ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) અલિફ-લામ્-રૉ. આ ઊચ્ચ દરજ્જાવાળી કિતાબ અમે તમારી તરફ અવતરિત કરી છે જેથી તમે લોકોને અંધકાર માંથી પ્રકાશ તરફ લાવો, તેમના પાલનહારના આદેશથી, જબરદસ્ત અને પ્રશંસાવાળા અલ્લાહ તરફ.

2

૨) જે કંઈ પણ આકાશો અને ધરતી માં છે તે બધું જ અલ્લાહનું છે અને ઇન્કાર કરનારાઓ માટે સખત યાતનાની ચેતના છે.

3

૩) જે આખેરતની સરખામણીમાં દુનિયાના જીવનને પસંદ કરે છે અને અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે અને તેમાં ટીકા કરવાનું શોધે છે, આ જ લોકો છેલ્લી કક્ષાના પથભ્રષ્ટ છે.

4

૪) અમે દરેક પયગંબરને તેમની માતૃભાષામાં જ મોકલ્યા છે, જેથી તેઓની સમક્ષ સ્પષ્ટ રીતે વર્ણન કરી શકે, હવે અલ્લાહ જેને ઇચ્છે તેને પથભ્રષ્ટ કરી દે અને જેને ઇચ્છે સત્યમાર્ગ બતાવી દે, તે વિજયી અને હિકમતવાળો છે.

5

૫) (યાદ રાખો જ્યારે કે) અમે મૂસા (અ.સ.)ને પોતાના પુરાવા લઇ મોકલ્યા અને કહ્યું કે તું પોતાની કોમને અંધકાર માંથી પ્રકાશ તરફ બોલાવ અને તેમને અલ્લાહના ઉપકારો યાદ કરાવ, તેમાં નિશાનીઓ છે, દરેક ધીરજ રાખનાર અને આભાર વ્યકત કરનાર માટે.

6

૬) જે સમયે મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું કે, અલ્લાહના તે ઉપકારો યાદ કરો જે તેણે તમારા પર કર્યા છે જ્યારે તેણે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને ઘણી તકલીફ આપતા હતા, તમારા બાળકોને કતલ કરી દેતા અને તમારી બાળકીઓને જીવિત છોડી દેતા, તેમાં તમારા પાલનહાર તરફથી તમારા પર ઘણી કઠિન કસોટી હતી.

7

૭) અને જ્યારે તમારા પાલનહારે તમને જણાવી દીધું કે જો તમે આભાર વ્યકત કરશો તો ખરેખર હું તમને વધુ આપીશ અને જો તમે કૃતઘ્ની થશો તો ખરેખર મારી યાતના ઘણી જ સખત છે.

8

૮) મૂસા (અ.સ.)એ કહ્યું કે, જો તમે સૌ અને ધરતીના દરેક લોકો અલ્લાહના કૃતઘ્ની બને તો પણ અલ્લાહ બેનિયાઝ (નિરપેક્ષ) અને પ્રશંસાવાળો છે.

9

૯) શું તમારી પાસે તમારા પહેલાના લોકોની ખબર નથી આવી ? એટલે કે નૂહ(અ.સ.) ની કોમની અને આદ અને ષમૂદની અને તેમના પછી આવનારાઓની, જેમને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતુ, તેમની પાસે તેમના પયગંબર ચમત્કાર લઇને આવ્યા, પરંતુ તેમણે પોતાના હાથ પોતાના મોઢામાં દબાવી દીધા અને સ્પષ્ટ કહી દીધું કે જે કંઈ તમને લઇ મોકલવામાં આવ્યા છે અમે તેનો ઇન્કાર કરીએ છેએ અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવી રહ્યા છો અમને તો તેમાં ઘણી મોટી શંકા છે.

10

૧૦) તેમના પયગંબરોએ તેમને કહ્યું કે, શું અલ્લાહ વિશે તમને શંકા છે ? જે આકાશો અને ધરતીને બનાવનાર છે, તે તો તમને એટલા માટે બોલાવી રહ્યો છે કે તે તમારા બધા ગુના માફ કરી દે અને એક નક્કી કરેલ સમય સુધી તમને મહેતલ આપે. તેમણે કહ્યું કે, તમે તો અમારી જેમ જ માનવી છો, તમે એવું ઇચ્છો છો કે અમને તે પૂજ્યોથી રોકી દો જેમની બંદગી અમારા પૂર્વજો કરતા હતાં, સારું તો અમારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લાવો.

11

૧૧) તેમના પયગંબરોએ તેમને કહ્યું કે આ તો સાચું છે કે અમે તમારી જેમ જ માનવી છે, પરંતુ અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેના પર ઇચ્છે છે, પોતાની કૃપા કરે છે. અલ્લાહના આદેશ વગર અમારી શક્તિ નથી કે અમે કોઈ ચમત્કાર તમારી સામે લાવી બતાવીએ અને ઇમાનવાળાઓએ ફક્ત અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.

12

૧૨) છેવટે શું કારણ છે કે અમે અલ્લાહ તઆલા પર ભરોસો ન કરીએ, જ્યારે કે તેણે જ અમને સત્ય માર્ગ બતાવ્યો છે, અલ્લાહના સોગંદ, જે તકલીફ તમે અમને આપશો, અમે તેના પર ધીરજ રાખીશું, ભરોસો કરનારાઓએ અલ્લાહ પર જ ભરોસો કરવો જોઇએ.

13

૧૩) ઇન્કાર કરનારાઓએ પોતાના પયગંબરોને કહ્યું કે, અમે તમને શહેર માંથી કાઢી મૂકીશું, અથવા તમે ફરીથી અમારા ધર્મનો સ્વીકાર કરી લો, તો તેમના પાલનહારે તેમની તરફ વહી અવતરિત કરી કે અમે તે અત્યાઅચારીઓને જ નષ્ટ કરી દઇશું.

14

૧૪) અને તેમના પછી અમે પોતે તમને આ ધરતી પર વસાવીશું, આ છે તેમના માટે, જે મારી સામે ઊભા રહેવાનો ડર રાખે. અને મારી ચેતવણીથી ડરતો રહે.

15

૧૫) અને તેમણે ફેંસલો માગ્યો અને દરેક વિદ્રોહી, પથભ્રષ્ટ લોકો નિરાશ થઇ ગયા.

16

૧૬) તેની સામે જહન્નમ છે જ્યાં તેમને પરૂનું પાણી પીવડાવવામાં આવશે.

17

૧૭) જેને મુશ્કેલીથી ઘુંટડો ઘુંટડો પીશે, તો પણ એને ગળે ઉતારી નહીં શકે અને તેને દરેક બાજુથી મૃત્યુ દેખાશે, પરંતુ તે મૃત્યુ નહીં પામે, ત્યાર પછી પણ સખત યાતના હશે.

18

૧૮) તે લોકોનું ઉદાહરણ જેમણે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, તેમના કર્મો તે રાખ જેવા છે જેના પર ભયંકર વાવાઝોડું આવે, જે કંઈ પણ તેમણે કર્યુ તેમાંથી કોઈ વસ્તુંનો અધિકાર નહીં ધરાવે, આ જ દૂરની પથભ્રષ્ટતા છે.

19

૧૯) શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતીને ઉત્તમ વ્યવસ્થા સાથે બનાવ્યા, જો તે ઇચ્છે તો તમને બધાને નષ્ટ કરી દે અને નવું સર્જન લાવી દે.

20

૨૦) અલ્લાહ માટે આ કાર્ય સહેજ પણ અશક્ય નથી.

21

૨૧) સૌ અલ્લાહની સમક્ષ ઊભા રહેશે, તે સમયે અશક્ત લોકો અહંકારીઓને કહેશે, કે અમે તો તમારું અનુસરણ કરનારા હતા તો શું તમે અલ્લાહની યાતના માંથી થોડીક યાતના દૂર કરી શકો છો ? તેઓ જવાબ આપશે કે જો અલ્લાહ અમને સત્યમાર્ગ બતાવતો, તો અમે પણ ખરેખર તમારું માર્ગદર્શન કરતા, હવે તો અમારા પર અફસોસ કરો અથવા ધૈર્ય રાખો, બન્ને સરખું છે, આપણા માટે કોઈ છૂટકારો નથી.

22

૨૨) જ્યારે બીજા કર્મોનો ફેંસલો કરી દેવામાં આવશે તો શેતાન કહેશે કે અલ્લાહએ તો તમને સાચું વચન આપ્યું હતું અને મેં, તમારી જે વચન આપ્યા હતાં તેનું વચનભંગ કર્યું, મારું તમારા પર કોઈ દબાણ હતું જ નહીં, હાં મે તમને પોકાર્યા અને તમે મારી વાતોને માની લીધી, તમે મારા પર આરોપ ન લગાવો, પરંતુ પોતે પોતાને જ દોષી માની લો, ન હું તમારી ફરિયાદ સાંભળી શકું છું અને ન તો તમે મારી, હું તો માનતો જ નથી કે તમે મને આ પહેલા અલ્લાહનો ભાગીદાર ઠેરાવતા રહ્યા, ખરેખર અત્યાચારીઓ માટે દુ:ખદાયી યાતના છે.

23

૨૩) જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમને તે જન્નતોમાં પ્રવેશ આપવામાં આવશે જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે પોતાના પાલનહાર ના આદેશથી, જ્યાં તેમનું સ્વાગત “સલામ” સાથે કરવામાં આવશે.

24

૨૪) શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલાએ પવિત્ર વાતનું ઉદાહરણ કેવી રીતે વર્ણન કર્યું, એક પવિત્ર વૃક્ષ વડે જેના મૂળ મજબૂત છે અને જેની ડાળીઓ આકાશમાં છે.

25

૨૫) જે પોતાના પાલનહારના આદેશથી દરેક સમયે પોતાનું ફળ ઉપજાવે છે અને અલ્લાહ તઆલા લોકોની સામે ઉદાહરણનું વર્ણન કરે છે જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.

26

૨૬) અને અપવિત્ર વાતનું ઉદાહરણ ખરાબ વૃક્ષ જેવું છે, જે ધરતી માંથી ઉપરથી જ ઉખાડી દેવામાં આવ્યું હોય, તેને કંઈ મજબૂતાઇ નથી.

27

૨૭) ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા સાચી વાત સાથે જકડી રાખે છે, દુનિયાના જીવનમાં પણ અને આખેરતમાં પણ, હાં અન્યાય કરનારા લોકોને અલ્લાહ પથભ્રષ્ટ કરી દે છે અને અલ્લાહ જે ઇચ્છે છે, કરી દે છે.

28

૨૮) શું તમે તેમની તરફ ન જોયું, જેઓ અલ્લાહની નેઅમતના બદલામાં કૃતઘ્ન થયા અને પોતાની કોમને વિનાશક ઘરમાં ઉતારી દીધા.

29

૨૯) એટલે કે જહન્નમમાં-જેમાં આ સૌ જશે, જે ઘણું જ ખરાબ ઠેકાણું છે.

30

૩૦) તેમણે અલ્લાહના ભાગીદાર બનાવી લીધા કે લોકોને અલ્લાહના માર્ગથી હટાવી દે, તમે કહી દો કે ભલે મજા કરી લો, તમારું છેલ્લું ઠેકાણું તો જહન્નમ જ છે.

31

૩૧) મારા ઇમાનવાળા બંદાઓને કહી દો કે, નમાઝ કાયમ કરે છે અને જે કંઈ પણ અમે તેઓને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક પણ છુપી રીતે અથવા જાહેરમાં દાન કરતા રહે, એ પહેલા કે તે દિવસ આવી પહોંચે જેમાં ન તો લે-વેચ થશે, ન મિત્રતા અને ન મોહબ્બત.

32

૩૨) અલ્લાહ તે છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને આકાશો માંથી વરસાદ વરસાવી તેના દ્વારા તમારી રોજી માટે ફળ ઉપજાવ્યા છે અને હોડીઓને તમારા વશમાં કરી દીધી છે, જે સમુદ્રોમાં તેના આદેશથી ચાલે છે, તેણે જ નદીઓ અને નહેરો તમારી હેઠળ કરી દીધી છે.

33

૩૩) તેણે જ તમારા માટે સૂર્ય અને ચંદ્રને કામે લગાડેલા છે, કે અવિરત ચાલી રહ્યા છે. તથા રાત અને દિવસને પણ તમારા કામમાં લગાડેલ છે.

34

૩૪) તેણે જ તમારી ઇચ્છા પ્રમાણેની દરેક વસ્તુ આપી રાખી છે, જો તમે અલ્લાહના ઉપકારો ગણવા ઇચ્છો તો તેમને પૂરા ગણી પણ નથી શકતા, નિ:શંક માનવી ઘણો જ અન્યાયી અને કૃતઘ્ની છે.

35

૩૫) (ઇબ્રાહીમ અ.સ.ની આ દુઆ પણ યાદ કરો) જ્યારે તેમણે કહ્યું કે હે મારા પાલનહાર ! આ શહેરને શાંતિપૂર્ણ બનાવી દે તથા મને અને મારા સંતાનને મૂર્તિપૂજાથી બચાવી લે.

36

૩૬) હે મારા પાલનહાર ! તેઓએ ઘણા લોકોને સત્ય માર્ગથી પથભ્રષ્ટ કરી દીધા છે, બસ ! મારું અનુસરણ કરનાર મારો (સાથી) છે અને જે મારી અવજ્ઞા કરે, તો તું ઘણો જ માફ કરનાર અને દયાળુ છે.

37

૩૭) હે મારા પાલનહાર ! મેં મારા અમુક સંતાન આ વેરાન ધરતી પર તારા પવિત્ર ઘર પાસે છોડ્યા છે, હે મારા પાલનહાર ! આ એટલા માટે કે તેઓ નમાઝ કાયમ કરે, બસ ! તું કેટલાક લોકોના હૃદયોને તેમની તરફ ઝૂકાવી દે અને તેમને ફળોની રોજી આપ, જેથી તે લોકો આભાર વ્યક્ત કરે.

38

૩૮) હે મારા પાલનહાર ! તું ખૂબ જાણે છે જે અમે છુપાવીએ અને જે અમે જાહેર કરીએ, ધરતી અને આકાશની કોઈ વસ્તુ અલ્લાહથી છુપી નથી.

39

૩૯) અલ્લાહ નો આભાર છે, જેણે મને આ વૃદ્ધાવસ્થામાં ઇસ્માઇલ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) આપ્યા, કોઈ શંકા નથી કે મારો પાલનહાર અલ્લાહ દુઆઓને સાંભળનાર છે.

40

૪૦) હે મારા પાલનહાર ! મને નમાઝ કાયમ કરનારો બનાવ અને મારા સંતાનને પણ, હે મારા પાલનહાર ! મારી દુઆ કબૂલ કર.

41

૪૧) હે મારા પાલનહાર ! મને માફ કરી દે અને મારા માતાપિતાને પણ માફ કરી દે અને બીજા ઈમાનવાળાઓને પણ માફ કરી દે, જે દિવસે હિસાબ કરવામાં આવશે.

42

૪૨) અન્યાય કરનારાઓના કર્મોથી અલ્લાહને બેદરકાર ન સમજ, તેણે તો તેઓને તે દિવસ સુધી મહેતલ આપી છે, જે દિવસે આંખો ફાટેલી રહી જશે.

43

૪૩) તે પોતાના માથાને ઉપર ઉઠાવી ભાગ-દોડ કરી રહ્યા હશે, પોતે પોતાના તરફ પણ નહીં જુએ અને તેમના હૃદયો ખાલી અને ભટકેલા હશે.

44

૪૪) લોકોને તે દિવસથી સચેત કરી દો, જ્યારે તેમની પાસે યાતના આવી પહોંચશે અને અત્યાચારી કહેશે કે હે અમારા પાલનહાર ! અમને થોડાંક સમયની મહેતલ આપ જેથી અમે તારી વાતનું અનુસરણ કરી લઇએ અને તારા પયગંબરોનું પણ અનુસરણ કરવા લાગીએ. શું તમે આ પહેલા પણ સોગંદો નહતા લેતા ? કે તમારે દુનિયા માંથી કૂચ કરવાની જ નથી.

45

૪૫) અને શું તમે તે લોકોના ઘરોમાં રહેતા ન હતા જેમણે પોતાના પર અત્યાચાર કર્યા અને શું તમારા પર તે બાબત સ્પષ્ટ નથી થઇ કે અમે તેઓની સાથે શું વ્યવહાર કર્યો ? અમે (તો તમને સમજાવવા માટે) ઘણા જ ઉદાહરણો વર્ણન કરી દીધા.

46

૪૬) આ પોતપોતાની યુક્તિઓ કરી રહ્યા છે અને અલ્લાહને તેમની દરેક યુક્તિઓનું જ્ઞાન છે અને તેમની યુક્તિઓ એવી ન હતી કે તેનાથી પર્વતો પોતાની જગ્યા પરથી ખસી જાય.

47

૪૭) તમે ક્યારેય એવો વિચાર ન કરશો કે અલ્લાહ પોતાના પયગંબરો સાથે વચનભંગ કરશે, અલ્લાહ ઘણો જ વિજયી અને બદલો લેવાવાળો છે.

48

૪૮) જે દિવસે ધરતી બદલી નાખવામાં આવશે અને આકાશ પણ અને દરેક લોકો ફકત એક, વિજયી અલ્લાહ સમક્ષ ઊભા હશે.

49

૪૯) તમે તે દિવસે પાપીઓને જોશો કે એક જગ્યા પર સાંકળોમાં જકડાયેલા હશે.

50

૫૦) તેમના વસ્ત્રો ગંધકના હશે અને આગ તેમના મોઢાઓ પર વ્યાપેલી હશે.

51

૫૧) આ એટલા માટે કે અલ્લાહ તઆલા દરેક વ્યક્તિને તેના કર્મોનો બદલો આપશે, નિ:શંક અલ્લાહ તઆલાને હિસાબ લેતા કંઈ પણ વાર નહીં થાય.

52

૫૨) આ કુરઆન દરેક લોકો માટે સચેત નામું છે, જેથી તેના દ્વારા તેઓને સચેત કરી દેવામાં આવે અને ખૂબ સારી રીતે જાણી લે કે અલ્લાહ એક જ પૂજ્ય છે અને જેથી બુદ્ધિશાળી લોકો સમજી લે.