નું અવતરણ કર્યુ છે, જે પોતાના કરતા પહેલાની કિતાબોની પુષ્ટિ કરવાવાળી છે અને તે (કિતાબો)ની સુરક્ષા કરનારી છે, એટલા માટે તમે તેઓની અંદર અંદરની બાબતોમાં તે અલ્લાહએ જ અવતરિત કરેલ કિતાબ મુજબ આદેશ આપો, આ સત્યથી હટીને તેઓની મનેચ્છાઓની પાછળ ન જાઓ, તમારા માંથી પ્રત્યેક માટે એક કાનૂન અને રસ્તો નક્કી કરી દીધો છે, જો અલ્લાહની ઇચ્છા હોત તો તમને બધાને એક જ જૂથ બનાવી દેત, પરંતુ તેની ઇચ્છા છે કે જે તમને આપ્યું છે તેમાં તમારી કસોટી કરે. તમે સદકાર્યો તરફ ઉતાવળ કરો, તમારે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે, પછી તે (અલ્લાહ) તમને તે દરેક વસ્તુની જાણ આપશે જેમાં તમે મતભેદ કરતા હતા.

49

૪૯) તમે તેઓની બાબતોમાં અલ્લાહની અવતરિત કરેલ વહી પ્રમાણે જ આદેશ આપતા રહેજો, તેઓની મનેચ્છાઓનું અનુસરણ ન કરશો, અને તેઓથી ખબરદાર રહો કે તેઓ તમને અલ્લાહએ અવતરિત કરેલ કોઇ આદેશથી અળગા ન કરી દે, જો આ લોકો મોઢું ફેરવી લે તો, ખરેખર અલ્લાહની ઇચ્છા એ છે કે તેઓને તેઓના કેટલાક પાપોની સજા આપી દે, વધુ લોકો અવજ્ઞાકારી જ હોય છે.

50

૫૦) શું આ લોકો ફરીવાર અજ્ઞાનતાનો નિર્ણય ઇચ્છે છે ? માનનારા લોકો માટે અલ્લાહ તઆલા સિવાય ઉત્તમ નિર્ણય અને આદેશ આપનાર કોણ હોઇ શકે છે ?

51

૫૧) હે ઈમાનવાળાઓ ! તમે યહૂદી અને નસ્રાનીઓને મિત્ર ન બનાવો, આ તો એક-બીજાના જ મિત્રો છે, તમારા માંથી જે વ્યક્તિ પણ તેઓ માંથી કોઇની સાથે મિત્રતા રાખશે, તે નિ:શંક તેઓ માંથી છે, અત્યાચારીઓને અલ્લાહ તઆલા ક્યારેય સત્ય માર્ગદર્શન નથી આપતો.

52

૫૨) તમે જોશો કે જેઓના હૃદયોમાં બિમારી છે તે દોડી દોડીને તેઓમાં ઘુસી રહ્યા છે અને કહે છે કે અમને ભય છે, એવું ન થાય કે કોઇ આફત અમારા પર આવી જાય, ઘણું જ શક્ય છે કે અલ્લાહ તઆલા વિજય અપાવે, અથવા તો પોતાની પાસેથી કોઇ બીજી વસ્તુ લાવે, પછી તો આ લોકો પોતાના હૃદયોમાં છૂપી વાતો પર શરમાવા લાગશે.

53

૫૩) અને ઈમાનવાળાઓ કહેશે શું આ જ લોકો છે જે અલ્લાહ તઆલાની વધુમાં વધુ સોગંદો લઇને કહે છે કે અમે તમારી સાથે છે તેઓના કાર્યો વ્યર્થ થઇ ગયા અને આ લોકો નિષ્ફળ થઇ ગયા.

54

૫૪) હે ઈમાનવાળાઓ ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના દીનથી ફરી જાય, તો અલ્લાહ તઆલા નજીક માંજ એવી કોમ લાવશે, જેમને અલ્લાહ પસંદ કરતો હશે અને તેઓ પણ અલ્લાહને પસંદ કરતા હશે, તે નમ્રતા દાખવનારા હશે મુસલમાનો પર, અને સખત હશે ઇન્કાર કરનારાઓ માટે, અલ્લાહના માર્ગમાં જેહાદ કરશે અને કોઇ નિંદા કરનાર ની નિંદાની પરવાહ પણ નહીં કરે, આ છે અલ્લાહ તઆલાની કૃપા, જેને ઇચ્છે આપે, અલ્લાહ તઆલા આવરી લેનાર, જબરદસ્ત જ્ઞાનવાળો છે.

55

૫૫) (મુસલમાનો) તમારો મિત્ર અલ્લાહ પોતે છે અને તેના પયગંબર છે અને ઈમાનવાળાઓ છે, જે નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ રૂકુઅ કરનારાઓ છે.

56

૫૬) અને જે વ્યક્તિ અલ્લાહ તઆલા અને તેના પયગંબર અને મુસલમાનો સાથે મિત્રતા કરશે, તે લોકો ભરોસો રાખે કે અલ્લાહ તઆલાનું જૂથ જ વિજયી રહેશે.

57

૫૭) મુસલમાનો ! તે લોકો સાથે મિત્રતા ન કરો જે તમારા દીનને ઠઠ્ઠામશ્કરી બનાવી બેઠા છે, (ભલે) ને તેઓ તે લોકો માંથી કેમ ન હોય જેઓને તમારા પહેલા કિતાબ આપવામાં આવી, અથવા તો ઇન્કાર કરનારા હોય, જો તમે ઈમાનવાળા હોવ તો અલ્લાહ તઆલાથી ડરતા રહો.

58

૫૮) અને જ્યારે તમે નમાઝ માટે પોકારો છો તેઓ તેને ઠઠ્ઠામશ્કરી બનાવી લે છે, આવું અણસમજુ હોવાના કારણે.

59

૫૯) તમે કહી દો હે કિતાબવાળાઓ ! તમે અમારી સાથે ફકત એટલા માટે જ શત્રુતા રાખો છો કે અમે અલ્લાહ તઆલા પર અને જે કંઈ પણ અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને જે કંઈ પણ આ પહેલા અવતરિત કરવામાં આવ્યું છે, તેના પર ઈમાન લાવ્યા છે અને એટલા માટે પણ કે તમારા માંથી ઘણા લોકો વિદ્રોહી છે.

60

૬૦) કહી દો કે શું હું તમને જણાવું કે તેના કરતા પણ વધારે ખરાબ ફળ પામનાર અલ્લાહ તઆલાની નજીક કોણ છે ? તેઓ, જેમના પર અલ્લાહ તઆલાએ લઅનત (ફિટકાર) કરી અને જેમના પર તે ગુસ્સે થયો અને તેઓ માંથી કેટલાકને વાંદરા અને ડુક્કર બનાવી દીધા અને જે લોકોએ ખોટા પૂજ્યોને પૂજ્યા, આ જ લોકો ખરાબ દરજ્જાવાળા છે અને આ જ લોકો સત્યમાર્ગથી ઘણા જ પથભ્રષ્ટ થઇ ગયા છે.

61

૬૧) અને જ્યારે તમારી પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, જો કે તેઓ ઇન્કાર કરતા જ આવ્યા હતા અને તે જ ઇન્કાર સાથે પાછા ફર્યા અને આ લોકો જે કંઈ છૂપાવી રહ્યા છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે.

62

૬૨) તમે જોશો કે તેઓ માંથી વધુ પડતા લોકો પાપ, અત્યાચાર અને હરામ માલ ખાવાની તરફ લપકી રહ્યા છે, જે કંઈ પણ આ લોકો કરી રહ્યા છે તે અત્યંત ખોટા કાર્યો છે.

63

૬૩) તેઓને તેમના સદાચારી લોકો તથા જ્ઞાની લોકો જુઠ્ઠી વાતો કહેવાથી અને હરામ વસ્તુઓ ખાવાથી કેમ નથી રોકતા ? નિ:શંક ખરાબ કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે.

64

૬૪) અને યહૂદીઓએ કહ્યું કે અલ્લાહ તઆલાના હાથ બંધાયેલા છે, તેઓના જ હાથ બંધાયેલા છે અને તેઓની આ વાતના કારણે તેઓ પર લઅનત કરવામાં આવી, પરંતુ અલ્લાહ તઆલાના બન્ને હાથ ખુલ્લા છે જેવી રીતે ઇચ્છે છે ખર્ચ કરે છે અને જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવે છે, તે (વાણી) તેઓ માંથી વધારે પડતા લોકોને ઇન્કાર અને વિદ્રોહી બનવામાં વધારો કરે છે અને અમે તેઓની અંદરોઅંદર જ કયામત સુધી શત્રુતા અને કપટ નાંખી દીધો, તે જ્યારે પણ યુધ્ધ કરવા માટે આગ ભડકાવવા લાગે છે તો અલ્લાહ તઆલા તેને હોલવી નાંખે છે, આ લોકો શહેરમાં અતિરેક અને બૂરાઈ ફેલાવતા રહે છે અને અલ્લાહ તઆલા અતિરેક કરનારને પસંદ નથી કરતો.

65

૬૫) અને જો આ કિતાબવાળાઓ ઈમાન લઇ આવે, અને ડરવા લાગે તો અમે તેઓના દરેક ગુનાને માફ કરી દઇશું અને અમે ચોક્કસપણે તેઓને રાહત અને આરામવાળી જન્નતોમાં પ્રવેશ આપીશું..

66

૬૬) અને જો આ લોકો તૌરાત અને ઈંજીલ અને તેઓની તરફ જે કંઈ પણ અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તેઓનું અનુસરણ કરતા તો આ લોકો પોતાના ઉપર નીચેથી રોજી પામતા અને ખાતા, એક જૂથ તો તેઓ માંથી (દીન બાબતે) સાવચેતી રાખનારાઓનું છે, બીજા તેઓ માંથી વધારે પડતા લોકોના ખરાબ કૃત્યો છે.

67

૬૭) હે પયગંબર ! જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તે પહોંચાડી દો, જો તમે આવું ન કર્યુ તો તમે અલ્લાહની પયગંબરી પૂર્ણ ન કરી, અને તમને અલ્લાહ તઆલા લોકોથી બચાવી લેશે, નિ:શંક અલ્લાહ તઆલા ઇન્કાર કરનારાઓને સત્યમાર્ગ નથી બતાવતો.

68

૬૮) તમે કહી દો કે હે કિતાબવાળાઓ ! તમે ખરેખર કોઇ વસ્તુ પર નથી જ્યાં સુધી કે તૌરાત અને ઈંજીલને અને જે કંઈ તમારી તરફ તમારા પાલનહારે અવતરિત કર્યુ છે, તેનું અનુસરણ ન કરો, જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તે તેઓ માંથી વધારે પડતા લોકોના અત્યાચાર અને ઇન્કારમાં વધારો કરી દેશે, તો તમે તે ઇન્કાર કરનારાઓ માટે નિરાશ ન થશો.

69

૬૯) મુસલમાન, યહૂદી, તારાઓના પૂજારી અને ઈસાઈ, કોઇ પણ હોય જે કોઇ અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેને કોઇ પણ જાતનો ભય નહીં હોય અને તદ્દન ખુશ થઇ જશે.

70

૭૦) અમે ખરેખર ઇસ્રાઇલના સંતાનો પાસેથી વચન લીધું અને તેઓ તરફ પયગંબરોને અવતરિત કર્યા, જ્યારે પણ પયગંબર તેઓની પાસે તે આદેશો લઇને આવ્યા, જે તેઓની મનેચ્છાઓની વિરોધમાં હતા, તો તેઓએ તેઓના એક જૂથને ઝુઠલાવ્યા અને એક જૂથને કતલ કરી નાખ્યા. .

71

૭૧) અને સમજી બેઠા કે કંઈ જ પકડ નહીં થાય, બસ ! આંધળા, બહેરા બની ગયા, પછી અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબૂલ કરી, ત્યાર પછી પણ તેઓ માંથી વધુ પડતા લોકો આંધળા, બહેરા થઇ ગયા, અલ્લાહ તઆલા તેઓના કાર્યોને ખૂબ સારી રીતે જોવાવાળો છે.

72

૭૨) નિ:શંક તે લોકો ઇન્કાર કરનારા બની ગયા જેઓનું કહેવું છે કે મરયમના પુત્ર મસીહ જ અલ્લાહ છે, જો કે પોતે મસીહે તેઓને કહ્યું હતું કે હે ઇસ્રાઇલના સંતાનો ! અલ્લાહની જ બંદગી કરો, જે મારો અને તમારા સૌનો પાલનહાર છે, નિ:શંક જે વ્યક્તિ અલ્લાહનો ભાગીદાર ઠેરવે છે, અલ્લાહ તઆલાએ તેના પર જન્નત હરામ કરી દીધી છે, તેઓનું ઠેકાણું જહન્નમ જ છે અને પાપીઓની મદદ કરનાર કોઇ નહીં હોય.

73

૭૩) તે લોકો પણ સંપૂર્ણ ઇન્કાર કરનારા થઇ ગયા, જે લોકોએ કહ્યું અલ્લાહ ત્રણ માંથી ત્રીજો છે, ખરેખર અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, જો આ લોકો પોતાની આવી વાતોથી અળગા ન રહ્યા તો તેઓ માંથી જે ઇન્કાર કરનાર રહેશે તેઓને સખત યાતના જરૂર પહોંચશે.

74

૭૪) આ લોકો કેમ અલ્લાહ તઆલા તરફ નથી ઝૂકતા અને કેમ માફી નથી માંગતા ? અલ્લાહ તઆલા તો ઘણો જ માફ કરનાર છે અને ઘણો જ દયાળુ છે.

75

૭૫) મરયમના પુત્ર મસીહ પયગંબર સિવાય કંઈ જ નથી, આ પહેલા પણ ઘણા પયગંબરો આવી ગયા, તેમની માતા એક સાચી સ્ત્રી હતી, બન્ને મા-દીકરા ખાવાનું ખાતા હતા, તમે જોશો કે કેવી રીતે અમે તેમની સમક્ષ પુરાવા મૂકીએ છીએ, પછી ધ્યાન ધરો કે કેવી રીતે તેઓ ફરી રહ્યા છે ?

76

૭૬) તમે કહી દો કે શું તમે અલ્લાહ સિવાય તેમની બંદગી કરો છો જે ન તો તમારા કંઈ નુકસાન ના માલિક છે અને ન તો કોઇ ફાયદાના, અલ્લાહ જ ખૂબ સાંભળનાર અને પૂરી રીતે જાણનાર છે.

77

૭૭) કહી દો કે હે કિતાબવાળાઓ ! પોતાના દીનમાં ખોટી રીતે અતિરેક ન કરો અને તે લોકોની મનેચ્છાઓનું અનુસરણ ન કરો જે પહેલાથી ભટકી ગયેલા છે અને ઘણા લોકોને ભટકાવી પણ ચૂકયાં છે અને સત્યમાર્ગથી હટી ગયા છે.

78

૭૮) ઇસ્રાઇલના સંતાનો માંથી ઇન્કાર કરનારાઓ પર દાઉદ (અ.સ.) અને મરયમ ના પુત્ર ઈસા (અ.સ.)ની જબાન વડે લઅનત કરવામાં આવી, તેઓની અવજ્ઞા અને હદ વટાવી જવાના કારણે.

79

૭૯) અંદર અંદર એક-બીજાને ખરાબ કાર્યોથી, જે તેઓ કરતા હતા, રોકતા ન હતા, જે કંઈ પણ આ લોકો કરતા હતા, નિ:શંક તે ઘણું જ ખરાબ કૃત્ય હતું.

80

૮૦) તેઓ માંથી ઘણા પડતા લોકોને તમે જોશો કે તે ઇન્કાર કરનારાઓ સાથે મિત્રતા રાખે છે, જે કંઈ તેઓએ તેમના માટે આગળ મોકલી રાખ્યું છે તે ઘણું જ ખરાબ છે કે અલ્લાહ તઆલા તેઓથી નારાજ થયો અને તેઓ હંમેશા યાતના માંજ રહેશે.

81

૮૧) જો તેઓ અલ્લાહ તઆલા પર અને પયગંબર પર અને જે અવતરિત કરવામાં આવ્યું છે તેના પર ઈમાન ધરાવતા તો, આ લોકો ઇન્કાર કરનારાઓ સાથે મિત્રતા ન રાખતા, પરંતુ તેઓ માંથી ઘણા લોકો વિદ્રોહી છે.

82

૮૨) નિ:શંક તમે ઈમાનવાળાઓના સૌથી મોટા દુશ્મનો યહૂદી અને મુશરિકોને જોશો અને ઈમાનવાળાઓ માટે સૌથી વધારે દોસ્તીની નજીક તમે નિ:શંક તેઓને જોશો, જેઓ પોતાને ઈસાઈ કહે છે, આ એટલા માટે કે તેઓમાં જ્ઞાનીઓ અને બંદગી કરનારા ખાસ લોકો છે અને એટલા માટે પણ કે તેઓ ઘમંડ નથી કરતા.

83

૮૩) અને જ્યારે તે પયગંબર તરફ અવતરિત કરવામાં આવેલ (વાણી) ને સાંભળે છે તો તમે તેઓની આંખોને આંસુથી ભરેલી જૂઓ છો, એટલા માટે કે તેઓએ સત્યને પારખી લીધું, તેઓ કહે છે કે હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવ્યા, બસ ! તું અમને પણ તે લોકોની સાથે કરી દે જેઓ ઈમાનવાળા છે.

84

૮૪) અને અમારી પાસે એવું કયું કારણ છે કે અમે અલ્લાહ પર અને જે સત્ય અમારા સુધી પહોંચ્યું છે, તેના પર ઈમાન ન લાવીએ ? અને અમે તે વાતની આશા રાખીએ છીએ કે અમારો પાલનહાર અમને સદાચારી લોકોના મિત્ર બનાવી દેશે.

85

૮૫) તેઓને અલ્લાહ તઆલા આ વાતના કારણે એવા બગીચાઓ આપશે, જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે અને સદાચારી લોકોનું આ જ વળતર છે.

86

૮૬) અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારી આયતોને જુઠલાવતા રહ્યા, તે લોકો જહન્નમી છે.

87

૮૭) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાએ જે પવિત્ર વસ્તુઓ તમારા માટે હલાલ કરી છે તેને હરામ ન કરો અને હદવટાવી ન નાખો, નિ:શંક અલ્લાહ તઆલા હદવટાવી જનારાઓને પસંદ નથી કરતો.

88

૮૮) અને અલ્લાહ તઆલાએ જે વસ્તુઓ તમને આપી છે, તેમાંથી હલાલ અને પવિત્ર વસ્તુઓ ખાઓ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેના પર તમે ઈમાન ધરાવો છો.

89

૮૯) અલ્લાહ તઆલા તમારી નકામી સોંગદો પર તમારી પકડ નથી કરતો, પરંતુ પકડ તે સોંગદો પર કરે છે કે જે સોગંદોને તમે મજબૂત કરી દો, તેનો કફ્ફારો દસ લાચારોને મધ્યમ ખવડાવવું છે, જે પોતાના ઘરવાળાઓને ખવડાવતા હોય, અથવા તો તેમને કપડા આપવા, અથવા એક દાસ (ગુલામ) તથા બાંદીને મુક્ત કરાવવું છે અને જે તાકાત ન ધરાવતો હોય, તેના પર ત્રણ દિવસના રોઝા છે, આ તમારી સોગંદોનો કફ્ફારો છે, જ્યારે કે તમે સોગંદ ખાઇ લો અને પોતાની સોગંદોનું ધ્યાન રાખો, આવી જ રીતે અલ્લાહ તઆલા તમારા માટે પોતાના આદેશોનું વર્ણન કરે છે, જેથી તમે આભાર વ્યક્ત કરો.

90

૯૦) હે ઈમાનવાળાઓ ! વાત એ જ છે કે શરાબ, જુગાર, સ્થળ અને શગુન કાઢવા માટે પાસાના તીર, આ બધું જ ખરાબ વાતો અને શેતાની કૃત્ય છે, તેનાથી તદ્દન અળગા રહો, જેથી તમે સફળ બનો.

91

૯૧) શેતાન તો એવું ઇચ્છે છે કે શરાબ અને જુગાર વડે તમારી વચ્ચે શત્રુતા અને કપટ ભરી દે અને અલ્લાહ તઆલાના સ્મરણ અને નમાઝથી તમને વંચિત રાખે, તો હજુ પણ (આ કુત્યોને) છોડી દો.

92

૯૨) અને તમે અલ્લાહ તઆલાના (આદેશોનું) અનુસરણ કરતા રહો, અને પયગંબરનું પણ, અને ધ્યાન રાખો જો અતિરેક કરશો તો અમારા પયગંબરની જવાબદારી ફકત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું છે.

93

૯૩) આવા લોકો પર, જેઓ ઈમાન ધરાવતા હોય અને સત્કાર્ય કરતા હોય, તે વસ્તુમાં કંઈ પાપ નથી, જેને તેઓ ખાતા પીતા હોય જ્યારે કે તેઓ ડરતા હોય અને ઈમાન ધરાવતા હોય અને સત્કાર્ય કરતા હોય, પછી ડરતા પણ હોય અને ભરપૂર સત્કાર્ય કરતા હોય, અલ્લાહ આવા સદાચારી લોકોને પસંદ કરે છે.

94

૯૪) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલા શિકાર વડે તમારી કસોટી કરશે, જેના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી શકશે, જેથી અલ્લાહ તઆલા જાણી લે કે કોણ તેનાથી વણદેખે ડરે છે, તો જે વ્યક્તિ તે પછી હદ હટાવી દેશે, તેના માટે દુ:ખદાયી યાતના છે.

95

૫) હે ઈમાનવાળાઓ ! (જંગલી) શિકારને કતલ ન કરો, જ્યારે કે તમે અહેરામની સ્થિતિમાં હોવ (હજ્જ અથવા ઉમરહ માટે) અને જે વ્યક્તિ તમારા માંથી તેને જાણી જોઇને કતલ કરશે તો તેના પર ફિદયહ જરૂરી છે, જે કતલ કરેલ જાનવર બરાબર હોવું જોઇએ, જેનો નિર્ણય તમારા માંથી બે ભરોસાપાત્ર વ્યક્તિ કરી દે, ભલેને તે ફિદયો ખાસ પ્રકારના ઢોર હોય, જે કુરબાની માટે કઅબા શરીફમાં લઇ જવાતા હોય, અને ભલેને કફ્ફારો લાચારોને આપી દેવામાં આવે અને ભલેને તેના બરાબર રોઝા રાખી લેવામાં આવે, જેથી પોતે કરેલ કાર્યનો સ્વાદ ચાખે, અલ્લાહ તઆલાએ પાછલા પાપને માફ કરી દીધા અને જે વ્યક્તિ ફરી આવું જ કરશે, તો અલ્લાહ બદલો લેશે, અને અલ્લાહ બદલો લેવામાં જબરદસ્ત છે.

96

૯૬) તમારા માટે દરિયાઈ શિકાર અને તેનું ખાવું હલાલ છે, તમારા ફાયદા માટે અને મુસાફરો માટે, અને ધરતીનો શિકાર તમારા માટે હરામ કરવામાં આવ્યો છે જ્યાં સુધી તમે એહરામની સ્થિતિમાં હોય, અને અલ્લાહ તઆલાથી ડરો, જેની પાસે ભેગા કરવામાં આવશો.

97

૯૭) અલ્લાહ તઆલાએ કાબાને, જે પવિત્ર સ્થળ છે, લોકોને અડગ રહેવા માટેનું કારણ બનાવી દીધું, અને ઇજજતવાળા મહિનાને પણ અને હરમમાં કુરબાન થનાર જાનવરને પણ અને તે જાનવરોને પણ જેમના ગળામાં પટ્ટા હોય, આ એટલા માટે કે જેથી તમે તે વાતને માની લો કે નિ:શંક અલ્લાહ તઆલા આકાશો અને ધરતીની દરેક વસ્તુને જાણે છે. અને નિ:શંક અલ્લાહ તઆલા બધી જ વસ્તુઓને ખૂબ સારી રીતે જાણે છે.

98

૯૮) તમે જાણી લો કે અલ્લાહ તઆલા યાતના પણ સખત આપનાર છે અને અલ્લાહ તઆલા મોટો માફ કરનાર અને ઘણો જ દયાળુ પણ છે.

99

૯૯) પયગંબરના જવાબદારી તો ફકત પહોંચાડી દેવાની છે અને અલ્લાહ તઆલા બધું જ જાણે છે, જે કંઈ પણ તમે જાહેર કરો છો અને જે કંઈ પણ તમે છુપાવો છો.

100

૧૦૦) તમે કહી દો કે અપવિત્ર અને પવિત્ર સરખું નથી, ભલેને તમને અપવિત્ર સારું લાગતું હોય, અલ્લાહ તઆલાથી ડરતા રહો, હે બુદ્ધિશાળી લોકો ! જેથી તમે સફળ બનો.

101

૧૦૧) હે ઈમાનવાળાઓ ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને જણાવી દેવામાં આવે તો તમને પસંદ ન આવે અને જો તમે કુરઆનના અવતરણના સમયે તે વાતો વિશે સવાલ કરશો તો તમારા પર જાહેર કરી દેવામાં આવશે, પાછલા સવાલોને અલ્લાહ તઆલાએ માફ કરી દીધા અને અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને ધૈર્યવાન છે.

102

૧૦૨) આવી વાતો તમારાથી પહેલા બીજા લોકોએ પણ પૂછી હતી, પછી તે વાતોના ઇન્કાર કરનારા બની ગયા.

103

૧૦૩) અલ્લાહ તઆલાએ ન બહીરહને , ન સાઇબહને, ન વસીલહને, અને ન હામને હલાલ કર્યા છે, (આ તે જાનવરોના નામ છે જેને મક્કાના મુશરિક લોકો અલ્લાહ સિવાય બીજા પૂજ્યોના નામ લઇ કુરબાન કરતા હતા). પરંતુ જે લોકો ઇન્કાર કરનારા છે તે અલ્લાહ તઆલા પર જુઠ્ઠાણું બાંધે છે અને કેટલાય ઇન્કાર કરનારાઓ બુદ્ધિશાળી નથી.

104

૧૦૪) અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ જે આદેશો અવતરિત કર્યા છે તેને અને પયગંબરની વાતને માનો, તો કહે છે કે અમારા માટે તે જ પૂરતુ છે જેના પર અમે અમારા પૂર્વજોને જોયા, તેઓના પૂર્વજો બુદ્ધિશાળી ન હતા અને સત્યમાર્ગનું અનુસરણ ન કરતા હતા.

105

૧૦૫) હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર ચાલી રહ્યા હોય તો, જે વ્યક્તિ પથભ્રષ્ટ છે, તેનાથી તમને કંઈ નુકસાન નથી, અલ્લાહ તરફ જ તમારે સૌએ પાછા ફરવાનું છે, તે તમને સૌને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા.

106

૧૦૬) હે ઈમાનવાળાઓ ! તમારી વચ્ચે બે વ્યક્તિની સાક્ષી હોવી યોગ્ય છે, જ્યારે કે તમારા માંથી કોઇનું મૃત્યુ આવી પહોંચે અને વસિયત કરવાનો સમય હોય, તે બે વ્યક્તિ સદાચારી હોય, ભલેને તમારા માંથી હોય અથવા બીજા માંથી, જો તમે કયાંક મુસાફરીમાં હોવ અને તમને મૃત્યુ આવી પહોંચે, જો તમને શંકા હોય તો તે બન્નેને નમાઝ પછી રોકી લો, પછી બન્ને અલ્લાહના સોગંદ ખાય કે અમે આ સોગંદના બદલામાં કોઇ ફાયદો લેવા નથી ઇચ્છતા, ભલેને કોઇ સંબંધી પણ હોય અને અલ્લાહની વાતનો અમે ભંગ નહીં કરીએ, અને અમે તેવી પરિસ્થિતિમાં ખૂબ જ પાપી બની જઇશું.

107

૧૦૭) પછી જો તેની ખબર પડે કે તે બન્ને સાક્ષી કોઇ પાપ કરી બેઠા છે, તો તે લોકો માંથી જેની સામે પાપ થયો હતો અને બે વ્યક્તિ તે બધા માંથી સૌથી નજીક હતા, જ્યાં તે બન્ને ઊભા હતા, આ બન્ને ઊભા થાય અને અલ્લાહના સોગંદ ખાય કે ખરેખર અમારી આ સોગંદ તે બન્નેની તે સોગંદ કરતા સત્ય છે, અને અમે સહેજ પણ અતિરેક નથી કર્યો, અમે તે પરિસ્થિતિમાં સખત અત્યાચારી બની જઇશું.

108

૧૦૮) આવું કરવું વધારે સારું છે કે તે લોકો તે આદેશને સત્ય રીતે જાહેર કરી દે, અથવા તે વાતથી ડરી જાય કે તેઓ પાસેથી સોગંદ લીધા પછી તેઓ સોગંદોનો ભંગ કરશે, અને અલ્લાહ તઆલાથી ડરો અને સાંભળો અલ્લાહ તઆલા વિદ્રોહીઓને સત્યમાર્ગ દર્શન નથી આપતો.

109

૧૦૯) જે દિવસે અલ્લાહ તઆલા પયગંબરોને ભેગા કરશે, પછી કહેશે કે તમને શું જવાબ મળ્યો હતો, તેઓ કહેશે કે અમને કંઈ જ ખબર નથી, તું જ ખરેખર છૂપી વાતોને પૂરી રીતે જાણનાર છે.

110

૧૧૦) જ્યારે કે અલ્લાહ તઆલા કહેશે કે હે મરયમના દિકરા ઈસા ! મારુ ઇનામ યાદ કરો, જે તમારા પર અને તમારી માતા પર થયું છે, જ્યારે મેં તમને રૂહુલ્ કુદૂસ (જિબ્રઇલ અ.સ.) દ્વાર ટેકો કર્યો, તમે માતાના ખોળામાં પણ લોકો સાથે વાતો કરતા હતા અને મોટી વયે પણ અને જ્યારે કે મેં તમને કિતાબ અને હિકમતની વાતો અને તૌરાત અને ઈંજીલનું જ્ઞાન આપ્યું અને જ્યારે કે તમે મારા આદેશથી માટી માંથી એક આકાર બનાવતા હતા, જેવો કે પક્ષીનો આકાર હોય છે, પછી તમે તેની અંદર ફૂંક મારતા હતા જેનાથી તે પક્ષી (સજીવ) બની જતું હતું, મારા આદેશથી, અને તમે તંદુરસ્ત કરી દેતા હતા જન્મથી આંધળા અને કોઢીને મારા આદેશથી, અને જ્યારે કે તમે મૃતકોને જીવિત કરી ઊભા કરતા હતા મારા આદેશથી અને જ્યારે કે મેં ઇસ્રાઇલના સંતાનોને તમારાથી અળગા રાખ્યા, જ્યારે તમે તેઓની પાસે પૂરાવા લઇ આવ્યા હતા, પછી તેઓમાં જે ઇન્કાર કરનારાઓ હતા, તેઓએ કહ્યું હતું કે આ તો સ્પષ્ટ રીતે જાદુ સિવાય બીજું કંઈજ નથી.

111

૧૧૧) અને જ્યારે કે મેં હવ્વારી (મદદ કરનાર) ને આદેશ આપ્યો કે તમે મારા પર અને મારા પયગંબર પર ઈમાન લાવો, તેઓએ કહ્યું કે અમે ઈમાન લાવ્યા અને તમે સાક્ષી રહો કે અમે સંપૂર્ણ આજ્ઞાકારી છે.

112

૧૧૨) તે સમય યાદ કરવા જેવો છે, જ્યારે કે હવ્વારીઓએ પૂછ્યું કે હે મરયમના દિકરા ઈસા ! શું તમારો પાલનહાર અમારા પર આકાશ માંથી એક ભોજનનો થાળ ઉતારી શકે છે ? તેમણે કહ્યું કે અલ્લાહથી ડરો જો તમે ઈમાનવાળા હોય.

113

૧૧૩) તેઓએ કહ્યું કે અમે એવું ઇચ્છીએ છીએ કે તેમાંથી ખાઇએ અને અમારા હૃદયને શાંતિ મળી જાય અને અમારી આસ્થામાં વધારો થઇ જાય કે તમે અમને સત્ય વાત કહી છે અને અમે સાક્ષી આપનારાઓ માંથી થઇ જઇએ.

114

૧૧૪) મરયમના દિકરા ઈસાએ દુઆ કરી કે, હે અલ્લાહ ! હે અમારા પાલનહાર ! અમારા પર આકાશ માંથી ભોજન ઉતાર, કે તે અમારા માટે એટલે કે અમારા માં જે પહેલા આવનારા અને જે પછી આવનારા છે તે સૌના માટે, એક ખુશીની વાત થઇ જાય અને તારા તરફથી એક નિશાની બની જાય અને તું અમને રોજી આપી દે અને તું બધા આપવાવાળા કરતા સારો છે.

115

૧૧૫) અલ્લાહ તઆલાએ કહ્યું કે હું તે ભોજન તમારા પર ઉતારવાવાળો છું, પછી જે વ્યક્તિ તમારા માંથી તે પછી અતિરેક કરશે, તેને હું એવી સજા આપીશ કે તે સજા દુનિયાવાળાઓ માંથી કોઇને નહીં આપું.

116

૧૧૬) અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે કે અલ્લાહ તઆલા કહેશે કે હે મરયમના પુત્ર ઈસા ! શું તમે તે લોકોને કહી દીધું હતું કે મને અને મારી માતાને પણ અલ્લાહ તઆલા સિવાય પૂજ્ય બનાવી લો, ઈસા કહેશે કે હું તો તને પવિત્ર સમજું છું, મારા માટે આવી વાત કરવી અશક્ય હતી, જેનો કોઇ અધિકાર મને ન હતો, જો મેં કહ્યું હશે તો તને આ વિશેની જાણ હશે, તું તો મારા હૃદયની વાતોને પણ જાણે છે અને હું તારા હૃદયમાં જે કંઈ છે તેને નથી જાણતો, બધું જ અદૃશ્યને જાણવાવાળો તું જ છે.

117

૧૧૭) મેં તો તેઓને તે જ કહ્યું, જે તે મને કહેવાનો આદેશ આપ્યો હતો કે તમે અલ્લાહની બંદગી કરો, જે મારો પણ પાલનહાર છે અને તમારો પણ, હું તેઓ પર સાક્ષી બનીને રહ્યો જ્યાં સુધી હું તેઓની વચ્ચે રહ્યો, પછી જ્યારે તેં મને ઉઠાવી લીધો તો તું જ તેઓની સ્થિતિ જાણતો હતો અને તું દરેક વસ્તુની સંપૂર્ણ જાણકારી રાખે છે.

118

૧૧૮) જો તું તેઓને યાતના આપે તો તેઓ તારા બંદા છે, અને જો તું તેઓને માફ કરી દે તો તું જબરદસ્ત હિકમતવાળો છે.

119

૧૧૯) અલ્લાહ તઆલા કહેશે કે આ તે દિવસ છે કે જે લોકો સાચા હતા, તેઓનું સાચું હોવું તેમને કામમાં આવશે, તેઓને બગીચાઓ મળશે જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, અલ્લાહ તઆલા તેઓથી રાજી અને ખુશ, અને આ લોકો અલ્લાહથી રાજી અને ખુશ છે, આ મોટી સફળતા છે.

120

૧૨૦) અલ્લાહનું જ છે આકાશોનું સામ્રાજ્ય અને ધરતીનું, અને તે વસ્તુઓનું પણ જે તેમાં છે, અને તે દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.