ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) હા-મિમ્

2

૨) આ કિતાબ વિજયી, હિકમતવાળા અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવી છે.

3

૩) આકાશો અને ધરતીમાં ઈમાનવાળાઓ માટે ખરેખર ઘણી નિશાનીઓ છે.

4

૪) અને તમારા સર્જનમાં પણ અને તે ઢોરોના સર્જનમાં, જેમને તે ફેલાવે છે, યકીન કરનારી કોમ માટે ઘણી નિશાનીઓ છે.

5

૫) અને રાત, દિવસના ફેર-બદલી અને જે કંઈ રોજી અલ્લાહ તઆલાએ આકાશ માંથી ઉતારી, નિષ્પ્રાણ ધરતીને જીવિત કરી દે છે, (આમાં) અને હવાઓના ફેરબદલીમાં પણ તે લોકો માટે, જેઓ બુદ્ધિ ધરાવે છે, ઘણી નિશાનીઓ છે.

6

૬) આ અલ્લાહની આયતો છે, જેને અમે સાચી રીતે સંભળાવીએ છીએ, બસ ! અલ્લાહ તઆલા અને તેની આયતો આવ્યા પછી, આ લોકો કેવી વાત પર ઈમાન લાવશે ?

7

૭) “વૈલ” અને અફસોસ છે, તે દરેક જૂઠ્ઠા અપરાધી માટે.

8

૮) જે વ્યક્તિ અલ્લાહની આયતોને સાંભળે, તો પણ ઘમંડ કરતા એવી રીતે અડગ રહે, જેવું કે સાંભળી જ નથી, આવા લોકોને દુ:ખદાયી યાતનાની જાણ આપી દો.

9

૯) તે જ્યારે અમારી આયતો માંથી કોઇ આયતને સાંભળી લે છે, તો તેની મશ્કરી કરે છે, આવા લોકો માટે જ અપમાનિત કરી દેનારી યાતના છે.

10

૧૦) તેમની પાછળ જહન્નમ છે, જે કંઈ તે લોકોએ પ્રાપ્ત કર્યું હતું, તે બધું તેઓને કંઈ પણ ફાયદો નહીં પહોંચાડે અને ન તો તેઓ (કંઈ કામ આવશે), જે લોકોને તેમણે અલ્લાહ સિવાય વ્યસ્થાપક બનાવ્યા હતા, તેમના માટે તો ખૂબ જ મોટી યાતના છે.

11

૧૧) આ સત્ય માર્ગ છે અને જે લોકોએ પોતાના પાલનહારની આયતોનો ઈન્કાર કર્યો, તેમના માટે સખત દુ:ખદાયી યાતના છે.

12

૧૨) અલ્લાહ તે જ છે, જેણે તમારા માટે સમુદ્રને તમારા વશમાં કરી દીધા, જેથી તેના આદેશથી તેમાં જહાજો ચાલે અને તમે તેની કૃપાને શોધો અને જેથી તમે આભાર વ્યક્ત કરો.

13

૧૩) અને આકાશ તથા ધરતીની દરેક વસ્તુને પણ તેણે પોતાના તરફથી તમારા વશમાં કરી દીધી, જે વિચારે, તે આમાં ઘણી નિશાનીઓ જોશે.

14

૧૪) તમે ઈમાનવાળાઓને કહી દો કે તે, તે લોકોને દરગુજર કરી દે, જેઓ અલ્લાહના દિવસો પર યકીન નથી ધરાવતા, જેથી અલ્લાહ તઆલા એક કોમને તેમના કર્મોનો બદલો આપે.

15

૧૫)જે સત્કાર્ય કરશે, તે પોતાના માટે અને જે દુષ્કર્મ કરશે તેની ખરાબી તેના પર જ છે, પછી તમે સૌ પોતાના પાલનહાર તરફ પાછા ફેરવવામાં આવશો.

16

૧૬) નિ:શંક અમે ઇસ્રાઇલના સંતાનને કિતાબ, સામ્રાજ્ય અને પયગંબરી આપી હતી અને અમે તે લોકોને પવિત્ર રોજી આપી હતી અને તેમને દુનિયાના લોકો પર પ્રભુત્વ આપ્યું હતું.

17

૧૭) અને અમે તે લોકોને દીનના સ્પષ્ટ પુરાવા આપ્યા હતા, પછી તેમની પાસે જ્ઞાન આવી ગયા છતાં, અંદરોઅંદરની હઠના કારણે વિવાદ ઊભો કર્યો, આ લોકો જે વસ્તુઓ બાબતે વિવાદ કરી રહ્યા છે, તેનો નિર્ણય કયામતના દિવસે તેમની વચ્ચે તમારો પાલનહાર કરશે.

18

૧૮) પછી અમે તમને દીનના માર્ગે અડગ કરી દીધા, તો તમે તેના પર જ અડગ રહો અને મૂર્ખ લોકોની મનેચ્છાઓનું અનુસરણ ન કરશો.

19

૧૯) (યાદ રાખો) કે આ લોકો ક્યારેય અલ્લાહની વિરુદ્ધ તમારા કંઈ કામ નથી આવી શકતા, અત્યાચારી લોકો એકબીજાના મિત્ર હોય છે અને ડરવાવાળાઓનો મિત્ર અલ્લાહ તઆલા છે.

20

૨૦) આ (કુરઆન) લોકો માટે બુદ્ધિમત્તાની વાતો અને સત્ય માર્ગદર્શન અને કૃપા છે, તે કોમ માટે જેઓ યકીન રાખે છે.

21

૨૧) શું તે લોકો, જેઓ દુષ્કર્મ કરે છે, એવું વિચારે છે કે અમે તેમને એવા લોકો માંથી કરી દઇશું, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્ય કર્યા, કે તેમનું મૃત્યુ પામવું અને જીવિત રહેવું સરખું બની જાય. ખરાબ છે તે નિર્ણય, જે તેઓ કરી રહ્યા છે.

22

૨૨) અને આકાશો તથા ધરતીનું સર્જન અલ્લાહ તઆલાએ ખૂબ જ ન્યાય પૂર્વક કર્યું છે, જેથી દરેક વ્યક્તિને તેણે કરેલ કાર્યોનો સંપૂર્ણ બદલો આપવામાં આવે અને તેમના પર અત્યાચાર કરવામાં ન આવે.

23

૨૩) શું તમે તેને પણ જોયો, જેણે પોતાની મનેચ્છાઓને પોતાનો પૂજ્ય બનાવી રાખ્યો છે અને બુદ્ધિ હોવા છતાં અલ્લાહએ તેને પથભ્રષ્ટ કરી દીધો અને તેના કાન અને દિલ પર મહોર લગાવી દીધી છે અને તેની આંખો પર પણ પરદો નાંખી દીધો છે, હવે આવા વ્યક્તિને અલ્લાહ સિવાય કોણ સત્ય માર્ગદર્શન આપી શકે છે?

24

૨૪) શું હજું પણ તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા ? તે લોકોએ કહ્યું કે અમારું જીવન તો ફક્ત દુનિયાનું જીવન જ છે, અમે મૃત્યુ પામીએ છીએ અને જીવન પસાર કરીએ છીએ અને અમને ફક્ત કાળચક્ર જ નષ્ટ કરે છે, (ખરેખર) તે લોકો આના વિશે કંઈ પણ જાણતા નથી, આ તો ફક્ત કાલ્પનિક વાતો છે.

25

૨૫) અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ અને પ્રકાશિત આયતો પઢવામાં આવે છે, તો તેમની પાસે આ વાત કરવા સિવાય બીજી કોઇ વાત નથી હોતી કે જો તમે સાચા હોય તો અમારા પૂર્વજોને લાવો.

26

૨૬) તમે કહી દો ! અલ્લાહ જ તમને જીવિત કરે છે અને પછી મૃત્યુ આપશે, પછી તમને કયામતના દિવસે ભેગા કરશે, જેમાં કોઇ શંકા નથી, પરંતુ ઘણા લોકો સમજતા નથી.

27

૨૭) અને આકાશો તથા ધરતીનું સામ્રાજ્ય અલ્લાહનું જ છે અને જે દિવસેકયામત આવશે, તે દિવસે ખોટા લોકો ઘણું નુકસાન ઉઠાવશે.

28

૨૮) અને તમે જોશો કે દરેક કોમ ઘૂંટણે પડેલી હશે, દરેક જૂથને પોતાની કર્મનોંધ તરફ બોલાવવામાં આવશે, આજે તમને તમારા કર્મોનો બદલો આપવામાં આવશે.

29

૨૯) આ છે અમારી કિતાબ, જે તમારા વિશે સાચું કહે છે, અમે તમારા કાર્યોની નોંધ કરતા હતા.

30

૩૦) બસ ! જે લોકો ઈમાન લાવ્યા અને તેમણે સત્કાર્યો કર્યા, તો તેમને તેમનો પાલનહાર પોતાની કૃપા હેઠળ લઇ લઇશે, આ જ ભવ્ય સફળતા છે.

31

૩૧) પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો, તો (હું તેમને કહીશ) શું મારી આયતો તમને સંભળાવવામાં નહતી આવતી ? તો પણ તમે ઘમંડ કરતા રહ્યા અને તમે અપરાધીઓ જ હતા.

32

૩૨) અને જ્યારે કહેવામાં આવતું કે અલ્લાહ તઆલાનું વચન ખરેખર સાચું છે અને કયામત આવવામાં કોઈ શંકા નથી, તો તમે જવાબ આપતા હતા કે અમે નથી જાણતા કે કયામત શું છે ? અમને આમ જ વિચાર આવી જાય છે, પરંતુ અમને યકીન નથી.

33

૩૩) અને તેમના પર તેમના કાર્યોની ખરાબી સ્પષ્ટ થઇ ગઇ અને જેની મશ્કરી તેઓ કરી રહ્યા હતા, તે વસ્તુએ તે લોકોને ઘેરાવમાં લઇ લીધા.

34

૩૪) અને કહી દેવામાં આવ્યું કે આજે અમે તમને ભૂલી જઇશું, જેવી રીતે તમે આ દિવસની મુલાકાતને ભૂલી ગયા હતા, તમારું ઠેકાણું જહન્નમ છે અને તમારી મદદ કરનાર કોઇ નથી.

35

૩૫) આ એટલા માટે કે તમે અલ્લાહ તઆલાની આયતોની મશ્કરી કરી હતી અને દુનિયાના જીવને તમને ધોકામાં નાંખી દીધા હતા, બસ ! આજના દિવસે ન તો આ લોકોને (જહન્નમ) માંથી કાઢવામાં આવશે અને ન તેમનું કારણ યોગ્ય ગણાશે.

36

૩૬) બસ ! અલ્લાહ માટે પ્રશંસા છે, જે આકાશો અને ધરતી તથા સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.

37

૩૭) દરેક પ્રતિષ્ઠા, આકાશો અને ધરતીમાં તેની જ છે અને તે જ વિજયી અને હિકમતવાળો છે.