ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

હે લોકો ! પોતાના પાલનહારથી ડરતા રહો, જેણે તમને એક જીવ વડે પેદા કર્યા અને તેનાથી તેની પત્નિને પેદા કરી તે બન્ને વડે ઘણા જ પૂરૂષો અને સ્ત્રીઓને ફેલાવી દીધા, તે અલ્લાહથી ડરો જેનું નામ લઇ એક બીજાથી માંગો છો અને સબંધો તોડવાથી બચો, નિંશંક અલ્લાહ તઆલા તમારી દેખરેખ કરી રહ્યો છે.

2

અને અનાથોને તેઓનું ધન આપી દો અને પવિત્ર અને હલાલ વસ્તુના બદલામાં અપવિત્ર અને હરામ વસ્તુ ના લો અને પોતાના ધન સાથે તેઓ (અનાથો) નું ધન ભેળવી ખાઇ ના જાઓ, નિંશંક આ ઘણો જ મોટો ગુનો છે.

3

જો તમને ભય હોય કે અનાથ છોકરીઓ સાથે લગ્ન કરી તમે ન્યાય નહી કરી શકો તો બીજી સ્ત્રીઓ માંથી જે પણ તમને પસંદ આવે તમે તેઓ સાથે લગ્ન કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર સાથે, પરંતુ જો તમને ન્યાય ન કરવાનો ભય હોય તો એક જ પુરતી છે, અથવા તમારી માલીકીની બાંદી આ વધારે ઉત્તમ છે કે (આવું કરવાથી અન્યાય અને) એક તરફ જુકી જવાથી બચી જાઓ.

4

અને સ્ત્રીઓને તેણીઓની મહેર રાજી-ખુશીથી આપી દો, હાઁ જો તે પોતે પોતાની રજામંદીથી થોડીક મહેર છોડી દે તો તેને શોખથી રાજી થઇ ખાઇ લો.

5

નાસમજને પોતાનું ધન આપી ન દો, જે ધનને અલ્લાહ તઆલાએ તમારા માટે રોજીનું સાધન બનાવ્યું છે, હાઁ તેઓને તે ધન માંથી ખવડાવો, પીવડાવો પહેરાવો ઓઢાવો અને તેઓ સાથે નમ્રતાથી વાત કરો.

6

અને અનાથોને તેઓના પુખ્તવયે પહોચી જતાં સુધી સુધારતા રહો અને કસોટી કરતા રહો, પછી જો તે લોકોમાં તમે સમજદારી અને ઉત્તમ યુક્તિ જોઇ લો તો તેમને તેમનું ધન સોંપી દો અને તેમના પુખ્તવયે પહોંચી જવાના ભયથી તેમના ધનને ઝડપથી બેકાર ખર્ચ ન કરી દો, ધનવાનો માટે જરૂરી છે કે (તેઓના ધનથી) બચતા રહે. હાઁ લાચાર, નિરાધાર હોય તો કાયદા મુજબ જે જરૂરત હોય તે ખાઇ લેં, પછી તેઓને તેઓનું ઘન સોંપતી વખતે સાક્ષી બનાવી લો, ખરેખર હિસાબ લેનાર અલ્લાહ જ પુરતો છે.

7

માતા-પિતા અને સબંધીઓના વારસામાં પુરૂષો અને સ્ત્રીઓનો પણ ભાગ છે, (જે ધન માતા-પિતા અને સબંધી છોડી જાય) ભલેને તે ધન ઓછું હોય અથવા વધારે (તેમાં) ભાગ નક્કી કરેલ છે.

8

અને જ્યારે વહેંચણીના સમયે સબંધીઓ અને અનાથો અને લાચાર લોકો આવી પહોંચે તો તમે તેમાંથી તેઓને પણ થોડુંક આપી દો. અને તેઓની સાથે નમ્રતાથી વાત કરો.

9

અને તેઓ એ વાતથી ભયભીત થાય છે કે જો તે પોતે પોતાની પાછળ (નાના) બાળકો છોડી જાય જેનું વ્યર્થ થઇ જવાનો ભય હોય (તો તેઓની ઇચ્છા શું હોત), બસ ! અલ્લાહ તઆલાથી ડરીને સત્ય વાત કહ્યા કરો.

10

જે લોકો વગર કારણે અત્યાચાર કરી અનાથોનું ધન ખાઇ જાય છે તે પોતાના પેટમાં આગ ભરી રહ્યા છે અને નજીક માંજ તે લોકો જહન્નમમાં જશે.

11

અલ્લાહ તઆલા તમને તમારા સંતાનો વિશે આદેશ આપે છે કે એક બાળકનો ભાગ બે બાળકીઓ બરાબર છે અને જો ફકત બાળકીઓ જ હોય અને બે થી વધારે હોય તો તેણીઓને વારસના ધનમાં બેતૃત્યાંશ મળશે અને જો એક જ બાળકી હોય તો તેના માટે અડધો ભાગ છે અને મૃતકના માતા-પિતા માંથી બન્ને માટે તેણે છોડેલા વારસા માંથી છઠ્ઠો ભાગ છે, જો તે (મૃતક) ના સંતાન હોય અને જો તેના સંતાન ન હોય અને માતા-પિતા વારસદાર બનતા હોય, તો તેની માતા માટે ત્રીજો ભાગ છે, હાઁ જો મૃતકના કેટલાક ભાઇ હોય તો પછી તેની માતા માટે છઠ્ઠો ભાગ છે, આ ભાગ વસિય્યત (પુરી કર્યા) પછી છે. જે મૃતકે કરી હોય. અથવા ઉધાર માલ ચુકવી દીધા પછી, તમારા પિતા અથવા તમારા દીકરાઓ તમને નથી ખબર કે તેઓ માંથી કોણ તમને ફાયદો પહોંચાડવામાં વધારે નજીક છે. આ ભાગ અલ્લાહ તઆલા તરફથી નક્કી કરેલ છે, નિંશંક અલ્લાહ તઆલા સંપૂર્ણ જ્ઞાન અને હિકમતવાળો છે.

13

આ સિમાઓ અલ્લાહ તઆલાની નક્કી કરેલ છે અને જે અલ્લાહ તઆલા અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે તેને અલ્લાહ તઆલા જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહી રહી છે જેમાં તેઓ હંમેશા રહેશે અને આ મોટી સફળતા છે.

14

અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન ન કરે અને તેણે નક્કી કરેલ સિમાઓથી આગળ વધી જાય તેને તે જહન્નમમાં નાખી દેશે, જેમાં તે હંમેશા રહેશે, આવા જ લોકો માટે અપમાનિત કરી દેનાર યાતના છે.

15

તમારી સ્ત્રીઓ માંથી જે અશ્ર્લિલ કાર્ય કરે તેણીઓ પર પોતાના માંથી ચાર સાક્ષીઓ માંગો, જો તે સાક્ષી આપે તો તે સ્ત્રીઓને ઘરમાં બાંદી બનાવી રાખો, અહી સુધી કે મૃત્યુ આવી પહોંચે, અથવા તો અલ્લાહ તઆલા તેઓ માટે બીજો માર્ગ કાઢે.

16

તમારા માંથી જે બે વ્યક્તિ આવું કાર્ય કરી લે તેઓને તકલીફ પહોંચાડો, જો તે તૌબા અને સુધારો કરી લે તો તેઓથી મોઢું ફેરવી લો, નિંશંક અલ્લાહ તઆલા તૌબા કબુલ કરનાર અને દયા કરવાવાળો છે.

17

અલ્લાહ તઆલા ફકત તે જ લોકોની તૌબા કબુલ કરે છે જે ભુલ તથા અણસમજમાં કોઇ ખરાબ કૃત્ય કરી લે પછી ઝડપથી તેનાથી બચી જાય અને તૌબા કરે તો અલ્લાહ તઆલા પણ તેઓની તૌબા કબુલ કરે છે, અલ્લાહ તઆલા ઘણો જ જ્ઞાન ધરાવનાર, હિકમતવાળો છે.

18

તેઓની તૌબા નહી જે ખરાબ કૃત્યો કરતા જ રહે, અહીં સુધી કે જ્યારે તેઓ માંથી કોઇની પાસે મૃત્યુ આવી પહોંચે તો કહી દે કે મેં હવે તૌબા કરી, અને તેઓની તૌબા પણ કબુલ નથી જે ઇન્કાર પર જ મૃત્યુ પામે આ જ લોકો છે જેમના માટે અમે દુંખદાયી યાતના તૈયાર કરી રાખી છે.

19

ઇમાનવાળાઓ ! તમારા માટે યોગ્ય નથી કે બળજબરીથી સ્ત્રીઓના વારસદાર બની બેસો, તેણીઓને તે માટે ન રોકી રાખો કે જે તમે તેણીઓને આપી રાખ્યું છે તેમાંથી કંઇક લઇ લો, હાઁ આ અલગ વાત છે કે તે લોકો ખુલ્લી બુરાઇ અથવા અશ્ર્લિલતા કરે, તેણીઓ સાથે ઉત્તમ તરીકાથી વર્તન કરો ભલેને તમે તેણીઓને પસંદ ન કરો, પરંતુ શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને અલ્લાહ તઆલા તેમાં ઘણી જ ભલાઇ કરી દે.

20

અને જો તમે એક પત્નિની જગ્યાએ બીજી પત્નિ કરવા ઇચ્છો અને તેણી માંથી કોઇકને તમે ખજાનો આપી રાખ્યો હોય તો પણ તેમાંથી કંઇ ન લો, શું તમે તેને સત્યવગર અને ખુલ્લો પાપ થતા પણ તમે લઇ લેશો, તમે તેને કેવી રીતે લઇ લેશો.

21

જો કે તમે એક-બીજાથી મળેલા છો, અને તે સ્ત્રીઓએ તમારી સાથે મજબુત વચન લઇ રાખ્યું છે.

22

તે સ્ત્રીઓ સાથે લગ્ન ન કરો જેમની સાથે તમારા પિતાએ લગ્ન કર્યા છે, પરંતુ જે પસાર થઇ ગયું છે, આ અશ્ર્લિલતાનું કૃત્ય અને કપટનું કારણ છે અને અત્યંત ખરાબ માર્ગ છે.

23

તમારા પર તમારી માઁ હરામ કરવામાં આવી છે અને તમારી છોકરીઓ અને તમારી બહેનો, તમારી ફોઇઓ, તમારી માસીઓ અને ભાઇની છોકરીઓ અને બહેનનોની છોકરીઓ અને તમારી તે માતાઓ જેમણે તમને દુધ પીવડાવ્યું હોય અને તમારી દુધ સરખી બહેનો અને તમારી સાસુ અને તમારો ઉછેર પામેલી છોકરીઓ જે તમારા ખોળામાં છે, તમારી તે સ્ત્રીઓથી જેમનાથી તમે સંભોગ કરી ચુકયા છો, હાઁ જો તમે તેઓ સાથે સંભોગ ન કર્યો હોય તો તમારા પર કોઇ ગુનો નથી અને તમારા સગા છોકરાની પત્નિઓ અને તમારા માટે બે બહેનોને ભેગી કરવી (હરામ છે), હાઁ જે પસાર થઇ ગયું તે થઇ ગયું નિંશંક અલ્લાહ તઆલા માફ કરનાર દયાળુ છે.

24

૨૪) અને (હરામ કરવામાં આવી છે) તે સ્ત્રીઓ, જેમના પતિઓ હોય પરંતુ જે તમારી માલિકી હેઠળ આવી જાય (તેની સાથે સમાગમ કરી શકાય), અલ્લાહ તઆલાએ આ આદેશો તમારા પર જરૂરી કરી દીધા છે, અને તે સ્ત્રીઓ વગર બીજી સ્ત્રીઓ તમારા માટે હલાલ કરવામાં આવી કે પોતાના માલની મહેર આપી તમે તેણીઓની સાથે લગ્ન કરવા ઇચ્છો, ખરાબ કૃત્યથી બચવા માટે, મનેચ્છા પૂરી કરવા માટે નહીં, એટલા માટે તમે જેણીઓથી ફાયદો ઉઠાવો તેણીઓને તેણીઓએ નક્કી કરેલ મહેર આપી દો, અને મહેર નક્કી થઇ ગયા પછી તમે એકબીજાની ખુશીથી જે નક્કી કરી લો તો તમારા પર કોઇ ગુનો નથી, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો, હિકમતવાળો છે.

25

૨૫) અને તમારા માંથી કોઇને સ્વતંત્ર મુસલમાન સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની સુવિધા અને તાકાત ન હોય તો તે મુસલમાન ગુલામ સ્ત્રી સાથે જેણીઓના તમે માલિક છો (લગ્ન કરી લો), અલ્લાહ તમારા કાર્યોને ખૂબ સારી રીતે જાણવાવાળો છે, તમે સૌ અંદરોઅંદર એક જ છો, એટલા માટે તેણીઓના માલિકોની પરવાનગી લઇ તેણીઓ સાથે લગ્ન કરી લો અને નિયમ પ્રમાણે તેણીઓને મહેર આપી દો, તે પવિત્ર હોય, ન કે ખુલ્લી અશ્લીલતાનું કાર્ય કરનારી, ન તો છૂપી રીતે પણ, બસ ! જ્યારે આ ગુલામ સ્ત્રીઓ સાથે લગ્ન કરી લો પછી જો તે અશ્લીલતાનું કાર્ય કરે તો તેણીઓ માટે અડધી સજા છે. તે સજા કરતા, જે સ્વતંત્ર સ્ત્રીઓ માટે છે, ગુલામ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનો આ આદેશ તમારા માંથી તે લોકો માટે છે જેમને ગુનો અને તકલીફ નો ડર હોય અને તમારા માટે ધીરજ રાખવી ઘણું જ ઉત્તમ કાર્ય છે અને અલ્લાહ ઘણો જ માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે.

26

૨૬) અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારા માટે (આદેશો) સ્પષ્ટ રીતે વર્ણન કરે અને તમને તમારાથી પહેલાના (સદાચારી) લોકોના માર્ગ પર ચલાવે અને તમારી તૌબા કબૂલ કરે અને અલ્લાહ તઆલા જાણવાવાળો, હિકમતવાળો છે.

27

૨૭) અને અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારી તૌબા કબૂલ કરે અને જે લોકો મનેચ્છાઓનું અનુસરણ કરે છે તેઓ ઇચ્છે છે કે તમે તેનાથી (સત્ય માર્ગથી) ઘણા જ દૂર થઇ જાવ.

28

૨૮) અલ્લાહ ઇચ્છે છે કે તમારા માટે સરળ કરી દે, કારણ કે માનવી અશકત પેદા કરવામાં આવ્યો છે.

29

૨૯) હે ઈમાનવાળાઓ ! પોતાનું એકબીજાનું ધન ખોટી રીતે ન ખાઓ, પરંતુ એ કે તમારી એકબીજાની ખુશીથી લે-વેચ કરો અને પોતાને કતલ ન કરો, નિ:શંક અલ્લાહ તઆલા તમારા પર અત્યંત કૃપાળુ છે.

30

૩૦) અને જે વ્યક્તિ આ અવજ્ઞા અને અત્યાચાર કરશે તો નજીક માંજ અમે તેને આગમાં નાખીશું અને આ અલ્લાહ તઆલા માટે સરળ છે.

31

૩૧) જો તમે તે મોટા અપરાધોથી બચતા રહેશો જેનાથી તમને રોકવામાં આવે છે તો અમે તમારા નાના પાપોને દૂર કરી દઇશું અને ઇજજતવાળા સ્થળે દાખલ કરીશું.

32

૩૨) અને તે વસ્તુની ઇચ્છા ન કરો જેના કારણે અલ્લાહ તઆલાએ તમારા માંથી કેટલાકને કેટલાક પર ઇજજત આપી છે, પુરૂષો માટે તેમનો ભાગ છે જે તેઓએ કમાણી કરી, અને સ્ત્રીઓ માટે તે ભાગ છે જે તેણીઓએ કમાવ્યો અને અલ્લાહ પાસે તેની કૃપા માંગો, નિ:શંક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.

33

૩૩) માતા-પિતા અથવા સગાંસંબંધીઓ જે (ધનસંપત્તિ) છોડી જાય, તેના વારસદાર અમે દરેક વ્યક્તિને નક્કી કરેલ છે અને જેઓને તમે પોતે વચન આપ્યું છે તેઓને તેઓનો ભાગ આપી દો, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુઓનો સાક્ષી છે.

34

૩૪) પુરુષ સ્ત્રીઓ પર શાસક છે, એટલા માટે કે અલ્લાહ તઆલાએ એકને બીજા પર શ્રેષ્ઠતા આપી છે અને એટલા માટે પણ કે પુરૂષોએ પોતાનું ધન ખર્ચ કર્યુ છે, બસ ! સદાચારી તથા આજ્ઞાકારી સ્ત્રીઓ પતિની ગેરહાજરીમાં પવિત્રતા જાળવી રાખનારી છે અને જે સ્ત્રીઓની અવજ્ઞા અને ખરાબ વિચાર નો તમને ભય હોય તેણીઓને શિખામણ આપો અને તેણીઓની પથારી અલગ કરી દો અને તેણીઓને મારો, પછી જો તે અનુસરણ કરે તો તેણીઓ માટે કોઇ માર્ગ ન શોધો, નિ:શંક અલ્લાહ તઆલા ઘણો જ ઉચ્ચ અને મોટો છે.

35

૩૫) જો તમને પતિ-પત્ની વચ્ચે અંદરોઅંદરની અણબનાવનો ભય હોય તો એક સુલેહ કરનાર પુરુષ માંથી અને એક સ્ત્રીના ઘર માંથી નક્કી કરો, જો આ બન્ને સુલેહ કરવા ઇચ્છતા હશે તો અલ્લાહ બન્નેનો મેળાપ કરાવી દેશે, નિ:શંક અલ્લાહ સંપૂર્ણ જ્ઞાની તથા સંપૂર્ણ ખબર રાખનાર છે.

36

૩૬) અને અલ્લાહ તઆલાની બંદગી કરો અને તેની સાથે કોઇને ભાગીદાર ન ઠેરવો અને માતા-પિતા સાથે સારું વર્તન કરો અને સગાંસંબંધીઓ, અનાથો, લાચારો, નજીકના પાડોશી, અજાણ પાડોશી, સહવાસીઓ, પોતાની સાથે સફર કરનાર, અને તેઓ સાથે, જેઓના તમે માલિક છો, નિ:શંક અલ્લાહ તઆલા ઘમંડ કરનાર, ઇતરાવનારાઓને પસંદ નથી કરતો.

37

૩૭) જે લોકો પોતે કંજૂસાઈ કરે છે અને બીજાને પણ કંજૂસાઈ કરવાનું કહે છે અને અલ્લાહ તઆલાએ પોતાની જે કૃપા તેઓ પર કરી છે તેને છૂપાવી લે છે, અમે તે ઇન્કાર કરનારાઓ માટે અપમાનિત યાતના તૈયાર કરી રાખી છે.

38

૩૮) અને જે લોકો પોતાનું ધન લોકોને દેખાડો કરવા માટે ખર્ચ કરે છે અને અલ્લાહ તઆલા પર તથા કયામતના દિવસ પર ઈમાન નથી ધરાવતા અને જેમનો સાથી મિત્ર શેતાન હોય, તે ખરાબ સાથી છે.

39

૩૯) તેઓનું શું ખરાબ થવાનું હતું, જો તે લોકો અલ્લાહ તઆલા પર અને કયામત ના દિવસ પર ઈમાન લાવતા, અને અલ્લાહ તઆલાએ જે તેઓને આપી રાખ્યું છે તેમાંથી ખર્ચ કરતા, અલ્લાહ તઆલા તેઓને સારી રીતે જાણે છે.

40

૪૦) નિ:શંક અલ્લાહ તઆલા લેશ માત્ર પણ અત્યાચાર નથી કરતો અને જો સત્કાર્ય હોય તો તેને બમણું કરી દે છે અને ખાસ પોતાની પાસેથી ઘણો જ મોટો સવાબ આપે છે.

41

૪૧) બસ ! શી દશા થશે, જે સમયે દરેક કોમ માંથી એક સાક્ષી અમે લાવીશું અને તમને તે લોકો પર સાક્ષી બનાવીને લાવીશું.

42

૪૨) જે દિવસે ઇન્કાર કરનારાઓ અને પયગંબરની અવજ્ઞા કરનારાઓ ઇચ્છા કરશે કે કાશ ! તેઓને ધરતીમાં જ દબાવી દેવામાં આવતા અને અલ્લાહથી કોઇ વાત છૂપાવી નહીં શકે.

43

૪૩) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે નશામાં હોય તો નમાઝની નજીક પણ ન જાઓ, જ્યાં સુધી પોતાની વાતને સમજવા ન લાગો અને નાપાકીની અવસ્થામાં, જ્યાં સુધી સ્નાન ન કરી લો, હાં જો તમને (મસ્જિદ માંથી પસાર થવું પડે) તો કોઇ વાંધો નથી અને જો તમે બિમાર હોય અથવા મુસાફરીમાં હોય અથવા તમારા માંથી કોઇ કુદરતી હાજતથી આવે અથવા તમે પત્નીઓ સાથે સમાગમ કર્યું હોય અને તમને પાણી ન મળે તો સાફ માટી વડે પવિત્રતા પ્રાપ્ત કરો અને પોતાના ચહેરા તથા હાથ પર ફેરવી લો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનાર, દરગુજર કરનાર છે.

44

૪૪) શું તમે તેઓને નથી જોયા ? જેમને કિતાબનો કેટલોક ભાગ આપવામાં આવ્યો છે, તે પથભ્રષ્ટતાને ખરીદે છે અને ઇચ્છે છે કે તમે પણ માર્ગથી ભટકી જાઓ.

45

૪૫) અલ્લાહ તઆલા તમારા શત્રુઓને ખૂબ સારી રીતે જાણે છે અને અલ્લાહ તઆલાનું સાથી થવું પૂરતું છે અને અલ્લાહ તઆલાની મદદ મેળવવી પણ પૂરતી છે.

46

૪૬) કેટલાક યહૂદીઓ શબ્દોને તેમની યોગ્ય જગ્યાએથી ફેરવી નાખે છે અને કહે છે કે અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી અને સાંભળ, તારી (વાત) સાંભળવામાં ન આવે, અને અમને છૂટ આપ (પરંતુ આવું કહેવામાં) પોતાની જીભને મરડી નાખે છે અને દીન વિશે મહેણાંટોણાં મારે છે અને જો આ લોકો કહી દે કે અમે સાંભળ્યું અને અમે આજ્ઞાકારી બન્યા અને તમે સાંભળો અને અમને જુઓ તો આ તે લોકો માટે ઘણું જ ઉત્તમ અને યોગ્ય હોત, પરંતુ અલ્લાહ તઆલાએ તેઓના ઇન્કાર ના કારણે તેઓ પર લઅનત (ફિટકાર) કરી છે. બસ ! આ લોકોમાં ઘણા ઓછા ઈમાન લાવે છે.

47

૪૭) હે કિતાબવાળાઓ ! જે કંઈ અમે અવતરિત કર્યુ છે, તે તેની પણ પુષ્ટિ કરવાવાળું છે, જે તમારી પાસે છે, તેના પર ઈમાન લાવો, તે પહેલા કે અમે ચહેરા બગાડી નાખીએ અને તેઓને પાછા ફેરવી પીઠ તરફ કરી નાખીએ, અથવા તેઓ પર લઅનત (ફિટકાર) કરી દઇએ જેવી કે અમે શનિવારના દિવસવાળાઓ પર લઅનત કરી, અલ્લાહ તેનું કાર્ય કરી દેનાર છે.

48

૪૮) નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાય જેને ઇચ્છે માફ કરી દે છે અને જે અલ્લાહ તઆલાનો ભાગીદાર ઠેરવે તેણે ઘણું જ મોટું પાપ અને જુઠાણું ઘડ્યું.

49

૪૯) શું તમે તેઓને નથી જોયા, જે પોતાની પવિત્રતા અને પ્રશંસા પોતે જ કરે છે ? પરંતુ અલ્લાહ તઆલા જેને ઇચ્છે પવિત્ર કરે છે, કોઇના પર એક દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે.

50

૫૦) જૂઓ ! આ લોકો અલ્લાહ તઆલા પર કેવી રીતે જૂઠ ઘડે છે અને આ (કાર્ય) ખુલ્લા પાપ માટે પૂરતું છે.

51

૫૧) શું તમે તેઓને નથી જોયા જેમને કિતાબનો કેટલોક ભાગ મળ્યો છે ? જે મૂર્તિ પૂજા અને જુઠ્ઠાં પૂજ્યની માન્યતા રાખે છે અને ઇન્કાર કરનારાઓ વિશે કહે છે કે આ લોકો ઈમાનવાળાઓ કરતા વધારે સત્ય માર્ગ પર છે.

52

૫૨) આ જ તે લોકો છે, જેમના પર અલ્લાહ તઆલાએ લઅનત કરી છે અને જેના પર અલ્લાહ તઆલા લઅનત કરી દે તો તમે તેનો કોઇ મદદ કરનાર નહીં જુઓ.

53

૫૩) શું તેઓનો કોઇ ભાગ સામ્રાજ્યમાં છે ? જો આવું હોય તો પછી આ લોકો કોઇને એક ખજૂરના ઠળિયાના છોંતરા બરાબર પણ નહીં આપે.

54

૫૪) અથવા આ લોકો અદેખાઇ કરે છે, તે લોકો ઉપર જેમને અલ્લાહ તઆલાએ પોતાની કૃપાથી આપ્યું છે, બસ ! અમે તો ઇબ્રાહીમના સંતાનોને કિતાબ અને હિકમત પણ આપી છે અને મોટું સામ્રાજ્ય પણ આપ્યું છે.

55

૫૫) પછી તેઓ માંથી કેટલાકે આ કિતાબનું અનુસરણ કર્યુ અને કેટલાકે અનુસરણ ન કર્યુ અને જહન્નમમાં બાળી નાખવું પૂરતું છે.

56

૫૬) જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તેઓને અમે ચોક્કસ આગમાં નાંખી દઇશું, જ્યારે તેઓની ચામડી પાકી જશે અમે તેમની ચામડી બદલી નાખીશું, જેથી તેઓ યાતનામાં પડયા રહે, નિ:શંક અલ્લાહ તઆલા વિજયી, હિકમત વાળો છે.

57

૫૭) અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા અમે નજીક માંજ તેઓને તે જન્નતોમાં લઇ જઇશું જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, તેઓ માટે ત્યાં પવિત્ર પત્નીઓ હશે અને અમે તેઓને ઉત્તમ છાંયડામાં લઇ જઇશું.

58

૫૮) અલ્લાહ તઆલા તમને જરૂરી આદેશ આપે છે કે અમાનતદારોને તેમની અમાનત પહોંચાડી દો અને જ્યારે લોકો માટે ચુકાદો કરો તો ન્યાયથી કરો, નિ:શંક આ ઉત્તમ વસ્તુ છે જેની શિખામણ તમને અલ્લાહ તઆલા આપી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળે છે, જુએ છે.

59

૫૯) હે ઈમાનવાળાઓ ! આજ્ઞાનું પાલન કરો, અલ્લાહ તઆલા અને પયગંબરની અને તમારા માંથી જેઓ (શાસક તથા ધર્મગુરૂઓ) છે, પછી જો કોઇ વસ્તુમાં વિવાદ કરો તો તેને અલ્લાહ અને પયગંબર તરફ ફેરવી દો, જો તમને અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઈમાન હોય, આ ઘણું જ ઉત્તમ છે અને પરિણામ પણ શ્રેષ્ઠ છે.

60

૬૦) શું તમે તેને નથી જોયા ? જેઓનો દાવો તો એ છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા કરતા પહેલા અવતરિત કરવામાં આવ્યું તેના પર તેઓનું ઈમાન છે, પરંતુ તેઓ પોતાના ચુકાદા “તાગૂત” તરફ લઇ જવાનું ઇચ્છે છે જો કે તેઓને આદેશ આપવામાં આવ્યો છે કે શેતાનનો વિરોધ કરે, શેતાન તો ઇચ્છે છે કે તેમને ફોસલાવી દૂર નાખી દે.

61

૬૧) તેઓને જ્યારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ કિતાબ અને પયગંબર તરફ આવો તો તમે જોઇ લેશો કે આ ઢોંગીઓ તમારાથી મોઢું ફેરવી રોકાઇ જાય છે.

62

૬૨) શું વાત છે કે જ્યારે તેઓ પર તેઓના કાર્યોના કારણે કોઇ મુસીબત આવી પહોંચે છે તો તેઓ તમારી પાસે આવી અલ્લાહ તઆલાની સોગંદો ખાય છે કે અમારી ઇચ્છા તો ફકત ભલાઇ અને મેળાપ કરવાની જ હતો.

63

૬૩) આ તે લોકો છે જેઓ ના હૃદયોના ભેદ અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણે છે, તમે તેઓથી અળગા રહો, તેઓને શિખામણ આપતા રહો અને તેઓને તે વાત કહો જે તેઓના હૃદયોમાં બેસી જનારી હોય.

64

૬૪) અમે દરેક પયંગબરને ફકત એટલા માટે જ મોકલ્યા કે અલ્લાહ તઆલાના આદેશથી તેની આજ્ઞાનું પાલન કરવામાં આવે અને જો આ લોકો, જ્યારે તેઓએ પોતાના પર અત્યાચાર કર્યો હતો, તમારી પાસે આવી જતા અને અલ્લાહ થી માફી માંગતા અને પયગંબર પણ તેઓના માટે માફી માંગતા, તો તેઓ નિ:શંક અલ્લાહ તઆલાને માફ કરનાર અને દયાળુ પામતા.

65

૬૫) તો સોગંદ છે તારા પાલનહારની, આ લોકો ઈમાનવાળા ન હોઇ શકતા, જ્યાં સુધી કે દરેક અંદરોઅંદરના વિવાદોમાં તમને ન્યાયકરતા ન માની લે, પછી જે ફેંસલો તમે તેઓ માટે કરી લો તેનાથી પોતાના મનમાં કોઇ પણ પ્રકારની તંગી અને નાખુશી ન અનુભવે અને આજ્ઞાકારી સાથે માની લે.

66

૬૬) અને જો અમે તેઓ માટે ફરજિયાત કરી દેતા કે પોતાના જીવોને કતલ કરી નાખો અથવા પોતાના ઘરો માંથી નીકળી જાવ તો આ આદેશનું પાલન તેઓ માંથી ઘણા જ ઓછા લોકો કરતા અને જો આ લોકો તે જ કરે જેની તેઓને શિખામણ આપવામાં આવે છે તો નિ:શંક આ જ તેઓ માટે ઉત્તમ અને ઘણું જ મજબૂત હશે.

67

૬૭) અને જેથી તેઓને અમે અમારી પાસેથી ઘણો જ સવાબ આપીએ.

68

૬૮) અને ખરેખર તેઓને સત્યમાર્ગ બતાવીએ.

69

૬૯) અને જે પણ અલ્લાહ તઆલા અને પયગંબરની આજ્ઞાનું પાલન કરશે તે, તે લોકો સાથે હશે જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી છે જેવી રીતે પયગંબર, સાચા લોકો, શહીદ અને સદાચારી લોકો, આ લોકો ઉત્તમ સાથી છે.

70

૭૦) આ કૃપા અલ્લાહ તઆલા તરફથી છે અને અલ્લાહ તઆલા જાણનાર, પૂરતો છે.

71

૭૧) હે મુસલમાનો ! પોતાના બચાવ માટેનો સામાન લઇ લો, પછી જૂથ-જૂથ બનીને આગળ વધો, અથવા દરેક લોકો એકઠાં થઇને નીકળી જાવ.

72

૭૧) હે મુસલમાનો ! પોતાના બચાવ માટેનો સામાન લઇ લો, પછી જૂથ-જૂથ બનીને આગળ વધો, અથવા દરેક લોકો એકઠાં થઇને નીકળી જાવ.

73

૭૩) અને જો તમને અલ્લાહ તઆલાની કોઇ કૃપા પહોંચે તો એવી રીતે કહે છે કે તમારી સાથે તેઓની કોઇ મિત્રતા હતી જ નહીં કહે છે કે કદાચ ! હું પણ તેઓ સાથે હોત તો મોટી સફળતા મેળવી શક્તો.

74

૭૪) બસ ! જે લોકો દુનિયાના જીવનને આખેરતના બદલામાં વેચી નાખે છે તેઓએ અલ્લાહ તઆલાના માર્ગમાં લડવું જોઇએ અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાના માર્ગમાં લડતા શહીદ થઇ જાય અથવા વિજય મેળવી લે, નિ:શંક તેઓને અમે ઘણો જ સવાબ આપીશું.

75

૭૫) શું કારણ છે કે તમે અલ્લાહ તઆલાના માર્ગમાં અને તે નબળા પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકોના છુટકારા માટે જેહાદ ન કરો ? જે આવી રીતે દુઆઓ કરી રહ્યા છે કે હે અમારા પાલનહાર ! આ અત્યાચારીઓ ની વસ્તીથી અમને મુક્તિ આપ અને અમારા માટે તારા પોતાના તરફથી દેખરેખ કરનાર નક્કી કર અને અમારા માટે ખાસ તારી પોતાની તરફથી મદદ કરનાર બનાવ.

76

૭૬) જે લોકો ઈમાન લાવ્યા છે તે લોકો અલ્લાહના માર્ગમાં જેહાદ કરે છે અને જે લોકો ઇન્કાર કરે છે તે અલ્લાહ તઆલા સિવાય બીજા લોકો માટે લડે છે, બસ ! તમે શેતાનના સાથીઓ સાથે લડાઇ કરો, ખરેખર શેતાનની યુક્તિઓ ઘણી જ નબળી છે.

77

૭૭) શું તમે તેઓને નથી જોયા જેઓને આદેશ આપવામાં આવ્યો હતો કે પોતાના હાથોને રોકી રાખો અને નમાઝ પઢતા રહો અને ઝકાત આપતા રહો, પછી જ્યારે તેઓને જેહાદનો આદેશ આપવામાં આવ્યો તો તે જ સમયે તેઓનું એક જૂથ લોકોથી એવી રીતે ડરવા લાગ્યું જેવું કે અલ્લાહ તઆલાથી ડરતા હોય, પરંતુ તેના કરતા પણ વધારે અને કહેવા લાગ્યા, હે અમારા પાલનહાર ! તેં અમારા પર જેહાદ કેમ ફરજિયાત કરી દીધું ? કેમ અમને થોડુંક જીવન વધારે ન આપ્યું ? તમે કહી દો કે દુનિયાનો સોદો ઘણો જ ઓછો છે અને ડરવાવાળાઓ માટે તો આખેરત જ ઉત્તમ છે અને તમારા પર એક દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે.

78

૭૮) તમે જ્યાં પણ હોવ, મૃત્યુ તમને આવી પહોંચશે, ભલેને તમે મજબૂત કિલ્લાઓમાં હોય અને જો તેઓને કોઇ ભલાઇ પહોંચે છે તો કહે છે આ અલ્લાહ તઆલા તરફથી છે અને જો કોઇ બુરાઇ પહોંચે છે તો કહે છે કે આ તારા તરફથી છે, તેઓને કહી દો કે આ બધું જ અલ્લાહ તઆલા તરફથી જ છે, તેઓને શું થઇ ગયું છે કે કોઇ વાત સમજવા માટે તૈયાર નથી.

79

૭૯) તમને જે ભલાઇ પહોંચે છે તે અલ્લાહ તઆલા તરફથી છે અને જે બુરાઇ પહોંચે છે તે તમારા પોતાના તરફથી છે, અમે તમને દરેક લોકો માટે આદેશ પહોંચાડનાર બનાવીને મોકલ્યા છે અને અલ્લાહ તઆલા સાક્ષી માટે પૂરતો છે.

80

૮૦) તે પયગંબરનું જે અનુસરણ કરે તેણે જ અલ્લાહ તઆલાની આજ્ઞાનું પાલન કર્યું અને જે મોઢું ફેરવી લે તો અમે તમને તેમના પર દેખરેખ કરનારા બનાવીને નથી મોકલ્યા.

81

૮૧) આ લોકો (તમારા) અનુસરણની વાતો તો કહે છે પછી જ્યારે તમારી પાસેથી ઉઠીને બહાર જાય છે તો તેઓનું એક જૂથ જે વાત તમે અથવા તેઓએ કહી છે તેના વિરોધમાં રાત્રે સલાહસૂચન કરે છે, તેઓની રાતની વાતચીત અલ્લાહ લખી રહ્યો છે, તો તમે તેઓથી મોઢું ફેરવી લો અને અલ્લાહ પર વિશ્વાસ રાખો, અલ્લાહ તઆલા મિત્રતા માટે પૂરતો છે.

82

૮૨) શું આ લોકો કુરઆનમાં ચિંતન નથી કરતા ? જો આ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઇ તરફથી હોત તો ખરેખર તેમાં ઘણો જ વિવાદ જોતા.

83

૮૩) જ્યારે તેઓને કોઇ ખબર શાંતિ અને ભયની મળી, તેઓ તેનો પ્રચાર કરવાનો શરૂ કરી દે છે, જો કે આ લોકો આ (વાત) ને પયગંબર અને પોતાના માંથી તેવા લોકોને સોંપી દે છે જેઓ વાતના મૂળ સુધી પહોંચી જાય છે, તો તેની વાસ્તવિકતાને જાણી લેતા, જેઓ પરિણામને પારખી લે છે. અને જો અલ્લાહ તઆલાની કૃપા અને તેની કૃપા તમારા પર ન હોત તો થોડાક લોકો સિવાય તમે સૌ શેતાનના અનુયાયી બની જતા.

84

૮૪) તમે અલ્લાહ તઆલાના માર્ગમાં જેહાદ કરતા રહો, તમને ફકત તમારા માટે જ આદેશ આપવામાં આવે છે, હાં ઈમાનવાળાઓને પ્રોત્સાહન આપતા રહો, શક્ય છે કે અલ્લાહ તઆલા ઇન્કાર કરનારાઓના યુદ્ધને રોકી લે અને અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવાળો છે અને યાતના આપવામાં પણ સખત છે.

85

૮૫) જે વ્યક્તિ કોઇ સત્કાર્ય અથવા ભલાઇના કાર્યની ભલામણ કરે તેને પણ તેનો થોડોક ભાગ મળશે અને જે બુરાઇ અને ખરાબ કૃત્યની ભલામણ કરે તેના માટે પણ તેમાંથી એક ભાગ છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

86

૮૬) અને જ્યારે તમને સલામ કરવામાં આવે તો તમે તેના કરતા સારો જવાબ આપો, અથવા તે જ શબ્દોમાં કહી દો, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુનો હિસાબ લેવાવાળો છે.

87

૮૭) અલ્લાહ તે છે, જેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે તમને સૌને ચોક્કસ કયામતના દિવસે ભેગા કરશે, જેના આવવામાં કોઇ શંકા નથી, અલ્લાહ તઆલા સિવાય સાચી વાત કરનાર બીજો કોણ હોઇ શકે.

88

૮૮) તમને શું થઇ ગયું છે કે ઢોંગીઓ વિશે બે જૂથ બની ગયા છો ? તેઓને તેઓના કાર્યોના કારણે ઊંધા કરી નાખવામાં આવ્યા છે, હવે તમે શું એવું ઇચ્છો છો કે અલ્લાહ તઆલાએ પથભ્રષ્ટ કરેલા લોકોને તમે સત્યમાર્ગ પર લાવી દો, જેને અલ્લાહ તઆલા માર્ગથી ભટકાવી દે તમે ક્યારેય તેના માટે કોઇ માર્ગ નહીં પામો.

89

૮૯) તેઓની ઇચ્છા છે કે જેવી રીતે તેઓ ઇન્કાર કરનારા છે તમે પણ તેઓની જેમ ઇન્કાર કરવા લાગો અને પછી બધા સરખા બની જાવ, બસ ! જ્યાં સુધી આ લોકો ઇસ્લામ માટે વતન ન છોડે, તેઓ માંથી કોઇને પણ સાચા મિત્ર ન બનાવો, પછી જો આ લોકો મોઢું ફેરવી લે તો તેઓને પકડો અને કતલ કરી દો જ્યાં પણ તેઓ મળી જાય, ખબરદાર ! તેઓ માંથી કોઇને પણ પોતાનો મિત્ર અને મદદ કરનાર ન સમજી લેશો.

90

૯૦) તે લોકો સિવાય, જે તે જૂથના હોય જેમની સાથે તમારો કરાર થઇ ચૂકયો છે, અથવા જે તમારી પાસે તે પરિસ્થિતિમાં આવે કે તમારી સાથે યુદ્ધ કરવાનો ઇરાદો નથી અને પોતાના લોકો સાથે પણ યુદ્ધ કરવાની ઇચ્છા નથી અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો તેઓને તમારા પર પ્રભુત્વ આપી દેતો અને તેઓ તમારી સાથે ચોક્કસ યુદ્ધ કરતા, બસ ! જો આ લોકો તમારાથી અળગા રહે અને તમારી સાથે યુદ્ધ ન કરે અને તમારી પાસે શાંતિનો સંદેશ મોકલે, તો અલ્લાહ તઆલાએ તમારા માટે તેઓ સાથે લડાઇ બાબતે કોઇ માર્ગ નથી રાખ્યો.

91

૯૧) તમે કેટલાક લોકોને એવા પણ જોશો જેઓની ઇચ્છા છે કે તમારી સાથે પણ શાંતિથી રહે અને પોતાના લોકો સાથે પણ શાંતિથી રહે, (પરંતુ) જ્યારે પણ ફિત્નાની તક મળે તો ઊંધા થઇ તેમાં પડી જાય છે, બસ ! જો આ લોકો તમારાથી અળગા ન રહે અને તમારી સાથે શાંતિની વાત ન કરે અને પોતાના હાથને ન રોકે તો તેઓને પકડો અને મારી નાખો, જ્યાં પણ જુઓ. આ જ તે લોકો છે જેમના પર અમે તમને ખુલ્લો અધિકાર આપ્યો છે.

92

૯૨) કોઇ ઈમાનવાળા માટે બીજા ઈમાનવાળા ભાઇને કતલ કરી નાખવું યોગ્ય નથી પરંતુ જો ભૂલથી થઇ જાય (તે અલગ વાત છે), જે વ્યક્તિ કોઇ મુસલમાનને કારણ વગર કતલ કરી દે તેના પર એક મુસલમાન દાસને મુકત કરવું અને કતલ થયેલ ના સગાઓને (ખૂનના બદલામાં સો ઊંટ બરાબરનું ધન) આપવાનું રહેશે, હાં તે અલગ વાત છે કે તે લોકો સદકો (દાન) સમજી માફ કરી દે અને જો કતલ થયેલ તમારા શત્રુઓ માંથી હોય અને તે મુસલમાન હોય તો ફકત એક ઈમાનવાળા દાસને મુકત કરવો જરૂરી છે અને જો કતલ થયેલ તે જૂથનો હોય કે તમારા અને તેઓની વચ્ચે કરાર થયેલો છે તો ખૂનના બદલામાં ધન જરૂરી છે, જે તેના સગાઓને આપવામાં આવશે અને એક મુસલમાન દાસને મુકત કરવું પણ (જરૂરી છે). બસ ! જેની પાસે (દાસ અથવા ધન) ન હોય તેના પર બે મહીનાના રોઝા રાખવા જરૂરી છે, અલ્લાહ તઆલા પાસે માફી મેળવવા માટે અને અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણનાર અને હિકમતવાળો છે.

93

૯૩) અને જે કોઇ, કોઇ ઈમાનવાળાને ઇરાદાપૂર્વક કતલ કરી દે તેની સજા જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે, તેના પર અલ્લાહ તઆલાનો ગુસ્સો છે, તેના પર અલ્લાહ તઆલાએ લઅનત કરી છે અને તેના માટે મોટી યાતના તૈયાર કરી રાખી છે.

94

૯૪) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે અલ્લાહ ના માર્ગમાં નીકળો તો તપાસ કરી લો અને જે તમને સલામ કરે તમે તેને એવું ન કહી દો કે તું ઈમાનવાળો નથી, તમે દુનિયાના જીવનની શોધમાં હોવ તો અલ્લાહ તઆલા પાસે પુષ્કળ કૃપા છે. પહેલા તમે પણ આવા જ હતા, પછી અલ્લાહ તઆલાએ તમારા પર ઉપકાર કર્યો, જેથી તમે જરૂરથી તપાસ કરી લો, નિ:શંક અલ્લાહ તઆલા તમારા કાર્યોની ખબર રાખનાર છે.

95

૯૫) પોતાના પ્રાણ અને ધન વડે અલ્લાહના માર્ગમાં જેહાદ કરનાર ઈમાનવાળાઓ અને કારણ વગર બેસી રહેનાર ઈમાનવાળાઓ બન્ને સરખા નથી, પોતાના ધન અને પ્રાણ વડે જેહાદ કરનારને બેસી રહેનાર પર અલ્લાહ તઆલાએ દરજ્જામાં ઘણી જ શ્રેષ્ઠતા આપી રાખી છે અને આમ તો અલ્લાહ તઆલાએ દરેકને કૃપા અને સારા વળતરનું વચન આપી રાખ્યું છે, પરંતુ જેહાદ કરનારાઓને બેસી રહેવાવાળા પર ખૂબ જ મોટા વળતરની શ્રેષ્ઠતા આપી રાખી છે.

96

૯૬) પોતાના તરફથી દરજ્જા અને માફીની પણ તથા કૃપા ની પણ અને અલ્લાહ તઆલા માફ કરનાર અને દયાળુ છે.

97

૯૭) જે લોકો પોતાના પર અત્યાચાર કરનારા છે, જ્યારે ફરિશ્તાઓ તેનો પ્રાણ કાઢે છે તો પૂછે છે તમે કેવી સ્થિતિમાં હતા ? આ લોકો જવાબ આપે છે કે અમે અમારી જગ્યાએ અશક્ત અને વિવશ હતા, ફરિશ્તાઓ જવાબ આપે છે શું અલ્લાહ તઆલાની ધરતી વિશાળ ન હતી કે તમે હિજરત કરી જતા ? આ જ તે લોકો છે જેમનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે.

98

૯૮) પરંતુ જે પુરુષ, સ્ત્રીઓ અને બાળકો લાચાર છે, જેમની પાસે ન તો કોઇ કારણ છે અને ન તો કોઇ રસ્તો છે.

99

૯૯) ઘણુંજ શક્ય છે અલ્લાહ તઆલા તેઓને માફ કરી દે, અલ્લાહ તઆલા માફ કરનાર દરગુજર કરનાર છે.

100

૧૦૦) જે કોઇ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે તેઓ ધરતી પર ઘણી જ રહેવાની જગ્યાઓ પામશે અને વિશાળતા પણ અને જે કોઇ પોતાના ઘરેથી અલ્લાહ તઆલા અને તેના પયગંબર તરફ નીકળી ગયો, પછી જો તે મૃત્યુ પામ્યો તો પણ ચોક્કસપણે તેનો સવાબ અલ્લાહ તઆલા પર નક્કી થઇ ગયો અને અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, દયા કરનાર છે.

101

૧૦૧) જ્યારે તમે મુસાફરીમાં હોય તો તમારા પર નમાઝોને કસ્ર ( સંક્ષિપ્ત) કરવામાં કોઈ ગુનો નથી, જો તમને ભય હોય કે ઇન્કાર કરનારાઓ તમને સતાવશે, નિ:શંક ઇન્કાર કરનારાઓ તમારા ખુલ્લા દુશ્મન છે.

102

૧૦૨) જ્યારે તમે તેઓની સાથે હોવ અને તેઓની વચ્ચે નમાઝ પઢવા લાગો તો, તેઓનું એક જૂથ તમારી સાથે પોતાના શસ્ત્રો લઇ ઊભું હોય, પછી જ્યારે આ લોકો સિજદો કરી લે, તો આ લોકો હટીને તમારી પાછળ આવી જાય અને તે બીજું જૂથ જેણે નમાઝ નથી પઢી તેઓ આવી જાય અને તમારી સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને શસ્ત્રો લઇ ઊભા રહે, ઇન્કાર કરનારાઓ ઇચ્છે છે કે કોઇ પણ રીતે તમે પોતાના શસ્ત્રો અને સામાનથી અજાણ થઇ જાવ, તો તેઓ તમારા પર અચાનક ચઢાઇ કરે, હાં પોતાના શસ્ત્રો ઉતારવામાં તે સમયે તમારા પર કોઇ ગુનો નથી જ્યારે કે તમને તકલીફ હોય અથવા વરસાદના અથવા બિમારીના કારણે અને પોતાના રક્ષણ માટેની વસ્તુઓ સાથે રાખો, નિ:શંક અલ્લાહ તઆલાએ ઇન્કાર કરનારાઓ માટે અપમાનિત કરી દેનારી યાતના તૈયાર કરી રાખી છે.

103

૧૦૩) પછી જ્યારે તમે નમાઝ પઢતા રહો, ઊભા-ઊભા, બેઠાં-બેઠાં અને સૂતાં-સૂતાં અલ્લાહ તઆલાના નામનું સ્મરણ કરતા રહો અને જ્યારે શાંતિ મળે ત્યારે નમાઝ પાબંદી સાથે પઢો, નિ:શંક નમાઝ ઈમાનવાળાઓ માટે નક્કી કરેલ સમય પર પઢવી જરૂરી છે.

104

૧૦૪) તે લોકોનો પીછો કરવામાં નબળા ન પડો, જો તમને તકલીફ પહોંચતી હોય તો તેઓને પણ તમારી જેમ જ તકલીફ પહોંચે છે અને તમે અલ્લાહ તઆલાથી તે અપેક્ષા રાખો છો જે અપેક્ષાઓ તેઓને નથી અને અલ્લાહ તઆલા જાણનાર, હિકમતવાળો છે.

105

૧૦૫) નિ:શંક અમે તમારી તરફ સત્ય સાથે પોતાની કિતાબ અવતરિત કરી, જેથી તમે લોકોમાં તે વસ્તુ વિશે ન્યાય કરો, જેના વિશે અલ્લાહ તઆલાએ તમને શિખવાડ્યું છે અને અપ્રમાણિક લોકોના મદદ કરનારા ન બનો.

106

૧૦૬) અને અલ્લાહ તઆલા પાસે માફી માંગો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનાર, કૃપા કરનાર છે.

107

૧૦૭) અને તે લોકો તરફથી ઝઘડો ન કરો જેઓ પોતાના વિશે જ અપ્રમાણિકતા દાખવે છે, નિ:શંક અપ્રમાણિક, પાપીને અલ્લાહ તઆલા પસંદ કરતો નથી.

108

૧૦૮) તે લોકોથી છુપાઇ જાય છે (પરંતુ) અલ્લાહ તઆલાથી છૂપાઇ શકતા નથી, તે રાત્રિના સમયે જ્યારે કે અલ્લાહ ની અનિચ્છનીય વાતો વિશે સલાહસૂચન કરે છે, તે સમયે પણ અલ્લાહ તેઓની સાથે હોય છે, તેઓના દરેક કાર્યોને તેણે ઘેરાવવમાં રાખેલ છે.

109

૧૦૯) હાં તો તમે જ છો તે લોકો, જેમણે દુનિયામાં તેઓની મદદ કરી, પરંતુ અલ્લાહ તઆલા સમક્ષ કયામતના દિવસે તેઓની મદદ કોણ કરશે ? અને તે કોણ છે જે તેઓનો વકીલ બની ઉભો રહેશે ?

110

૧૧૦) જે વ્યક્તિ કોઇ ખરાબ કૃત્ય કરે અથવા પોતાના જીવ પર અત્યાચાર કરે પછી અલ્લાહ તઆલાથી માફી માંગે તો તે અલ્લાહને માફ કરનાર, દયાળુ પામશે.

111

૧૧૧) અને જે ગુનો કરે છે તેનો ભાર તેના પર જ છે અને અલ્લાહ ખૂબ સારી રીતે જાણનાર અને પૂરે-પૂરો હિકમતવાળો છે.

112

૧૧૨) અને જે વ્યક્તિ કોઇ પાપ અથવા ભૂલ કરી કોઇ નિર્દોષના માથે આક્ષેપ મૂકે તો તેણે ખૂબ જ મોટો આરોપ લગાવ્યો અને ખુલ્લું પાપ કર્યુ.

113

૧૧૩) જો અલ્લાહ તઆલાની કૃપા અને દયા તારા પર ન હોત તો તેઓના એક જૂથે તો તમને ભ્રમમાં નાખી દેવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ ખરેખર આ લોકો પોતાને જ પથભ્રષ્ટ કરે છે, આ તમારું કંઈ જ બગાડી શકતા નથી, અલ્લાહ તઆલાએ તમારા પર કિતાબ અને હિકમત અવતરિત કરી અને તમને તે શિખવાડ્યું છે જેને તમે જાણતા ન હતા અને અલ્લાહ તઆલાની તમારા પર ઘણી જ મોટી કૃપા છે.

114

૧૧૪) તેઓના વધારે પડતા ગુપ્ત સૂચનોમાં કોઇ ભલાઇ નથી, હાં ભલાઇ તેઓના સલાહસૂચનોમાં છે જેઓ દાન કરવામાં અથવા સત્કાર્યમાં તથા લોકોમાં મેળાપ કરવાનો આદેશ આપે, અને જે વ્યક્તિ ફકત અલ્લાહ તઆલાની પ્રસન્નતા ઇચ્છતા આ કાર્ય કરે તેને અમે ચોક્કસપણે ખૂબ જ પ્રમાણમાં ફળ આપીશું.

115

૧૧૫) જે વ્યક્તિ સત્યમાર્ગ પામ્યા પછી પણ પયગંબરનો વિરોધ કરે અને દરેક ઈમાનવાળાઓનો માર્ગ છોડીને ચાલે, અમે તેને ત્યાં જ ફેરવી દઇશું જ્યાં તે પોતે ફરે અને જહન્નમમાં નાખી દઇશું, તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.

116

૧૧૬) તેને અલ્લાહ તઆલા ક્યારેય માફ નહીં કરે જેણે તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવ્યો, હાં આ પાપ સિવાય જે પાપ તે ઇચ્છશે, માફ કરી દેશે અને અલ્લાહની સાથે ભાગીદાર ઠેરવનાર ઘણીજ દૂરની પથભ્રષ્ટતામાં જતો રહે છે.

117

૧૧૭) આ લોકો તો અલ્લાહ તઆલાને છોડીને ફકત સ્ત્રીઓને પોકારે છે અને ખરેખર આ લોકો તો વિદ્રોહી શેતાનને પૂજે છે.

118

૧૧૮) જેના પર અલ્લાહએ લઅનત (ફિટકાર) કરી છે અને તેણે ભાર ઉઠાવ્યો છે કે તારા બંદાઓ માંથી નક્કી કરેલ ભાગ લઇને જ રહીશ.

119

૧૧૯) અને તેઓને માર્ગથી ભટકાવતો રહીશ અને ખોટી મનેચ્છાઓ તરફ દોરવતો રહીશ. અને તેઓને શિખવાડીશ કે જાનવરોના કાન ચીરી નાખે અને તેઓને કહીશ કે અલ્લાહ તઆલાએ બનાવેલી રચનામાં ફેરફાર કરી દે, સાંભળો ! જે વ્યક્તિ અલ્લાહને છોડી શેતાનને પોતાનો મિત્ર બનાવશે તેને ખુલ્લુ નુકસાન પહોંચશે.

120

૧૨૦) તે તેઓને ફકત શાબ્દિક વચનો આપતો રહેશે અને હર્યા-ભર્યા બગીચાઓ બતાવશે, (પરંતુ યાદ રાખો) શેતાને જે વચનો તેઓને આપ્યા છે તે ખરેખર છેતરપિંડી છે.

121

૧૨૧) આ તે લોકો છે જેમની જગ્યા જહન્નમ છે, જ્યાંથી તેઓને છૂટકારો નહીં મળે.

122

૧૨૨) અને જે ઈમાન લાવ્યા અને ભલાઇના કાર્યો કરે, અમે તેઓને તે જન્નતોમાં પ્રવેશ આપીશું જેની નીચે ઝરણા વહી રહ્યા છે, જ્યાં તે હંમેશા રહેશે, આ છે અલ્લાહનું વચન, જે ખરેખર સાચું છે. અને કોણ છે જે પોતાની વાતમાં અલ્લાહ તઆલા કરતા વધારે સાચો હોય ?

123

૧૨૩) વાસ્તવિકતા ન તો તમારી મનેચ્છા પ્રમાણે છે અને ન તો તેઓની મનેચ્છા પ્રમાણે કે જેઓને કિતાબ આપવામાં આવી છે, જે બુરાઇ કરશે તેની સજા પામશે અને અલ્લાહ સિવાય કોઇ મદદ કરનાર નહીં પામે.

124

૧૨૪) જે ઈમાનવાળો છે, પુરુષ હોય અથવા સ્ત્રી અને તે સત્કાર્ય કરે, નિ:શંક આવા લોકો જન્નતમાં જશે, અને ખજૂરના ઠળિયાના કાણાં જેટલો પણ તેઓનો અધિકાર છીનવી નહીં આવે.

125

૧૨૫) દીન બાબતે તેનાથી સારો કોણ છે ? જે પોતાને અલ્લાહને સોંપી દે અને સદાચારી હોય, સાથે સાથે એકેશ્વરવાદી ઇબ્રાહીમનું અનુસરણ કરતો હોય અને ઇબ્રાહીમ (અ.સ.)ને અલ્લાહ તઆલાએ પોતાના મિત્ર બનાવી લીધા છે.

126

૧૨૬) આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, બધું અલ્લાહનું જ છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને ઘેરાવમાં લેનાર છે.

127

૧૨૭) તમને સ્ત્રીઓ વિશે આદેશ આપે છે, તમે કહી દો કે અલ્લાહ પોતે તેણીઓ વિશે આદેશ આપી રહ્યો છે અને કુરઆનની તે આયતો, જે તમારી સમક્ષ તે અનાથ બાળકીઓ વિશે પઢવામાં આવે છે જેમને તેણીઓનો નક્કી કરેલ અધિકાર તમે નથી આપતા અને તેણીઓ સાથે લગ્ન કરવાની લાલચ રાખો છો અને અશક્ત બાળકો વિશે અને તે વિશે કે અનાથોનું ભરણ-પોષણ ન્યાયથી કરો, નિ:શંક અલ્લાહ તેને પૂરી રીતે જાણવાવાળો છે.

128

૧૨૮) જો કોઇ સ્ત્રીને પોતાના પતિ વિશે દુર્વ્યવહાર અને લાપરવાહીનો ભય હોય તો બન્ને અંદરોઅંદર જે સુલેહ કરી લે તેમાં કોઇના પર કોઇ ગુનો નથી, સુલેહ ઘણી જ ઉત્તમ વસ્તુ છે, લાલચ દરેક જીવમાં દાખલ કરી દેવામાં આવી છે, જો તમે સદ્વ્યવહાર કરો અને ડરવા લાગો, તો તમે જે કરી રહ્યા છો તેને અલ્લાહ તઆલા પૂરી રીતે જાણવાવાળો છે.

129

૧૨૯) તમારાથી એવું તો ક્યારેય નહીં થઇ શકે કે પોતાની દરેક પત્નીઓમાં દરેક રીતે ન્યાય કરો, ભલેને તમે તે બાબતે કેટલીય ઇચ્છા અને મહેનત કરી લો, એટલા માટે ફકત એક જ તરફ ઝુકાવ રાખી બીજી (પત્ની) ને વચ્ચે લટકાવી ન રાખો અને જો તમે સુધારો કરી લો અને ડરવા લાગો તો નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ માફ કરનાર અને દયા કરનાર છે.

130

૧૩૦) અને જો પતિ-પત્ની અલગ થઇ જાય તો અલ્લાહ તઆલા પોતાની કૃપાથી દરેકને બેનિયાઝ (નિરપેક્ષ) કરી દેશે, અલ્લાહ તઆલા આવરી લેનાર, હિકમતવાળો છે.

131

૧૩૧) ધરતી અને આકાશની દરેકે દરેક વસ્તુ અલ્લાહ તઆલાની જ માલિકી હેઠળ છે અને ખરેખર અમે તે લોકોને, જેમને તમારાથી પહેલાં કિતાબ આપવામાં આવી હતી અને તમને પણ, એજ આદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહથી ડરતા રહો અને જો તમે ઇન્કાર કરશો તો યાદ રાખો કે અલ્લાહ માટે જ છે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે અને અલ્લાહ ઘણો જ બેનિયાઝ અને પ્રશંસાવાળો છે.

132

૧૩૨) અલ્લાહ માટે જ છે આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અને અલ્લાહ પૂરતો વ્યસ્થાપક છે.

133

૧૩૩) જો તે (અલ્લાહ) ઇચ્છે તો હે લોકો ! તે તમને સૌને લઇ જાય અને બીજાને લઇ આવે, અલ્લાહ તઆલા આના પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે.

134

૧૩૪) જે વ્યક્તિ દુનિયાનું ફળ ઇચ્છતો હોય તો (યાદ રાખો કે) અલ્લાહ તઆલાની પાસે તો દુનિયા અને આખેરત (પરલોક) નું ફળ છે અને અલ્લાહ તઆલા ઘણું જ સાંભળનાર અને ખૂબ સારી રીતે જોવાવાળો છે.

135

૧૩૫) હે ઈમાનવાળાઓ ! ન્યાય કરવામાં મજબૂતાઈ સાથે અડગ રહેનાર અને અલ્લાહની પ્રસન્નતા માટે સાચી સાક્ષી આપનારા બની જાઓ, ભલેને તે તમારા પોતાની વિરૂદ્ધ હોય અથવા પોતાના માતા-પિતા અથવા સગાંસંબંધીઓના વિરૂદ્ધ હોય, તે વ્યક્તિ જો ધનવાન હોય તો અને ગરીબ હોય તો બન્નેની સાથે અલ્લાહને વધારે સંબંધ છે, એટલા માટે તમે મનેચ્છાઓની પાછળ પડી ન્યાય કરવાનું ન છોડી દો અને જો તમે ખોટી સાક્ષી આપો અને અળગા રહ્યા તો જાણી લો કે જે કંઈ પણ તમે કરશો અલ્લાહ તઆલા તે વિશે પૂરી રીતે જાણનાર છે.

136

૧૩૬) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલા પર, તેના પયગંબર પર અને તે કિતાબ પર જે તેણે પોતાના પયગંબર પર અવતરિત કરી છે અને તે કિતાબો પર જે આ પહેલા તેણે અવતરિત કરી છે, ઈમાન લાવો. જે વ્યક્તિ અલ્લાહ તઆલા, તેના ફરિશ્તાઓ, તેની કિતાબો, તેના પયગંબરો, અને કયામતના દિવસનો ઇન્કાર કરે તે તો ઘણી જ દૂરની પથભ્રષ્ટતામાં પડી ગયો.

137

૧૩૭) જે લોકોએ ઈમાન કબૂલ કરી પછી ઇન્કાર કર્યો ફરી ઈમાન લાવી પાછો ઇન્કાર કર્યો ફરી પોતાના ઇન્કારમાં વધી ગયા, અલ્લાહ તઆલા ખરેખર તેઓને માફ નહીં કરે અને ન તો તેઓને સત્યમાર્ગ બતાવશે.

138

૧૩૮) ઢોંગીઓને તે આદેશ પહોંચાડી દો કે તેઓ માટે દુ:ખદાયી યાતના ચોક્કસપણે છે.

139

૧૩૯) જે લોકો મુસલમાનોને છોડીને ઇન્કાર કરનારાઓને મિત્ર બનાવે છે, શું તેઓ પાસે ઇજજત શોધવા જાય છે ? (તો યાદ રાખો કે) ઇજજત તો પૂરેપૂરી અલ્લાહ તઆલાના હાથમાં છે.

140

૧૪૦) અને અલ્લાહ તઆલા તમારી પાસે પોતાની કિતાબમાં આ આદેશ આપી ચૂકયો છે કે તમે જ્યારે કોઇ સભાવાળાઓને અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા અને ઠઠ્ઠા-મશ્કરી કરતા સાંભળો તો તે સભામાં તેઓની સાથે ન બેસો, ત્યાં સુધી કે તે લોકો આ સિવાય બીજી વાત ન કરવા લાગે, (નહીં તો) તમે પણ તે સમયે તેઓ જેવા જ છો, નિ:શંક અલ્લાહ તઆલા દરેક ઇન્કાર કરનારાઓને અને ઢોંગીઓને જહન્નમમાં ભેગા કરવાવાળો છે.

141

૧૪૧) આ લોકો તમારા (ખોટા પરિણામની) રાહ જુએ છે, પછી જો તમને અલ્લાહ વિજય આપે તો આ લોકો કહે છે કે શું અમે તમારા મિત્ર ન હતા ? અને જો ઇન્કાર કરનારાઓને થોડીક પણ જીત મળી જાય તો (તેમને) કહે છે કે અમે તમારા પર વિજય નહતા મેળવી શકતા અને શું અમે તમને મુસલમાનોના હાથોથી બચાવ્યા ન હતા ? બસ ! કયામતના દિવસે અલ્લાહ તઆલા પોતે તમારી વચ્ચે ન્યાય કરશે અને અલ્લાહ તઆલા ઇન્કાર કરનારાઓને ઈમાનવાળાઓ પર ક્યારેય કોઇ માર્ગ નહીં આપે.

142

૧૪૨) નિ:શંક ઢોંગીઓ અલ્લાહ સાથે યુક્તિઓ કરી રહ્યા છે અને તે (અલ્લાહ) તેઓને તેમની યુક્તિઓનો બદલો આપશે અને જ્યારે નમાઝ પઢવા માટે ઊભા થાય છે તો ઘણી જ સુસ્તી સાથે ઊભા થાય છે, ફકત લોકોને દેખાડો કરે છે અને અલ્લાહના નામનું સ્મરણ તો બસ થોડુંક જ કરે છે.

143

૧૪૩) તે (ઈમાન અને ઇન્કાર) ની વચ્ચેની સ્થિતિમાં છે, ન પૂરા તેઓની (ઇન્કાર કરનારાઓ) તરફ, ન સાચી રીતે તેમની (ઈમાનવાળાઓ) તરફ, અને જેને અલ્લાહ તઆલા પથભ્રષ્ટ કરી દે તો તમે તેના માટે કોઇ માર્ગ નહીં પામો.

144

૧૪૪) હે ઈમાનવાળાઓ ! ઈમાનવાળાઓને છોડી ઇન્કાર કરનારાઓને મિત્ર ન બનાવો, શું તમે એવું ઇચ્છો છો કે પોતાના પર અલ્લાહ તઆલાનો ખુલ્લો પૂરાવો તમારી વિરૂદ્ધ આપી દો ?

145

૧૪૫) નિ:શંક, ઢોંગીઓ તો જહન્નમના સૌથી નીચલા ભાગમાં જશે, અશક્ય છે કે તમે તેમનો કોઇ મદદ કરનાર જુઓ.

146

૧૪૬) હાં, જે લોકો તૌબા કરી લે અને સુધારો કરી લે અને અલ્લાહ તઆલા પર પૂરો ભરોસો રાખે અને નિખાલસતાથી અલ્લાહ માટે દીનદાર બની જાય તો આ લોકો ઈમાનવાળાઓની સાથે છે, અલ્લાહ તઆલા ઈમાનવાળાઓને ઘણું જ મોટું ફળ આપશે.

147

૧૪૭) અલ્લાહ તઆલા તમને સજા આપીને શું કરશે ? જો તમે આભાર વ્યકત કરતા રહો અને ઈમાનવાળા બનીને રહો, અલ્લાહ તઆલા ઘણી જ કદર કરનાર અને પૂરું જ્ઞાન રાખનાર છે.

148

૧૪૮) બૂરાઈની સાથે અવાજ ઊંચો કરવાને અલ્લાહ તઆલા પસંદ નથી કરતો, પરંતુ પીડિતને છૂટ છે અને અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે સાંભળનાર, જાણનાર છે.

149

૧૪૯) જો તમે કોઇ સત્કાર્યને જાહેરમાં કરો અથવા છૂપી રીતે અથવા કોઇ બૂરાઈથી અળગા રહો, બસ ! ખરેખર અલ્લાહ તઆલા પૂરેપૂરો માફ કરનાર અને શક્તિ ધરાવનાર છે.

150

૧૫૦) જે લોકો અલ્લાહનો અને તેના પયગંબરોનો ઇન્કાર કરે છે અને જે લોકો એવું ઇચ્છે છે કે અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે ભેદભાવ રાખે અને જે લોકો કહે છે કે કેટલાક પયગંબરો પર અમારું ઈમાન છે અને કેટલાક પર (ઈમાન) નથી અને ઇચ્છે છે કે (જે પયગંબર પર ઈમાન ધરાવે છે અને જે પયગંબર પર ઈમાન નથી ધરાવતા) બન્નેની વચ્ચે કોઇ માર્ગ કાઢે.

151

૧૫૧) નિ:શંક આ સૌ ખરેખર ઇન્કાર કરનારા છે અને ઇન્કાર કરનારાઓ માટે અમે અપમાનિત કરી દેનારી યાતના તૈયાર કરી રાખી છે.

152

૧૫૨) અને જે લોકો અલ્લાહ પર અને તેના દરેક પયગંબરો પર ઈમાન લાવે છે અને તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા, આ જ લોકો છે જેને અલ્લાહ પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ ઘણો જ માફ કરનાર, દરગુજર કરનાર છે.

153

૧૫૩) તમારી સમક્ષ આ કિતાબવાળાઓ શરત મૂકે છે કે તમે તેઓની પાસે કોઇ આસ્માની કિતાબ લાવો, મૂસા (અ.સ.) સમક્ષ તેઓએ આના કરતા પણ મોટી શરત મૂકી હતી, કે અમને ખુલ્લી રીતે અલ્લાહ તઆલા બતાવ, બસ ! તેઓના આ અત્યાચારના કારણે તેઓ પર કડાકા સાથે વિજળી ત્રાટકી, તેઓની પાસે ઘણા પુરાવા પહોંચી ગયા છતાં, તેઓએ વાછરડાને પોતાનો પૂજ્ય બનાવી લીધો, પરંતુ અમે આ પણ માફ કરી દીધું, અમે મૂસા (અ.સ.) ને સંપૂર્ણ વિજયી આપ્યો.

154

૧૫૪) અને તેઓની વાત પૂરી કરવા માટે અમે તેમની ઉપર તૂર પહાડ લાવી દીધો, અને તેઓને આદેશ આપ્યો કે સિજદો કરતા કરતા દરવાજામાં દાખલ થાઓ અને આ પણ આદેશ આપ્યો હતો કે શનિવારના દિવસ વિશે અતિરેક ન કરશો અને અમે તેઓ પાસેથી સખત વચનો લીધા.

155

૧૫૫) (આ યાતના હતી) વચનભંગના કારણે અને અલ્લાહના આદેશનો ઇન્કાર કરવાના કારણે અને અલ્લાહના પયગંબરોને કારણ વગર કતલ કરવાના કારણે અને તે કારણે પણ કે તેઓ એવું કહે છે કે અમારા હૃદયો પર પરદો પડયો છે, જો કે તેઓના ઇન્કાર કરવાના કારણે તેઓના હૃદયો પર અલ્લાહ તઆલાએ મહોર લગાવી દીધી છે, એટલા માટે આમાંથી ઓછા લોકો ઈમાન લાવે છે,

156

૧૫૬) અને તેઓના ઇન્કાર કરવાના કારણે અને મરયમ પર તહોમત બાંધવાના કારણે.

157

૧૫૭) અને એવું કહેવાના કારણે કે અમે અલ્લાહના પયગંબર મસીહ ઈસા બિન મરયમને કતલ કરી દીધા, જો કે ન તો તેઓએ તેમને કતલ કર્યા, ન ફાંસીએ ચઢાવ્યા, પરંતુ તેમના માટે તેમના જેવો જ (એક વ્યક્તિ) બનાવી દીધો, જાણી લો કે ઈસા અ.સ.નો વિરોધ કરવાવાળા તેમના વિશે શંકામાં છે, તેઓને તેમના વિશે કંઈ જ ખબર નથી ફકત કાલ્પનિક વાતોમાં છે, આ સત્ય છે કે તેમને કતલ કરવામાં નથી આવ્યા.

158

૧૫૮) પરંતુ અલ્લાહ તઆલાએ તેમને પોતાની તરફ ઉઠાવી લીધાં, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતોવાળો છે.

159

૧૫૯) કિતાબવાળાઓ માંથી એક પણ એવો નહીં રહે જે ઈસા (અ.સ.) ના મૃત્યુ પહેલા તેઓ પર ઈમાન નહીં લાવ્યો હોય અને કયામતના દિવસે તમે તેઓ પર સાક્ષી બનશો.

160

૧૬૦) જે કિંમતી વસ્તુઓ તેઓ માટે હલાલ કરવામાં આવી હતી તે વસ્તુઓ અમે તેઓ માટે હરામ કરી દીધી તેઓના અત્યાચારના કારણે અને અલ્લાહ તઆલાના માર્ગથી ઘણા લોકોને રોકવાના કારણે.

161

૧૬૧) અને વ્યાજ, જેનાથી રોકવામાં આવ્યા હતા તે લેવાના કારણે અને લોકોનું ધન હડપ કરવાના કારણે અને તેઓમાં જે ઇન્કાર કરનારાઓ છે અમે તેઓના માટે દુ:ખદાયક યાતના તૈયાર કરી રાખી છે.

162

૧૬૨) પરંતુ તેઓ માંથી જે સંપૂર્ણ અને મજબૂત જ્ઞાનવાળાઓ છે અને ઈમાનવાળાઓ છે, જે તેના પર ઈમાન લાવે છે, જે તમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને જે તમારાથી પહેલા અવતરિત કરવામાં આવ્યું અને નમાઝ કાયમ કરનારા અને ઝકાત આપનારા અને અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન લાવવાવાળા, આ લોકો છે, જેમને અમે ખૂબ જ મોટું ફળ આપીશું.

163

૧૬૩) નિ:શંક અમે તમારી તરફ એવી જ રીતે વહી કરી છે કે જેવી રીતે કે નૂહ (અ.સ.) અને તેઓ પછી આવનારા પયગંબરો તરફ કરી અને અમે વહી ઉતારી, ઇબ્રાહીમ (અ.સ.), ઇસ્માઇલ (અ.સ.), ઇસ્હાક (અ.સ.), યાકૂબ (અ.સ.) અને તેઓના સંતાન પર અને ઈસા (અ.સ.), અય્યુબ (અ.સ.), યૂનુસ (અ.સ.), હારૂન (અ.સ.) અને સુલૈમાન (અ.સ.) તરફ અને અમે દાઉદ (અ.સ.) ને “ઝબૂર” આપી.

164

૧૬૪) અને તમારા પહેલાના ઘણા જ પયગંબરોના કિસ્સાઓ અમે તમારી સમક્ષ વર્ણન કરી દીધા છે અને ઘણા જ પયગંબરોનું વર્ણન નથી પણ કર્યુ અને મૂસા (અ.સ.) સાથે અલ્લાહ તઆલાએ સ્પષ્ટ રીતે વાત કરી.

165

૧૬૫) અમે તેમને પયગંબર બનાવ્યા છે, ખુશખબર આપનારા અને સચેત કરનારા, જેથી લોકો માટે કોઇ પુરાવો અને આરોપ પયગંબરોને અવતરિત કર્યા પછી અલ્લાહ તઆલા પર રહી ન જાય, અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે.

166

૧૬૬) જે કંઈ તમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે તે વિશે અલ્લાહ તઆલા પોતે સાક્ષી આપે છે કે તેને પોતાના જ્ઞાન વડે અવતરિત કર્યુ અને ફરિશ્તાઓ પણ સાક્ષી આપે છે અને અલ્લાહ તઆલા સાક્ષી માટે પૂરતો છે.

167

૧૬૭) જે લોકોએ ઇન્કાર કર્યો અને અલ્લાહ તઆલાના માર્ગથી બીજાને રોકયા તે ખરેખર પથભ્રષ્ટતામાં દૂર જઇ પડયા.

168

૧૬૮) જે લોકોએ ઇન્કાર કર્યો અને અત્યાચાર કર્યો તેઓને અલ્લાહ તઆલા ક્યારેય માફ નહીં કરે અને ન તો તેઓને કોઇ માર્ગ બતાવશે.

169

૧૬૯) જહન્નમના માર્ગ સિવાય, જેમાં તેઓ હંમેશા પડ્યા રહેશે અને આ અલ્લાહ તઆલા માટે ખૂબ જ સરળ છે.

170

૧૭૦) હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી સત્યવાત લઇને પયગંબર આવી પહોંચ્યા છે, બસ ! તમે ઈમાન લાવો, જેથી તમારા માટે સારું થાય અને જો તમે ઇન્કાર કરનારા બની ગયા તો અલ્લાહની જ છે તે દરેક વસ્તુ જે આકાશો અને ધરતીમાં છે અને અલ્લાહ તઆલા જ્ઞાનવાળો, હિકમતવાળો છે.

171

૧૭૧) હે કિતાબવાળાઓ ! પોતાના દીન વિશે હદ વટાવી જનાર ન બનો અને અલ્લાહ તઆલા માટે સત્યવાત સિવાય બીજું કંઈ ન કહો, મસીહ ઈસા બિન મરયમ (અ.સ.) તો ફકત અલ્લાહ તઆલાના પયગંબર અને તેનો કલ્મો (અલ્લાહનું આવું કહેવું થઇ જા) છે. જેને મરયમ તરફ નાંખી દીધો હતો અને તેની પાસેની રૂહ છે, એટલા માટે તમે અલ્લાહને અને તેના સૌ પયગંબરોને માનો અને ન કહો કે અલ્લાહ ત્રણ છે, આવું કહેવાથી અટકી જાવ, આ જ તમારા માટે ઉત્તમ છે, અલ્લાહ બંદગીને લાયક તો ફકત એક જ છે અને તે આ વસ્તુથી પવિત્ર છે કે તેની સંતાન હોય, તેના જ માટે છે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે અને અલ્લાહ કાર્યોની વ્યવસ્થા માટે પૂરતો છે.

172

૧૭૨) મસીહ (અ.સ.) ને અલ્લાહના બંદા હોવામાં કોઇ શરમ ક્યારેય થઇ શકતી નથી અને ન તો નિકટના ફરિશ્તાઓને, તેની બંદગીથી જે પણ શરમ અનુભવશે અને ઘમંડ અને ઇન્કાર કરે, અલ્લાહ તઆલા તેઓ સૌને પોતાની તરફ ભેગા કરશે.

173

૧૭૩) બસ ! જે લોકો ઈમાન લાવ્યા છે અને સત્કાર્ય કરે છે તેઓને તેઓનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને પોતાની કૃપાથી તેઓને વધુ આપશે અને જે લોકોએ શરમ અને ઘમંડ કર્યો અને ઇન્કાર કર્યું તેઓને સખત યાતના આપશે અને તે પોતાના માટે અલ્લાહ સિવાય કોઇ મિત્ર અને મદદ કરનાર નહીં પામે.

174

૧૭૪) હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી પુરાવા આવી પહોંચ્યા અને અમે તમારી તરફ સ્પષ્ટ અને સ્વચ્છ પ્રકાશ અવતરિત કરી દીધો છે.

175

૧૭૫) બસ ! જે લોકો અલ્લાહ તઆલા પર ઈમાન લાવ્યા અને તેના પર અડગ રહ્યા તેઓને તો તે (અલ્લાહ) નજીક માંજ પોતાની કૃપા અને દયામાં લઇ લેશે અને તેઓને પોતાની તરફનો માર્ગ બતાવી દેશે.

176

૧૭૬) તમારી પાસે ફતવો (ધર્માદેશ) પૂછે છે, તમે કહી દો કે અલ્લાહ તઆલા (પોતે) તમને "કલાલહ" વિશે ફતવો આપે છે, જો કોઇ વ્યક્તિ મૃત્યુ પામે જેના સંતાન ન હોય અને એક બહેન હોય તો તેના માટે છોડેલા ધન માંથી અડધો ભાગ છે અને તે ભાઇ તે બહેનનો વારસદાર બનશે, જેને સંતાન ન હોય, બસ ! જો બહેનો બે હોય તો તેઓને કુલ છોડેલા ધન માંથી 3 બેતૃત્યાંશ મળશે અને જો કોઇ વ્યક્તિ તે સંબંધના હોય પુરુષ અને સ્ત્રીઓ પણ તો પુરુષ માટે બે સ્ત્રીઓ બરાબર ભાગ છે, અલ્લાહ તઆલા તમારા માટે વર્ણન કરી રહ્યો છે આવું ન થાય કે તમે પથભ્રષ્ટ બની જાવ અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને જાણે છે.