ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) હે પયગંબર ! અલ્લાહ તઆલાથી ડરતા રહેજો અને ઇન્કાર કરનારાઓ તથા ઢોંગીઓની વાતોમાં ન આવી જજો. અલ્લાહ તઆલા ખૂબ જ જ્ઞાની અને હિકમતવાળો છે.

2

૨) જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી વહી કરવામાં આવે છે, તેનું અનુસરણ કરો, નિ:શંક અલ્લાહ તમારા દરેક કાર્યોને જાણે છે.

3

૩) તમે અલ્લાહ પર જ ભરોસો કરો, તે વ્યવસ્થા કરવા માટે પૂરતો છે.

4

૪) કોઇ માનવીના હૃદયમાં અલ્લાહએ બે હૃદય નથી મૂક્યા અને પોતાની જે પત્નીઓને તમે “મા” કહી છે, તેણીઓને અલ્લાહએ તમારી માતાઓ નથી બનાવી અને ન તમારા માટે દત્તક બાળકોને તમારા પુત્રો બનાવ્યા, આ તો તમારી પોતાની વાતો છે, અલ્લાહ તઆલા સત્ય વાત કહે છે અને તે સત્ય માર્ગ બતાવે છે.

5

૫) દત્તક બાળકોને તેમના (સાચા) પિતાના નામથી પોકારો, અલ્લાહના નજીક ખરી વાત આ જ છે, પછી જો તમને તેમના પિતા વિશે જાણ ન હોય, તો તેઓ તમારા ધાર્મિકભાઇ અને મિત્રો છે, તમારાથી ભૂલથી જે કંઈ થઇ જાય, તેના પર તમારા માટે કંઈ ગુનો નથી, હાં ! પાપ તે છે જેનો ઇરાદો તમે દિલથી કરો. અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે.

6

૬) પયગંબર, ઈમાનવાળાઓ કરતા વધારે અધિકાર ધરાવે છે અને પયગંબરની પત્નીઓ ઈમાનવાળાઓની માતા છે અને અલ્લાહની કિતાબ પ્રમાણે કુટુંબીજનો, વધારે અધિકાર રાખે છે, બીજા ઈમાનવાળા અને હિજરત કરનાર લોકો કરતા, પરંતુ એ કે તમે પોતાના મિત્રો સાથે સદવર્તન કરવા ઇચ્છો, આ આદેશ કિતાબમાં લખેલ છે.

7

૭) જ્યારે અમે દરેક પયગંબરો પાસેથી વચન લીધું અને તમારી પાસે નૂહ, ઇબ્રાહીમ, મૂસા, અને મરયમના દીકરા ઈસા પાસેથી અમે મજબૂત વચન લીધું.

8

૮) જેથી અલ્લાહ તઆલા સાચા લોકોને તેમની સત્યતા અંગે પૂછતાછ કરે અને ઇન્કાર કરનારાઓ માટે અમે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે.

9

૯) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાએ જે ઉપકાર તમારા પર કર્યો, તેને યાદ કરો, જ્યારે તમારી સાથે યુદ્ધ કરવા માટે લશ્કરોના લશ્કર આવ્યા, પછી અમે તેમના પર સખત વાવાઝોડું અને એવા લશ્કરો મોકલ્યા, જેમને તમે જોયા જ નથી અને જે કંઈ તમે કરો છો અલ્લાહ બધું જ જુએ છે.

10

૧૦) જ્યારે (શત્રુ)એ તમારી પર ઉપર અને નીચેથી ચઢાઇ કરી અને જ્યારે આંખો પથરાઇ ગઇ અને કાળજાં મોઢામાં આવી ગયા અને તમે અલ્લાહ તઆલા વિશે અનુમાન કરવા લાગ્યા.

11

૧૧) અહીંયા જ ઈમાનવાળાઓની કસોટી કરવામાં આવી અને સંપૂર્ણ રીતે હચમચાવી નાંખવામાં આવ્યા.

12

૧૨) અને તે સમયે ઢોંગીઓ અને તે લોકો, જેમના હૃદયોમાં રોગ હતો, કહેવા લાગ્યા, અલ્લાહ તઆલા અને પયગંબરે અમારી સાથે ફક્ત ધોકાનું જ વચન કર્યું હતું.

13

૧૩) તેમના જ એક જૂથે વાત ફેલાવી કે, હે મદીનાવાળાઓ ! તમારા માટે ઠેકાણું નથી, પાછા ફરી જાવ અને તેમના એકબીજા જૂથે એવું કહી પયગંબર પાસે પરવાનગી માંગી કે અમારા ઘર સુરક્ષિત નથી, જો કે તેમના ઘર સુરક્ષિત હતા, (પરંતુ) તેમનો ઇરાદો ભાગી જવાનો હતો.

14

૧૪) અને જો મદીનાની આજુબાજુથી તેમના પર (લશ્કર) ચઢાઇ કરતા, પછી તેમને વિદ્રોહ કરવા માટે બોલાવવામાં આવતા તો આ લોકો જરૂર વિદ્રોહ કરતા અને થોડોક સમય જ લડાઇ કરતા.

15

૧૫) આ પહેલા તે લોકોએ અલ્લાહને વચન આપ્યું હતું કે તેઓ પીઠ નહીં ફેરવે અને અલ્લાહ તઆલા સાથે કરેલા વચનની પૂછતાછ જરૂર થશે.

16

૧૬) કહી દો કે ભલેને તમે મૃત્યુથી અથવા કતલ થવાના ભયથી ભાગો, તો આ ભાગી જવું તમારા માટે કંઈ કામ નહીં આવે અને તે સમયે તમે થોડોક જ ફાયદો મેળવશો.

17

૧૭) પૂછો, કે જો અલ્લાહ તઆલા તમને કોઇ તકલીફ આપવા ઇચ્છે, અથવા તમારા પર કોઇ કૃપા કરવા ઇચ્છે તો કોણ છે જે તમને બચાવી શકે ? પોતાના માટે અલ્લાહ સિવાય કોઇ મદદ કરનાર અથવા મિત્ર નહીં જુઓ.

18

૧૮) અલ્લાહ તઆલા તમારા માંથી તેમને (સારી રીતે) જાણે છે, જેઓ બીજાને રોકે છે અને પોતાના મિત્રોને કહે છે કે અમારી પાસે આવી જાવ અને ક્યારેક લડાઇ કરવા માટે આવી જાય છે.

19

૧૯) તમારી મદદ કરવા માટે કંજુસાઇ કરે છે, પછી જ્યારે ભય અને ડરની સ્થિતિ આવી પહોંચે, તો તમે તેમને જોશો કે તેઓ તમારી તરફ જુએ છે અને તેમની આંખો એવી રીતે ફરે છે જેવું કે તે વ્યક્તિની, જેના પર મૃત્યુનો ભય છવાયેલો હોય, પછી જ્યારે ભય હઠી જાય છે તો તમારા માટે પોતાની સખત જબાનોથી વાતો બનાવે છે, માલના ઘણા જ લાલચી છે, આ લોકો ઈમાન લાવ્યા જ નથી, અલ્લાહ તઆલાએ તેમના દરેક કાર્યો વ્યર્થ કરી દીધા છે અને અલ્લાહ તઆલા માટે આ ઘણું જ સરળ છે.

20

૨૦) સમજે છે કે હજુ સુધી લશ્કરો જતા નથી રહ્યા અને લશ્કર આવી જાય તો આશા કરે છે કે કદાચ ! તેઓ રેગીસ્તાનમાં ગ્રામીણ લોકો સાથે રહેતા હોત, જેથી તમારી ખબરો પૂછતા હોત, જો તેઓ તમારામાં હાજર હોત તો પણ થોડુંક જ લડતા.

21

૨૧) નિ:શંક તમારા માટે પયગંબર શ્રેષ્ઠ આદર્શ છે, તે દરેક વ્યક્તિ માટે, જેઓ અલ્લાહ તઆલા અને કયામતના દિવસ પર ઈમાન ધરાવે છે અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કરે છે.

22

૨૨) અને ઈમાનવાળાઓએ જ્યારે લશ્કરોને જોયા, (તરત જ) કહેવા લાગ્યા કે તેમને આનું જ વચન અલ્લાહ તઆલાએ અને તેના પયગંબરે કર્યું હતું અને અલ્લાહ અને પયગંબરે સાચું કહ્યું અને આ સ્થિતિએ તેમના ઈમાન અને અનુસરણમાં વધારો કરી દીધો.

23

૨૩) ઈમાનવાળાઓમાં એવા લોકો પણ છે, જેમણે અલ્લાહ સાથે જે વચન કર્યું હતું, તેને સાચું કરી બતાવ્યું, કેટલાકે પોતાનું વચન પૂરું કરી દીધું અને કેટલાક રાહ જોઇ રહ્યા છે અને તે લોકોએ કોઇ ફેરફાર નથી કર્યો.

24

૨૪) જેથી અલ્લાહ તઆલા સાચા લોકોને તેમની સત્યતાનો બદલો આપે અને જો ઇચ્છે તો ઢોંગીઓને સજા આપે અથવા તેમની તૌબા કબૂલ કરે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, અત્યંત દયાળુ છે.

25

૨૫) અને અલ્લાહ તઆલાએ ઇન્કાર કરનારાઓને ગુસ્સા સાથે પાછા મોકલી દીધા, તે લોકોને કંઈ ફાયદો ન પહોંચ્યો અને તે યુદ્ધમાં અલ્લાહ તઆલા પોતે જ ઈમાનવાળાઓ માટે પૂરતો થઇ ગયો, અલ્લાહ તઆલા ઘણો જ શક્તિશાળી અને વિજયી છે.

26

૨૬) અને જે કિતાબવાળાઓએ તેમની સાથે મિત્રતા કરી લીધી, તેમને (પણ) અલ્લાહએ તેમના કિલ્લાઓ માંથી કાઢી મૂક્યા અને તેમના હૃદયોમાં ભય નાંખી દીધો કે તમે તેમના એક જૂથને કતલ કરી રહ્યા છો અને એક જૂથને કેદી બનાવી રહ્યા છો.

27

૨૭) અને તેણે તમને તેમની જમીનોના અને તેમના ઘરના અને તેમના ધનના વારસદાર બનાવી દીધા અને તે ધરતીના પણ, જેને તમારા પગે કચડી ન હતી, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

28

૨૮) હે નબી ! પોતાની પત્નીઓને કહી દો કે જો તમે દુનિયાના જીવન અને દુનિયાનો શણગાર ઇચ્છતી હોય તો આવો, હું તમને કંઈ આપી દઉં અને તમને સારી રીતે છોડી દઉં.

29

૨૯) અને જો તમે અલ્લાહ અને તેનો પયગંબર અને આખેરતનું ઘર ઇચ્છતી હોય, તો તમારા માંથી સત્કાર્યો કરનાર માટે અલ્લાહએ જબરદસ્ત વળતર રાખ્યું છે.

30

૩૦) હે પયગંબરની પત્નીઓ ! તમારા માંથી જે પણ ખુલ્લું અશ્લીલ કૃત્ય કરશે, તેને બમણી સજા આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ખૂબ જ સરળ છે.

31

૩૧) અને તમારા માંથી જે પણ અલ્લાહ અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે અને સત્કાર્યો કરશે, અમે તેને વળતર (પણ) બમણું આપીશું અને તેમના માટે અમે શ્રેષ્ઠ રોજી તૈયાર કરી રાખી છે.

32

૩૨) હે પયગંબરની પત્નીઓ ! તમે સામાન્ય સ્ત્રીઓ જેવી નથી, જો તમે ડરવા લાગો તો, નમ્રતાથી વાત ન કરો કે જેના હૃદયમાં રોગ હોય, તે ખોટું વિચારે અને હાં, સામાન્ય રીતે વાત કરો.

33

૩૩) પોતાના ઘરોમાં જ રહો અને જાહિલીયત ના સમય જેવો (પયગંબરી પહેલાનો સમય) શણગાર ન કરો અને નમાઝ પઢતી રહો અને ઝકાત આપતી રહો અને અલ્લાહ અને તેના પયગંબરનું અનુસરણ કરો, અલ્લાહ તઆલા ઇચ્છે છે કે હે પયગંબરની પત્નીઓ ! તમારાથી ગંદકી દૂર કરી દે અને તમને ઘણી જ પવિત્ર બનાવી દે.

34

૩૪) અને તમારા ઘરોમાં અલ્લાહની જે આયતો અને પયગંબરની જે હદીષો (વાતો) પઢવામાં આવે છે, તેનું સ્મરણ કરતા રહો, ખરેખર અલ્લાહ તઆલા સૂક્ષ્મ દૃષ્ટિવાળો, જાણનાર છે.

35

૩૫) નિ:શંક મુસલમાન પુરુષ અને સ્ત્રીઓ, ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓ, આજ્ઞાનું પાલન કરનારા પુરુષ અને સ્ત્રીઓ, સત્ય વાત કરનારા પુરુષ અને સ્ત્રીઓ, ધીરજ રાખનાર પુરુષ અને સ્ત્રીઓ, આજીજી કરનારા પુરુષ અને સ્ત્રીઓ, દાન કરનારા પુરુષ અને સ્ત્રીઓ, રોઝો રાખનારા પુરુષ અને સ્ત્રીઓ, પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરનાર પુરુષ અને સ્ત્રીઓ અને અલ્લાહના નામનું વધારે સ્મરણ કરનારા પુરુષ અને સ્ત્રીઓ, આ (બધા) માટે અલ્લાહ તઆલાએ માફી અને ખૂબ જ મોટું વળતર તૈયાર કરી રાખ્યું છે.

36

૩૬) અને કોઇ ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીને અલ્લાહ અને તેના પયગંબરના નિર્ણય પછી પોતાના કોઇ કાર્યનો અધિકાર રહેતો નથી, (યાદ રાખો) અલ્લાહ અને તેના પયગંબરની જે પણ અવજ્ઞા કરશે, તે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે.

37

૩૭) (યાદ કરો) જ્યારે તમે તે વ્યક્તિને કહી રહ્યા હતા, જેના પર અલ્લાહએ પણ કૃપા કરી અને તમે પણ, કે તું પોતાની પત્નીને પોતાની પાસે જ રાખ અને અલ્લાહ થી ડર અને તમે પોતાના હૃદયમાં તે વાત છૂપી રાખી હતી જેને અલ્લાહ જાહેર કરવાનો હતો, અને તમારા હૃદયમાં લોકોનો ભય હતો, જો કે અલ્લાહ તઆલા તેનો વધારે અધિકાર ધરાવે છે કે તમે તેનાથી ડરો, બસ ! જ્યારે ઝૈદે તે સ્ત્રી સાથે છૂટાછેડા લઇ લીધા, પછી અમે તે સ્ત્રીનું લગ્ન તમારી સાથે કરાવી દીધું, જેથી મુસલમાનો માટે પોતાના દત્તક લીધેલ બાળકોની પત્નીઓ વિશે કોઇ પ્રકારની શંકા ન રહે, જ્યારે તેમની સાથે છૂટાછેડા લઇ લે. અલ્લાહનો આ આદેશ પૂરો થઇને જ રહેવાવાળો હતો.

38

૩૮) જે વસ્તુઓ અલ્લાહ તઆલાએ પયગંબર માટે નક્કી કરી છે, તેમાં પયગંબરને કોઇ વાંધો નથી, અલ્લાહનો નિયમ પહેલાના લોકો માટે પણ હતો અને અલ્લાહ તઆલાના કાર્યો હિકમત પ્રમાણે નક્કી છે.

39

૩૯) આ સૌ એવા હતા કે અલ્લાહના આદેશો પહોંચાડતા હતા અને અલ્લાહથી જ ડરતા હતા અને અલ્લાહ સિવાય કોઇનાથી ડરતા ન હતા અને અલ્લાહ તઆલા હિસાબ લેવા માટે પૂરતો છે.

40

૪૦) (હે લોકો !) કોઇ પુરુષના પિતા મુહમ્મદ નથી, પરંતુ મુહમ્મદ સ.અ.વ. ફક્ત અલ્લાહના પયગંબર છે, અને દરેક પયગંબરમાંના છેલ્લા છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને જાણે છે.

41

૪૧) મુસલમાનો ! અલ્લાહના નામનું સ્મરણ વધારે કરતા રહો.

42

૪૨) અને સવાર-સાંજ તેની પવિત્રતાનું વર્ણન કરો.

43

૪૩) તે જ છે, જે તમારા પર પોતાની કૃપા મોકલે છે અને તેના ફરિશ્તાઓ (તમારા માટે દયાની દુઆ કરે છે) જેથી તે તમને અંધકાર (માર્ગથી) કાઢી પ્રકાશિત (માર્ગ) તરફ લઇ જાય અને અલ્લાહ તઆલા ઈમાનવાળાઓ માટે ખૂબ જ દયાળુ છે.

44

૪૪) જે દિવસે આ લોકો (અલ્લાહ સાથે) મુલાકાત કરશે તેમની ભેટ “સલામ” હશે, તેમના માટે અલ્લાહ તઆલાએ પવિત્ર વળતર તૈયાર કરી રાખ્યું છે.

45

૪૫) હે પયગંબર ! ખરેખર અમે જ તમને સાક્ષી આપનાર, ખુશખબર આપનાર, સચેત કરનાર, બનાવી મોકલ્યા છે.

46

૪૬) અને અલ્લાહના આદેશથી, તેની તરફ બોલાવવાવાળો પ્રકાશિત દીવો.

47

૪૭) તમે ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો, કે તેમના માટે અલ્લાહ તરફથી ખૂબ જ મોટી કૃપા છે.

48

૪૮) ઇન્કાર કરનારાઓ તથા ઢોંગીઓની વાત ન માનશો અને જે તકલીફ (તેમની તરફથી પહોંચે) તેનો વિચાર પણ ન કરશો, અલ્લાહ પર ભરોસો કરતા રહો અને અલ્લાહ તઆલા કાર્યની વ્યવસ્થા કરવા માટે પૂરતો છે.

49

૪૯) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે ઈમાનવાળી સ્ત્રીઓ સાથે લગ્ન કરો, પછી જો હાથ લગાવતા પહેલા જ તલાક આપી દો, તો તેણીઓ માટે કોઇ ઇદ્દતનો સમયગાળો નથી, જેની તમે ગણતરી કરો, બસ ! તમે કંઈક તેણીઓને આપી દો અને સારી રીતે છોડી દો.

50

૫૦) હે પયગંબર ! અમે તમારા માટે તમારી તે પત્નીઓ હલાલ કરી દીધી છે, જેણીઓને તમે તેમની મહેર આપી ચૂક્યા છો અને તે દાસી પણ, જે અલ્લાહ તઆલાએ તમને ગનીમતના માલમાં આપી અને તમારા કાકાઓની દીકરીઓ, ફોઇઓની દીકરીઓ, મામાઓની દીકરીઓ, માસીઓની દીકરીઓ પણ, જેણીઓએ તમારી સાથે હિજરત કરી છે અને તે ઈમાનવાળી સ્ત્રીઓ, જે પોતાને પયગંબરને સોંપી દે, આ ત્યારે-જ્યારે પયગંબર પોતે પણ તેણી સાથે લગ્ન કરવા ઇચ્છે, આ ફક્ત તમારા માટે જ છે અને ઈમાનવાળાઓ માટે નહીં, અમે તેને ખૂબ સારી રીતે જાણીએ છીએ, જે અમે તેમના માટે તેમની પત્નીઓ અને દાસીઓ વિશે (આદેશ) નક્કી કરી રાખ્યા છે, આ એટલા માટે કે તમારા માટે વાંધો ન આવે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે.

51

૫૧) તેમના માંથી જેને તમે ઇચ્છો દૂર રાખો અને જેને ઇચ્છો પોતાની પાસે રાખો અને જો તમે તેમના માંથી કોઇને પણ પોતાની પાસે બોલાવો, જેમને તમે જુદા કરી રાખ્યા હતા, તો તમારા પર કોઇ ગુનો નથી, આમાં તે વાત શક્ય છે કે તે સ્ત્રીઓની આંખો ઠંડી રહે અને તેઓ નિરાશ ન થાય અને જે કંઈ પણ તમે આપો તેના પર સૌ રાજી રહે, તમારા હૃદયોમાં જે કંઈ પણ છે તેને અલ્લાહ જાણે છે. અલ્લાહ ઘણો જ જ્ઞાની અને ધૈર્યવાન છે.

52

૫૨) આ પછી તમારા માટે બીજી સ્ત્રીઓ હલાલ નથી અને ન તો આ (યોગ્ય) છે, કે તેમના બદલામાં બીજી સ્ત્રીઓ સાથે (લગ્ન કરો), ભલેને તેમના ચહેરા સુંદર લાગતા હોય, સિવાય તે, જે તમારી માલિકી હેઠળ હોય. અને અલ્લાહ તઆલા દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.

53

૫૩) હે ઈમાનવાળાઓ ! જ્યાં સુધી તમને પરવાનગી આપવામાં ન આવે, તમે પયગંબરના ઘરમાં ન જાઓ, ખાવાના એવા સમયે કે જ્યારે જમવાનું તૈયાર થતું હોય, પરંતુ જ્યારે બોલાવવામાં આવે ત્યારે જાઓ અને જ્યારે ખાઇ લો, તો નીકળી જાઓ, ત્યાં જ વાતોમાં વ્યસ્ત ન થઇ જાઓ, પયગંબરને તમારી આ વાતોથી તકલીફ થાય છે, તે (પયગંબર) તો તમારું માન રાખે છે અને અલ્લાહ તઆલા સત્યતામાં કોઇનું માન રાખતો નથી, જ્યારે તમે પયગંબરની પત્નીઓ પાસે કોઇ વસ્તુ માંગો તો પરદાની પાછળથી માંગો, તમારા અને તેમના હૃદયો માટે સંપૂર્ણ પવિત્રતા આ જ છે. તમારા માટે યોગ્ય નથી કે તમે અલ્લાહના પયગંબરને તકલીફ પહોંચાડો અને ન તમારા માટે એ હલાલ છે કે પયગંબર પછી કોઇ પણ સમયે પયગંબરની પત્નીઓ સાથે લગ્ન કરો, અલ્લાહની નજીક આ ઘણો જ મોટો (અપરાધ) છે.

54

૫૪) તમે કોઇ વસ્તુને જાહેર કરો અથવા છૂપી રાખો, અલ્લાહ તો દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે.

55

૫૫) તે સ્ત્રીઓ માટે કોઇ ગુનો નથી કે તેઓ પોતાના પિતા, પુત્રો, ભાઇઓ, ભત્રીજાઓ, ભાણિયાઓ અને પોતાની (બહેનપણીની) સ્ત્રીઓ અને પોતાની માલિકી હેઠળની (દાસીઓ) સામે હોય, અલ્લાહથી ડરો, ખરેખર અલ્લાહ દરેક વસ્તુ માટે સાક્ષી છે.

56

૫૬) અલ્લાહ તઆલા અને તેના ફરિશ્તાઓ તે પયગંબર ઉપર રહમત મોકલે છે, હે ઈમાનવાળાઓ ! તમે (પણ) તેમના ઉપર દરૂદ મોકલો અને ખૂબ સલામ મોકલતા રહો.

57

૫૭) જે લોકો અલ્લાહ અને તેના પયગંબરને તકલીફ આપે છે, તેમના પર દુનિયા અને આખેરતમાં અલ્લાહની ફિટકાર છે અને તેમના માટે અત્યંત અપમાનિત કરી દેનારી યાતના છે.

58

૫૮) અને જે લોકો ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓને કોઇ કારણ વગર તકલીફ આપે, તેઓ ખુલ્લો આરોપ અને ખુલ્લા ગુનાનો બોજ પોતાના પર ઉઠાવી રહ્યા છે.

59

૫૯) હે પયગંબર ! પોતાની પત્નીઓને, પોતાની દીકરીઓને અને મુસલમાન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના પર પોતાની ચાદર લટકાવી રાખે, તેનાથી તરત જ તેણીઓની ઓળખ થઇ જશે, પછી તેણીઓને સતાવવામાં નહીં આવે અને અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે.

60

૬૦) જો (હજુ પણ) આ ઢોંગીઓ અને તે લોકો, જેમના હૃદયોમાં રોગ છે અને તે લોકો જેઓ મદીનામાં ખોટી અફવાઓ ફેલાવનારા છે, છેટા ન રહ્યા, અમે તમને તે લોકો પર પ્રભાવિત કરી દઇશું, પછી તે લોકો થોડાંક દિવસ જ તમારી સાથે આ (શહેર)માં રહી શકશે.

61

૬૧) તેમના પર ફિટકાર નાંખી દેવામાં આવી, જ્યાં પણ મળશે પકડી લેવામાં આવશે અને તેમના ટુકડે ટુકડા કરી દેવામાં આવશે.

62

૬૨) તેમના પહેલાના લોકો માટે પણ આ જ નિર્ણય નક્કી હતો અને તમે અલ્લાહના નિર્ણયમાં ફેરફાર ક્યારેય નહીં જુઓ.

63

૬૩) લોકો તમને કયામત વિશે સવાલ કરે છે, તેમને કહી દો કે તેનું જ્ઞાન તો ફક્ત અલ્લાહ પાસે છે, તમને શું ખબર શક્ય છે કે કયામત નજીક માંજ હોય.

64

૬૪) અલ્લાહ તઆલાએ ઇન્કાર કરનારાઓ પર ફિટકાર કરી, અને તેમના માટે ભડકેલી આગ તૈયાર કરી રાખી છે.

65

૬૫) જેમાં તેઓ હંમેશા રહેશે, ન તો તેમનો કોઇ મિત્ર હશે અને ન તેમની મદદ કરવામાં આવશે.

66

૬૬) તે દિવસે તેમના ચહેરા આગમાં ઊંધા કરી દેવામાં આવશે, (અફસોસથી) કહેશે કે કદાચ ! અમે અલ્લાહ તઆલા અને પયગંબરનું અનુસરણ કરતા.

67

૬૭) અને કહેશે કે હે અમારા પાલનહાર ! અમે અમારા સરદારો અને મોટા લોકોની વાત માની, જેમણે અમને સત્ય માર્ગથી ભટકાવી દીધા.

68

૬૮) પાલનહાર તું તે લોકોને બમણી સજા આપ અને તેમના પર ઘણી જ મોટી ફિટકાર નાંખી દે.

69

૬૯) હે ઈમાનવાળાઓ ! તે લોકો જેવા ન બની જાઓ, જે લોકોએ મૂસાને તકલીફ આપી, બસ ! જે વાત તે લોકોએ કહી હતી તેનાથી અલ્લાહએ તેમને પવિત્ર કરી દીધા અને તે અલ્લાહની નજીક ઇજજતવાળા હતા.

70

૭૦) હે ઈમાનવાળાઓ ! અલ્લાહથી ડરો અને સીધી (સાચી) વાત કરો.

71

૭૧) જેથી અલ્લાહ તઆલા તમારા કાર્યો સરળ બનાવી દે અને તમારા પાપોને માફ કરી દે અને જે પણ અલ્લાહ અને તેના પયગંબરનું અનુસરણ કરશે તે ભવ્ય સફળતા મેળવશે.

72

૭૨) અમે પોતાની અમાનતને આકાશો, ધરતી અને પર્વતોને સોંપી, પરંતુ સૌએ તેને ઉઠાવવા માટે ઇન્કાર કરી દીધો, તેનાથી ડરી ગયા, (પરંતુ) માનવીએ તેને ઉઠાવી લીધી, તે ઘણો જ અત્યાચારી, અજાણ છે.

73

૭૩) (આ એટલા માટે) કે અલ્લાહ તઆલા ઢોંગી પુરુષ-સ્ત્રીઓ અને મુશરીક પુરુષો-સ્ત્રીઓને સજા આપે અને ઈમાનવાળા પુરુષ અને સ્ત્રીઓની તૌબા કબૂલ કરે અને અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, દયાળુ છે.